સોનમ વાંગચૂકને 'લદ્દાખના ગાંધી’ કહીં શકાય?

સોનમ વાંગચૂકને લદ્દાખના ‘ગાંધી’ કહીં શકાય?

2 ઓક્ટોબર, 2025ના રોજ મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે ‘રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી’ના 156મો જન્મદિવસ ઉજવાઈ ગયો. પોતાની સત્યાગ્રહયુક્ત કામગીરીને કારણે ગાંધીજી સમગ્ર વિશ્વમાં જાણીતા થયા છે. જેથી તેમનો જન્મદિવસ પણ ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ’ તરીકે ઉજવાય છે. ગાંધીજી દેશ અને દુનિયામાં અનેક મહાનુભાવોની પ્રેરણા બન્યા છે. આવા લોકો પોતાના વિસ્તારના ગાંધી તરીકે ઓળખાયા છે. જેમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ‘બિહારના ગાંધી’, ખાન અબ્દુલ ગફારખાન ‘સરહદના ગાંધી’, ઘેલુભાઇ નાયક ‘ડાંગના ગાંધી’, માર્ટીન લ્યુથર કિંગ ‘અમેરિકાના ગાંધી’, નેલ્સન મંડેલા ‘દક્ષિણ આફ્રિકાના ગાંધી’, પિયરે પેરોડી ‘ફ્રાન્સના ગાંધી’ જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે. જોકે, આ આર્ટિકલની હેડલાઇન વાંચીને તમને થતું હશે કે, સોનમ વાંગચૂકમાં ‘ગાંધી’ જેવું શું છે? આવો જાણીએ.

સોનમ વાંગચૂક કેવી રીતે ચર્ચામાં આવ્યા?

છ વર્ષ પહેલા એટલે કે ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર રાજ્યને જમ્મુ અને કાશ્મીર (વિધાનસભા સહિત) અને લદ્દાખ (વિધાનસભા રહિત) એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન લદ્દાખના સ્થાનિક નેતાઓએ લદ્દાખ ને બંધારણની છઠ્ઠી અનુસુચીમાં સમાવવાની માંગ કરી હતી. ધ હિન્દુના અહેવાલ અનુસાર, National Commission for Schedual Tribe(NSCT) દ્વારા 4 સપ્ટેમ્બર, 2019ના રોજ ગૃહ મંત્રાલય, આદિજાતિ બાબતોનું મંત્રાલય અને કાયદો અને ન્યાય મંત્રાલય સાથે લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસુચી(6th Schedule)માં સમાવવા અંગે સાવધાનીપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 11 સપ્ટેમ્બર 2019ના રોજ NCSTની 119મી કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસુચીમાં સમાવવાની ભલામણ કરવામાં આવી હતી. NSCT દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસુચીમાં સમાવવામાં આવે તેનાથી અમને કોઈ વાંધો નથી. એવો ત્રણેય મંત્રાલયોનો અભિપ્રાય છે.’ આ સિવાય 2019ની લોકસભાની ચૂંટણી અને 2020ની લેહ હિલ કાઉન્સિલની ચૂંટણી થઈ ત્યારે ભાજપ દ્વારા પોતાના ચૂંટણી ઢંઢેરામાં લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસુચી હેઠળ સમાવવાનો વાયદો કરવામાં આવ્યો હતો. 

NCSTની ભલામણને લઈને 2022માં ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, "પાંચમી/છઠ્ઠી અનુસૂચિમાં આદિવાસી વિસ્તારોનો સમાવેશ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય તેમના એકંદર સામાજિક-આર્થિક વિકાસને સુનિશ્ચિત કરવાનો છે, લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યાની શરૂઆતથી જ કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન તેનું ધ્યાન રાખી રહ્યું છે. લદ્દાખને તેની એકંદર વિકાસલક્ષી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતું ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે." આમ, NCSTની ભલામણ અને ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવેલા વાયદાઓ પ્રમાણે કામગીરી ન થઈ. તેથી લદ્દાખના બુદ્ધિજીવીઓએ લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસુચીમાં સમાવવાની માંગ સાથે આંદોલનની શરૂઆત કરી. ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક આ આંદોલનનો મુખ્ય ચહેરો બન્યા. તેમણે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનને આગળ વધાર્યું. 2023માં સોનમ વાંગચૂકે લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસુચીમાં સમાવવાની માંગ સાથે પહેલીવાર ખારદુંગલા પાસ ખાતે ભૂખ હડતાલ એટલે કે ઉપવાસની જાહેરાત કરી હતી. જોકે, તેમની આ ભૂખ હડતાલને સ્થાનિક પ્રશાસન દ્વારા અટકાવી દેવામાં આવી હતી. 

