30 જાન્યુઆરી, 1948 : ગાંધી નિર્વાણ દિન
સુરક્ષાના કારણોસર સરદાર પટેલ ગાંધીજીને દિલ્હી સ્થિત બિરલા હાઉસમાં લઈ આવ્યા હતા. 20 જાન્યુઆરી, 1948ના રોજ પણ ગાંધીજીની પ્રાર્થના સભા પાસે મદનલાલ પાહવા દ્વારા બોંબ ફેંકવામાં આવ્યો હતો. બોંબ તેની નિર્ધારિત જગ્યાએથી દૂર પડ્યો હોવાથી કોઈ નુકસાન ન થયું. સ્થાનિક જનસમુહ દ્વારા તેને પોલીસને સોંપવામાં આવ્યાં હતાં. આ ઘટનાથી એટલો અંદાજ તો આવી ગયો હતો કે ગાંધીજી પર જીવલેણ હુમલો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
એને લઈને બિરલા હાઉસની સુરક્ષા વધારી દેવાનું નક્કી કરવામાં આવ્યું. બિરલા હાઉસની બહાર પહેલાં બે-ત્રણ પહેરેદાર ઊભાં રહેતાં તેઓ પ્રાર્થના સભામાં લોકોને તપાસીને દાખલ કરતાં. બાપુને પસંદ ન હતું તેથી તેમણે તપાસ બંધ કરાવી અને વધુ પડતા પહેરેદારોને ત્યાંથી છૂટા કર્યા. ત્યારબાદ બિરલા હાઉસ પર એક જ પહેરેદાર સામાન્ય કપડાંમાં રહેતો હતો અને શંકાસ્પદ લોકો પર નજર રાખતો હતો.
30 જાન્યુઆરી, 1948ના દિવસે સરદાર પટેલ ગાંધીજીને મળવા આવ્યા હતા. બાપુ કાયમ સાંજે પાંચ વાગ્યે પ્રાર્થના કરવા માટે પ્રાર્થનાસભામાં જતા. પરંતુ આજે મુલાકાત લાંબી ચાલવાને કારણે તેમને મોડું થઈ ગયું. બાપુ પ્રાર્થનાસભાના મંચ સુધી પહોંચવા નીકળ્યા. આભા અને મનુ તેમની સાથે હતી.
આ સમયે નાથુરામ ગોડસેએ ગાંધીજીની સામે આવી બે હાથ જોડીને "નમસ્તે બાપુ!" એમ કહ્યું. મનુ બહેને તેને કહ્યું કે "ભાઈ! સામેથી ખસી જાવ, બાપુને પહેલેથી જ મોડું થઈ ગયું છે." પરંતુ નાથુરામે મનુ બહેનને ધક્કો માર્યો અને પોતાના હાથમાં સંતાડી રાખેલી બૈરેટા પિસ્તોલ વડે ત્રણ ગોળીઓથી બાપુને વિંધી નાખ્યા. આ ત્રણ પૈકી બે ગોળીઓ બાપુના શરીરને વિંધી બહાર નીકળી ગઈ જ્યારે એક ગોળી તેમના શરીરમાં જ ફસાઈ ગઈ.
સમગ્ર દેશ અને દુનિયામાં આ વાત વિજળીની માફક ફેલાઈ ગઈ. કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે અહિંસાના પૂજારી સાથે આવી હિંસા થશે. ગાંધીજીની ઉંમર આ સમયે ૭૮ વર્ષ હતી.
ગાંધીજીની હત્યાની F.I.R. નંદલાલ મહેતા નામની વ્યક્તિ દ્વારા તુઘલક રોડ પોલીસ સ્ટેશનમાં લખાવવામાં આવી હતી. જેમાં નાથુરામ ગોડસે પર IPC 302 હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા મદનલાલ પાહવાને આજીવન કારાવાસ આને નાથુરામ ગોડસેને ફાંસીની સજા કરવામાં આવી હતી. ૧૪ નવેમ્બર, ૧૯૪૯ના રોજ અંબાલાની સેન્ટ્રલ જેલમાં તેને ફાંસી આપવામાં આવી હતી .
બિરલા હાઉસને ગાંધી સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું છે. બિરલા હાઉસના રસ્તાને "તીસ જાન્યુઆરી માર્ગ" નામ આપવામાં આવ્યું છે. ગાંધીજીના વતન પોરબંદરમાં તેમની અને કસ્તુરબાની સ્મૃતિમાં "કિર્તી મંદિર"ની રચના કરવામાં આવી છે. જેની ઊંચાઈ ગાંધીજીના ૭૮ વર્ષના આયુષ્યને ધ્યાનમાં રાખીને ૭૯ ફૂટ રાખવામાં આવી છે. ગાંધીજીનું શરીર ભલે પંચમહાભૂતમાં વિલિન થયું હોય. પરંતુ તેઓ તેમના વિચારો થકી આપણી વચ્ચે કાયમ હયાત છે.
_______________________________________________
(માહિતી સૌજન્ય : વિકિપીડિયા)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો