નવી પેઢીના આંદોલનમાં આવું ન હોય તો શું હોય ?

 

નવી પેઢીના આંદોલનમાં આવું ન હોય તો શું હોય ?


નવી દિલ્હીના જંતર મંતર ખાતે CJP અધ્યક્ષ અભિજીત દીપકેના નેતૃત્વમાં થયેલા આંદોલને ધર્મેન્દ્ર પ્રધાન પાસેથી ‘પ્રધાન’ પદ છીનવી લીધું. જોકે, આ દિવસની વાટ જોવામાં આંદોલન પર ઉતરેલી Gen Z યુવા પેઢીને 36 દિવસ જેટલો સમય લાગ્યો. Gen Z યુવા પેઢીએ આ આંદોલનને પોતાની આગવી શૈલીથી આગળ વધાર્યું હતું. 6 જૂન 2026ના રોજ શરૂ થયેલા આંદોલનમાં 28 જૂનના રોજ જાણીતા પર્યાવરણવિદ્ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુક જોડાયા. સોનમ વાંગચૂકે આમરણ ઉપવાસ શરૂ કરીને આંદોલનમાં ગાંધીજીના આંદોલનની શૈલીનો ઉમેરો કર્યો. જેણે આ આંદોલનમાં મહત્વનો ભાગ ભજવ્યો. પરંતુ સોનમ વાંગચુકની સાથે બે આંગળીના વેઢામાં ગણાય એટલા લોકો જ ઉપવાસ પર બેઠા હતા.

ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોશિએશનના 6 વિદ્યાર્થી કાર્યકર્તાઓએ સોનમ વાંગચુક સાથે ઉપવાસ શરૂ કર્યો હતો. જ્યારે અભિજીત દીપકે તથા તેમના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસ તથા સહપ્રવક્તા આષુતોષ રાન્કા, વિજેતા દહિયા સહિતના સભ્યો પણ ઉપવાસમાં જોડાયા ન હતા. જ્યારે દિલ્હી પોલીસ સોનમ વાંગચુકને તેમના ઉપવાસના એકવીસમા દિવસે ઉઠાવીને લઈ ગઈ ત્યારે એટલે કે 18 જુલાઈના રોજ અભિજીત દીપકેએ ઉપવાસ શરૂ કર્યો હતો. જોકે, આ ઉપવાસનો અંત પણ માત્ર બે દિવસમાં આવી ગયો હતો. 20 જુલાઈના રોજ ‘સંસદકૂચ’ પહેલા અભિજીત દીપકેએ ઉપવાસના પારણા કરી દીધા હતા. જોકે, આંદોલનકારીઓ જ્યારે સંસદકૂચ કરીને દિલ્હી પોલીસના ડંડાનો માર ખાઈ રહ્યા હતા, ત્યારે બીજી તરફ બર્ગર ખાતો વીડિયો બનાવીને વિજેતા દહિયાએ ભાંગરો પણ વાટ્યો હતો. એને અવગણી શકાય તેમ નથી. જોકે, આ વીડિયો બાદ CJPએ વિજેતા દહિયા સાથે છેડો કરી લીધો હતો.

જંતર મંતર પર થયેલા આ આંદોલનને સોશિયલ મીડિયા પર વગોવવાના પણ ઘણા પ્રયાસો થયા હતા. જેમાં જંતર મંતરમાં આંદોલનના સ્ટેજ પરથી જોવા મળેલા નાચ-ગાન અને નાટક કરવાના વીડિયોનો ઉપયોગ કરાયો હતો. સોનમ વાંગચુક ઉપવાસ પર બેઠા છે અને બાકીના લોકોને આવું કરવું શોભા આપે છે? એવા સવાલો પણ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ઉઠાવ્યા હતા. જોકે, આવો સવાલ કરનાર એ વાત કદાચ નહીં જાણતા હોય કે, આંદોલન દરમિયાન કેવી કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ? આ વાત જાણવા માટે ગાંધીજીએ કરેલા આંદોલનનો થોડો વિસ્તૃત અભ્યાસ કરવો જરૂરી છે. ગાંધીજીના સત્યાગ્રહ અને સ્વતંત્રતા આંદોલનના મુખ્ય બે પાસાં હતા. એક રચનાત્મક કાર્યો અને બીજું સંઘર્ષ અથવા આંદોલનાત્મક કાર્યો.