‘ચલો દિલ્હી પદયાત્રા’નું કર્યું નેતૃત્વ

માર્ચ 2024માં સોનમ વાંગચૂકે 21 દિવસ ઉપવાસ કર્યા હતા. આ સમયે તેમની સાથે 7000 લોકો ભેગા થયા હતા. જોકે, 21માં દિવસે સોનમ વાંગચૂકે એક્સ પર લખ્યું હતું કે, "હું પાછો આવીશ... આજે 7000 લોકો ભેગા થયા હતા. મારા ઉપવાસના પહેલા તબક્કાનો અંત હતો. 21 દિવસ ગાંધીજી દ્વારા રાખવામાં આવેલ સૌથી લાંબો ઉપવાસ હતો." 1 સપ્ટેમ્બર 2024ના રોજ લેહ એપેકસ બોડી(LAB) અને કાર્ગિલ ડેમોક્રેટિક અલાયન્સના સહયોગથી સોનમ વાંગચૂકની આગેવાનીમાં ‘ચલો દિલ્હી પદયાત્રા’ શરૂ કરવામાં આવી હતી. જેનો હેતુ કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની ચાર માંગ રજૂ કરવાનો હતો. . આ પદયાત્રા 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં દિલ્હીની નજીક પહોંચી ગઈ હતી. પરંતુ 1 ઓક્ટોબરે આ યાત્રા સિંધૂ બોર્ડરની નજીક પહોંચી ત્યારે દિલ્હી પોલીસ દ્વારા સોનમ વાંગચૂકની તેમના 150 સાથીઓ સહિત અટકાયત કરવામાં આવી હતી. જોકે, 2 ઓક્ટોબરના રોજ તેઓને છોડી મૂકવામાં આવ્યા હતા. સોનમ વાંગચૂકે ત્યારબાદ 6 ઓક્ટોબરથી ફરી એકવાર દિલ્હીના લદ્દાખ ભવન ખાતે ઉપવાસ શરૂ કર્યા હતા. ઉપવાસના સોળમાં દિવસે ગૃહ મંત્રાલય તરફથી તેમની માંગ અંગે 3 ડિસેમ્બર 2024ના રોજ લદ્દાખના આગેવાનો સાથે બેઠક કરવાની વાત કરવામાં આવી હતી. જેથી 21 ઓક્ટોબર 2025ના રોજ સોનમ વાંગચૂકે ઉપવાસના પારણા કર્યા હતા. 

3 ડિસેમ્બર, 2024ના રોજ લદ્દાખના રાજકીય આગેવાનોની ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં ગૃહ મંત્રાલય દ્વારા લદ્દાખમાં સ્થાનિક લોકો માટે સરકારી નોકરીઓમાં 95% અનામત, પહાડી પરિષદોમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામતનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ ઉપરાંત જમીન સંબંધિત બાબતો અંગેની ચિંતાઓને દૂર કરવા અંગે પણ ગૃહ મંત્રાલય સંમત થયું હતું. જોકે, આ બેઠકમાં લદ્દાખને છઠ્ઠી અનુસુચીમાં સમાવવા તથા રાજ્યનો દરજ્જો આપવા અંગે કોઈ વાત કરવામાં આવી ન હતી. આ બેઠક બાદ જાન્યુઆરી 2025 અને મે 2025માં ગૃહ મંત્રાલયે લદ્દાખના રાજકીય આગેવાનો સાથે બેઠક કરી હતી. પરંતુ લદ્દાખને છઠ્ઠી અનુસુચીમાં સમાવવા અંગે કોઈ નીવેડો આવ્યો ન હતો. 

