વિનુ વકીલ, વિચિત્ર વેતાલ અને વટાણા
વિનુ વકીલ વડોદરાના વડ પરથી વિચિત્ર વેતાલના મડદાને ખભા પર બેસાડીને ચાલવા માંડ્યો. મડદામાં રહેલો વિચિત્ર વેતાલ સળવળ્યો. માર્ગ તો લાંબો હતો પરંતુ તેણે વિનુ વકીલની ફેસબુક વોલ પર ટકી રહેનાર લોકોની ધીરજનો અંદાજ લગાવીને વડવાઓની શરતોને આધીન રહીને તેને ટૂંકી વાર્તા સંભળાવું છું એવું કહીને છાપામાં છપાયેલી ક્રાઈમ સ્ટોરી ટૂંકમાં વાંચી સંભળાવી. જે નીચે મુજબ હતી:
બે મિત્રો હતા. એક મિત્રનું એક છોકરી સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું. બીજા મિત્રનો જ્યારે તે છોકરી સાથે પરિચય થયો ત્યારે તેને પણ તે ગમવા લાગી. પ્રણય ત્રિકોણ સર્જાયો. પરંતુ જેમ એક મ્યાનમાં બે તલવાર ના રહી શકે તેમ બે છોકરા કેવી રીતે પ્રેમ કરી શકે? આ બાબતે બંને વચ્ચે તકરાર થઈ અને થોડા દિવસો બાદ એક મિત્રની હત્યા થઈ ગઈ. બીજા મિત્ર પર હત્યાનો આરોપ લાગ્યો. ફિલ્મોની ભાવુક હિરોઈન જેવી એક્ટિંગ કરતા છોકરીએ પણ તેની સામે આંગળી ચીંધીને કહી દીધું કે, “આણે જ મારા પ્રેમીની હત્યા કરી છે.” પોલીસે બીજા મિત્રને શંકા અને સંજોગોના આધારે આરોપી બનાવી તેની અટકાયત કરી. પોલીસની પૂછપરછમાં આરોપીએ વટાણા વેરી દીધા હતા. આવું છાપામાં લખાયું હતું. ટૂંકમાં આરોપીએ પોલીસને બધું કહી દીધું હતું અને વાર્તા પૂરી થઈ.
વડવાઓની શરત પ્રમાણે વિનુ વકીલ તો ચૂપચાપ ચાલતો હતો. પરંતુ વિચિત્ર વેતાલ ચૂપ રહી શકે તેમ ન હતો. તેને થયું કે મેં તો ક્રાઈમ સ્ટોરી સંભળાવી છે અને વિનુ તો વકીલ છે. એને તો વકીલની જેમ ટાઈ બાંધતા પણ સરસ આવડે છે. એને એના ધંધાને લગતો જ સવાલ પૂછું. આવું વિચારીને વિચિત્ર વેતાલે વિનુ વકીલને સવાલ પૂછ્યો:
સવાલ: જો એ આરોપીને અદાલતમાં રજૂ કરવામાં આવે છે. આરોપીનો વકીલ દલીલ કરવામાં પાવરફુલ છે. પોતાની દલીલના આધારે તે એવું સાબિત કરી દે છે કે તેના અસીલ પર લગાવેલા આરોપો પાયાવિહોણા છે. તેણે પોલીસના મેથીપાકની બીકે પૂછપરછમાં વટાણા વેરી દીધા હતા. આવું સાબિત થાય અને આરોપી નિર્દોષ છૂટી જાય તો વકીલે પોતાના અસીલે વેરેલા વટાણા વીણી લીધા એવું કહેવાય કે નહીં?