રચનાત્મક કાર્યો સમાજના પુનઃનિર્માણ માટે હતા અને સંઘર્ષ અથવા આંદોલનાત્મક કાર્યો બ્રિટિશ હકુમતનો સામનો કરવા અને તેનો વિરોધ કરવા માટે હતા. સત્યાગ્રહના રચનાત્મક કાર્યોમાં ખાદી અને ગ્રામોદ્યોગ, અસ્પૃશ્યતા નિવારણ, કોમી એકતા, નઈ તાલીમ (બુનિયાદી શિક્ષણ), સ્ત્રી સશક્તિકરણ, દારૂબંધી, આરોગ્ય અને સફાઈ, ગો-સેવા અને પશુપાલનનો સમાવેશ થતો હતો. આ રચનાત્મક કાર્યો પાછળનો હેતુ ભારતને રાજકીય રીતે આઝાદ કરવાની સાથે સાથે સામાજિક, આર્થિક અને નૈતિક રીતે મજબૂત કરવાનો હતો. જોકે, આઝાદી પહેલાનો એ સમય જુદો હતો અને તેની સમસ્યાઓ પણ જુદી હતી. જંતર મંતર પર આંદોલનના સ્ટેજ પરથી જે કંઈ નાચ-ગાન અને નાટક થયા તે પણ રચનાત્મક કાર્યો જ હતા. જેનો હેતુ નવી પેઢીમાં જાગૃતિ લાવવાનો હતો. આજના સમયમાં મહદંશે આઝાદી પહેલા જેવી સમસ્યાઓ રહી નથી. તેથી આજની પેઢીના આંદોલનના રચનાત્મક કાર્યોમાં પણ નવીનતા આવી છે. આજની પેઢીમાં ઉપવાસ કરવાની ક્ષમતા બહું ઓછા લોકોમાં રહી છે, એ તો આ આંદોલન પરથી સ્પષ્ટ થઈ ગયું છે. તેથી નવી પેઢી પણ ઉપવાસ પર ઉતરીને જ આંદોલન કરશે એ ધારણા બાંધી લેવી જોઈએ નહીં.

જંતર મંતરના સ્ટેજ પરથી આ નવી પેઢીએ જે રચનાત્મક કાર્યો કર્યા તેની ટીકા કરવાને બદલે તેને સ્વીકારવા રહ્યા. આજની નવી પેઢીના રચનાત્મક કાર્યોમાં રીલ બનાવીને જાગૃતિ લાવવાનો પ્રયાસ મુખ્ય છે. આપણા વડાપ્રધાન પણ હવે આ વાત જાણી ગયા છે. જો નવી પેઢીના રચનાત્મક કાર્યોમાં દેશવિરોધી પ્રવૃત્તિ જોવા મળે તો તેને અટકાવવી પણ જરૂરી છે. પરંતુ આંદોલનના સ્ટેજ પરથી ‘હમ દેખેગે’ ગીત ગાવું અને એમાં ‘નામ રહેંગા અલ્લાહ કા’ એ કડીને ગાવી એ દેશવિરોધી કે કોઈ ધર્મવિરોધી પ્રવૃત્તિ નથી. એ વાતને પણ 'વોટ્સએપ યુનિવર્સિટી'માંથી ઉત્તિર્ણ થયેલા દેશવાસીઓએ સમજવી રહીં અને ગાંધીચીંધ્યા માર્ગે પરિવર્તન લાવનાર આજની યુવાપેઢીએ ભૂખ હડતાલનું મહત્વ પણ સમજવું રહ્યું.


 


ટિપ્પણીઓ