દિલ પે ચલાઈ છૂરીયા: બે પથ્થરના ટુકડાના તાલે ગીત ગાતો ‘રાજુ કલાકાર’ કોણ છે?

 દિલ પે ચલાઈ છૂરીયા: બે પથ્થરના ટુકડા વડે મોજ કરાવતો ‘રાજુ કલાકાર’ કોણ છે?
(ફોટો સૌજન્ય: tv9भारतवर्ष)


છ-સાત વર્ષનો હતો ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કીડની ઇન્સ્ટિટ્યૂટમાં દર છ મહિને ચેક અપ કરાવવા માટે જવાનું થતું હતું. હું મારા મમ્મી-પપ્પા સાથે વડોદરાથી લોકલ ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ આવતા. લોકલ ટ્રેનોમાં ચણાની દાળ, ખારીસીંગ-ચણા સહિતની વસ્તુઓ વેચનારા અનેક ફેરિયા પણ જોવા મળતા હતા‌. એ સમયે સ્માર્ટ ફોન ન હતા. તેથી કેટલાક નાના બાળકો મનોરંજન પણ કરાવતા હતા. 


નાના બાળકોના મનોરંજનનું સાધન હતું તેમનો અવાજ અને હાથમાં પકડેલા પથ્થરના બે ટુકડા. નાના બાળકો ગીત ગાતાં અને હાથમાં રહેલા પથ્થરના ટુકડા વડે તાલબદ્ધ સંગીત આપતા. આમ લોકલ ટ્રેનમાં સૂર અને તાલનો સંગમ જોવા મળતો. ટ્રેનમાં આવી ત્રણેક લોકોની ટોળકી રહેતી. ત્રણ પૈકીનું એક મોટું બાળક ગીત ગાય અને તેના બાકીના ભાઇ-બહેન મનોરંજનના બદલામાં પૈસા ઉઘરાવતા. કેટલાક લોકો તેઓને પૈસા આપવાને બદલે ભણવાની સલાહ પણ આપતા. 


આ વાત એટલા માટે કરવી પડી કારણ કે તાજેતરમાં આવા જ બે પથ્થર વડે સંગીત રચીને ગીત ગાતો ‘રાજુ કલાકાર’ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેણે મને ટ્રેનના એ બાળકોની યાદ અપાવી છે. ગત વર્ષે આપણા રાજ્યમાં રાજસ્થાનથી બાળકો લાવી ભીખ મંગાવતા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ટ્રેનમાં બાળકો જે રીતે પથ્થરથી સંગીત આપતા હતા એ રાજસ્થાની વાદ્ય કરતાલ સાથે મેળ ખાય છે. એ કરતાલ લાકડાંમાંથી બનેલા હોય છે. તેથી મારૂં અનુમાન છે કે, પહેલાના સમયમાં ટ્રેનમાં ગીતો ગાનારા બાળકોને પણ કદાચ રાજસ્થાનથી લાવવામાં આવતા હશે. જોકે ‘રાજુ કલાકાર’ની વાત કંઈક જુદી જ છે.

રાજુ કલાકાર


વડોદરાના વતની ‘રાજુ કલાકાર’નું સાચું નામ રાજુ ભાટ છે. તે બે દીકરી અને એક દીકરાનો બાપ છે‌. ‘ભાટ’ અટક રાજસ્થાની લોકોમાં જોવા મળે છે. જેથી ‘રાજુ કલાકાર’ના મૂળ રાજસ્થાન સાથે જોડાયેલા છે. એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. ‘રાજુ કલાકાર’ના વ્યવસાય વિશે વાત કરીએ તો તે ઇવેન્ટ મેનેજમેન્ટમાં પંજાબી ઢોલ વગાડવાનું કામ કરે છે.  તેની પાસે ઘોડાગાડી પણ છે. આ સિવાય કઠપૂતળી(પપેટ શો)નું પણ તેનું વર્ષો જૂનું કામ છે. 


‘રાજુ કલાકાર’નો પહેલો વીડિયો જે વાયરલ થયો હતો. તેની પાછળ એક રસપ્રદ પ્રસંગ રહેલો છે. રાજુ ભાટ પર આર્થિક બોજો વધતા તેની પત્ની પોતાના પિયર સુરત ચાલી ગઈ હતી. તો રાજુ તેની પત્નીને મનાવવા તેની પાછળ પાછળ સુરત ચાલ્યો ગયો. રાજુએ પત્નીને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તે ન માની. એવા સમયે રાત્રે તે કેટલાક તેના ઓળખીતા લોકો સાથે બેઠો હતો. તેઓ તેની પરિસ્થિતિથી વાકેફ હતા. તેમણે રાજુને તેની પત્ની માટે ગીત ગાવાનું કહ્યું અને રાજુ ભાટે બે પથ્થરના ટુકડા વડે સંગીત આપીને ‘દિલ પે ચલાઈ છૂરીયા’ ગીત ગાયું હતું.


રાજુ ભાટે જ્યારે ગીત ગાયું ત્યારે કેટલાક લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર રીલ બનાવીને વાયરલ પણ થઈ ગયો. જોતજોતામાં તે વીડિયો દરેકની ફીડ પર આવવા લાગ્યો અને ‘રાજુ કલાકાર’ વાયરલ થઇ ગયો. તેથી એક રીતે કહી શકાય કે, ‘રાજુ કલાકાર’ની આ સફળતા પાછળ એની પત્નીનો પણ હાથ છે. આજે એવો સમય ચાલી રહ્યો છે કે, વાયરલ થનારને ફેમસ થતાં વાર લાગતી નથી. મીડિયા ચેનલો તેનું ઇન્ટરવ્યૂ લેવા માંડી, લોકો તેને ગીત ગાવા માટે બોલાવવા લાગ્યા. આ રીતે પ્રખ્યાત અને લોકપ્રિય થયેલો ‘રાજુ કલાકાર' ‘દિલ પે ચલાઈ છૂરીયા' ગીતના પ્લેબેક સિંગર સોનુ નિગમને પણ મળીને પોતાના અંદાજમાં એ જ ગીત ફરી સંભળાવી આવ્યો.



‘રાજુ કલાકાર'ની વાત આટલેથી અટકતી નથી. ભૂતકાળમાં આ રીતે વાયરલ થયેલા પ્યાર કા નગમા ફેમ રાનુ મંડલ, કાચા બદામ ફેમ ભુબન બદાયકર, બચપન કા પ્યાર ફેમ સહદેવ દિર્દોને જે રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ લાવી એ જ રીતે ‘રાજુ કલાકાર'ને પણ એક ગીતમાં કામ કરવાનો મોકો મળ્યો છે. ટી સીરીઝે ‘રાજુ કલાકાર' સાથે મળીને ‘દિલ પે ચલાઈ છૂરીયા' ગીતને રીક્રિએટ કર્યું છે. આ ગીત યુટ્યુબ પર રિલીઝ થઈ ચૂક્યું છે. જેમાં ‘રાજુ કલાકાર' સાથે વાયરલ ગર્લ અંજલી અરોરાના ઠુમકા પણ જોવા મળશે. આમ, ‘રાજુ કલાકાર' વડોદરાથી વાયા સુરત થઈને મુંબઈ સુધી પહોંચ્યો છે અને સિતારાની જેમ ચમક્યો છે!



ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