સોનમ વાંગચૂક અને ગાંધીવિચાર 

છેલ્લા એક વર્ષમાં લદ્દાખને છઠ્ઠી અનુસુચીમાં સમાવવા તથા રાજ્યનો દરજ્જો આપવા અંગે સરકાર પાસેથી કોઈ સ્પષ્ટ સંકેત ન મળતા સોનમ વાંગચૂકે લદ્દાખ ખાતે 10 સપ્ટેમ્બર 2025ના રોજ પોતાના 15 સમર્થકો સાથે 35 દિવસના ઉપવાસ શરૂ કર્યા હતા. જોકે, આ ઉપવાસ દરમિયાન બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવતા લદ્દાખમાં Gen Z રોષે ભરાયા અને રમખાણો સર્જાઈ. Gen Z યુવાનોએ લદ્દાખની જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. જેમાં ભાજપનું કાર્યાલયને પણ સળગાવવામાં આવ્યું હતું. પોતાનું આંદોલન હિંસક સ્વરૂપ લઈ રહ્યું છે, એવું લાગતા સોનમ વાંગચૂકે 15માં દિવસે પોતાના ઉપવાસ અટકાવી દીધા હતા.  આ પ્રસંગે સોનમ વાંગચૂકે એક્સ પર જણાવ્યું હતું કે, “શાંતિપૂર્ણ માર્ગનો સંદેશ નિષ્ફળ ગયો. અમારી ભૂખ હડતાલના 15માં દિવસે લેહમાં હિંસા, આગ લગાવવી, તોડફોડ કરવી જેવી ઘણી ઘટનાઓ થઈ. ભૂખ હડતાલ પર બેસેલા બે લોકોને ગઈ કાલે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેનાથી આક્રોશ ફેલાયો. આજે બંધનું એલાન કરવામાં આવ્યું અને યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા.” 

સોનમ વાંગચૂકે આગળ જણાવ્યું કે, “આજના યુવાનોનો આક્રોશ એક પ્રકારની Gen Z ક્રાંતિ છે. તેઓ પાંચ વર્ષથી બેરોજગાર છે. આ સામાજિક અશાંતિનો એક નુસખો છે. આ કોઈ લોકતાંત્રિક મંચ નથી. હું યુવાનોને હિંસાનો માર્ગ છોડવાની અપીલ કરૂં છું. આનાથી મારા પાંચ વર્ષના સંઘર્ષ પર પાણી ફરી વળશે. આપણે ઉપવાસ અને રેલી કરતાં આવ્યા છીએ. હિંસા આપણો રસ્તો નથી.”

1920-22માં મહાત્મા ગાંધીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું હતું. જેમાં દેશના ઘણાં લોકો જોડાયા હતા. આ આંદોલનમાં સરકારી ઉપાધીઓ અને પદોનો ત્યાગ, સરકારી શાળા-કોલેજોનો બહિષ્કાર, અદાલતોનો બહિષ્કાર, સરકારી નોકરીઓનો ત્યાગ અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર જેવી બાબતોનો સમાવેશ થતો હતો. આ આંદોલનને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો હતો. એવા સમયે ‘ચૌરી ચૌરા હત્યાકાંડ’ થયો. 4 ફેબ્રુઆરી 1922ના રોજ કેટલાક આંદોલનકારીઓએ ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતેના ચૌરી ચૌરામાં એક બ્રિટિશ પોલીસ ચોકીને સળગાવી નાખી હતી. જેમાં હાજર 22 પોલીસ કર્મચારીઓ જીવતા બળી મર્યા હતા. તેથી અહિંસાના હિમાયતી મહાત્મા ગાંધીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું હતું. 

મહાત્મા ગાંધીએ આ આંદોલનને પોતાની ‘પહાડ જેવી ભૂલ’ ગણાવ્યું હતું. સોનમ વાંગચૂકે પણ કંઈક આવું જ કર્યું છે. જ્યારે યુવાનો ગાંધીચિંધ્યો માર્ગ ભૂલીને હિંસાના માર્ગે ઉતરી આવ્યા ત્યારે તેમણે પોતાનું આંદોલન સંકેલી લીધું. આ વાત સોનમ વાંગચૂકમાં રહેલા ગાંધીવિચારને પ્રતિબિંબિત કરે છે. આ ઉપરાંત તેઓ ટેક્નોક્રેટ છે. તેઓ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીના નિષ્ણાત છે. પોતાના આ જ્ઞાનનો ઉપયોગ તેમણે લદ્દાખમાં તૈનાત ભારતીય સેનાની રક્ષા અને લદ્દાખમાં થતી પાણીની તંગીની સમસ્યાના નિવારણ માટે કર્યો છે. ‘3 ઈડિયટ’ ફિલ્મમાં રેન્ચો(ફૂંગ્સૂક વાંગડૂ)નું પાત્ર તેમનાથી પ્રેરિત છે. તેમણે લદ્દાખમાં શિક્ષણના સ્તરને ઊચું લાવવા માટે સ્ટુડન્ટ્સ એજ્યુકેશન એન્ડ કલ્ચર મુવમેન્ટ ઓફ લદ્દાખ (સેકમોલ) નામની સંસ્થાની સ્થાપના કરી છે. આ સંસ્થા લદ્દાખના વિદ્યાર્થીઓ માટે ગાંધીજીની ‘ગૂજરાત વિદ્યાપીઠ’ સમાન છે. અહીંયા દસમાં ધોરણમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણાવીને પ્રેક્ટિકલ નોલેજ આપે છે. આ સંસ્થામાં ભણેલા અનેક વિદ્યાર્થીઓ એન્જિનિયર અને ડૉક્ટર બની ચૂક્યા છે. આ સિવાય સોનમ વાંગચૂકે પોતાની પત્ની ગીતાંજલી અન્ગમો સાથે મળીને ‘હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ્સ, લદાખ’ નામની શૈક્ષણિક સંસ્થાની પણ સ્થાપના કરી છે.

સોનમ વાંગચૂકને 'લદ્દાખના ગાંધી' કહીં શકાય?

પોતાના શૈક્ષણિક ક્ષેત્રના સેવા કાર્યો અને પર્યાવરણની જાળવણીના કાર્યોને લઈને સોનમ વાંગચૂક રેમન મેગ્સેસે એવોર્ડ જેવા દેશ-વિદેશના જાણીતા 15 સન્માન તથા પુરસ્કારો પ્રાપ્ત કરી ચૂક્યા છે. જોકે, એક રીતે જોવા જઈએ તો સોનમ વાંગચૂકનું વ્યક્તિત્વ દૂધ જેવું ચોખ્ખું છે. પરંતુ આપણે ત્યાં દૂધમાં પોરા શોધવાની ટેવ વર્ષો જૂની છે. 25 સપ્ટેમ્બર 2025ના રોજ સોનમ વાંગચૂકની ભૂખ હડતાલ દરમિયાન લદ્દાખ ખાતે સર્જાયેલા રમખાણોમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેના માટે નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ સોનમ વાંગચૂકની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય તેમની શૈક્ષણિક સંસ્થાઓ પર પણ નાણાકીય ગેરરીતિઓ આચરવા તથા ગેરકાયદે વિદેશી ફંડ મેળવવા જેવી બાબતોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.

‘ચોરી ચૌરા હત્યાકાંડ' માટે અંગ્રેજોએ મહાત્મા ગાંધીને જવાબદાર ગણાવી તેમની વિરુદ્ધ રાજદ્રોહનો મુકદ્દમો ચલાવ્યો હતો. જેના માટે મહાત્મા ગાંધીને 6 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. મહાત્મા ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકામાં આંદોલન કરતા હતા ત્યારે તેમને ભારતીયો મદદ માટે ફંડ મોકલતા હતા. આટલી બાબતો મહાત્મા ગાંધી અને સોનમ વાંગચૂકના કિસ્સામાં એકસરખી જોવા મળે છે. પરંતુ જો સોનમ વાંગચૂકે ગેરકાયદે વિદેશી ફંડ મેળવીને તેનો દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ઉપયોગ કર્યો છે કે કેમ? તેની તપાસ થવી જરૂરી છે. પોતાના પર લાગેલા આરોપોને લઈને સોનમ વાંગચૂકે લાંબી લડત લડવાની છે. જો ભવિષ્ય તેઓ નિર્દોષ સાબિત થાય અને જેના માટે તેમણે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કર્યું તેની માંગ સ્વીકારાય તો સોનમ વાંગચૂકને ‘લદ્દાખના ગાંધી’ તરીકેની ઉપમા મેળવવાને લાયક બની જશે.








ટિપ્પણીઓ