સવાલ સાંભળ્યા બાદ પોતાના વડવાઓની જેમ વિનુ વકીલ ચૂપચાપ વિચારમગ્ન હતો. ત્યારે વિચિત્ર વેતાલે પણ વડવાઓની જેમ વિનુ વકીલને ધમકાવતા કહ્યું કે, “આ સવાલનો જવાબ બોલ. જો તને જવાબ ખબર છે, છતાંય નહીં કહે તો હું તારી ખોપડીના ટુકડા કરી નાંખીશ. બોલ વિનુ બોલ. બોલ વિનુ વકીલ બોલ. બોલ વ્યંગકાર વિનુ વકીલ બોલ. બોલ હાસ્ય સમ્રાટ વિનુ વકીલ બોલ. જો આ આખું સોશિયલ મીડિયા તારા જવાબની રાહ જોઈ રહ્યું છે.”
વિનુ વકીલે વિચિત્ર વેતાલને પોતાની સ્ટાઈલમાં જવાબ આપ્યો. વિનુ વકીલે કહ્યું કે, "આપના સવાલ અંગે વિગતે જણાવવાનું કે અસીલ દ્વારા જે વટાણા વેરવામાં હતા તે કઈ જાતના હતા તે સ્પષ્ટ થાય તો વકીલ એ વેરેલા વટાણા વીણી શકે.
વટાણાની વિવિધ જાત વિશે ફરી પાછું વિગતે જણાવવાનું કે કૃષિ વિભાગની યાદી મુજબ નીચે જણાવેલ વટાણા ઉપલબ્ધ છે.
આરકેલ
બોનવિલે
હરભજન
જવાહર મટર – 1, 2, 3, 4, 5,
જવાહર વટાણા – 83
જેપી – 4
જેપી 19
મટર એગરી – 6
પંતનગર મટર – 2
પંત ઉપહાર – પી – 88
પીઓએસ – 4
વીએલ – 4
લીનકોપન
અર્લીડિસેમ્બર, અર્લી-બેઝર
અર્લી-સુપર્બ
બનારસ જાયન્ટ
ટી-113
(યાદી પૂરી)
તો આમાંથી કયા વટાણા અસીલે વેરેલ તેની છણાવટ થવી આવશ્યક છે.
વિચિત્ર વેતાલ દ્વારા ખોપડીના ટુકડા કરવાની જે ધમકી અપાઈ છે તેનો કેસ અલગથી કરવામાં આવશે."
વિનુ વકીલના જવાબથી વિચિત્ર વેતાલ ખુશ થયો. તેણે કહ્યું, 'વાહ વિનુ વાહ, તારો જવાબ જોરદાર છે. આ જવાબ સાંભળીને ગધેડાને ચડેલો તાવ પણ ઉતરી જાય. આજે મને વટાણાની એવી એવી જાતોના નામ સાંભળવા મળ્યા છે. જેની મને ખબર જ ન હતી. તારા હ્યુમર ભર્યા જવાબથી હું પ્રસન્ન થયો છું. વડવાઓની સ્ક્રિપ્ટ મુજબ ધમકી અપાઈ ગઈ, એટલે ભૂલચૂક માફ કરજે અને કેસ કરવાનું માંડી વાળજે. હવે શરત પ્રમાણે તું બોલ્યો અને હું ચાલ્યો.'
વિચિત્ર વેતાલ વિનુ વકીલનો ખભો છોડીને આકાશમાં ઉડતો ઉડતો અટ્ટહાસ્ય કરવા લાગ્યો અને બોલ્યો, “આ ભુવા જાગરીયાનાના ચક્કરમાં પડીશ નહી, ભૂત-બૂત જેવું કશું હોતું નથી. આજના સમયમાં મોટાભાગના ભુવા ધૂર્ત હોય છે.”
વિચિત્ર વેતાલ પાછો વડોદરાના વડ પર જઈને લટકી ગયો. વિચિત્ર વેતાલની પાછળ દોડતા દોડતા વિનુ વકીલ હાંફી ગયો હતો. આખરે તે વડના ઝાડ પાસે આવી ગયો. વડના ઝાડ નીચે ચાની કીટલી હતી. વિનુ વકીલે ચાવાળા પાસે પહેલા પોણી માંગ્યું અને ત્યાર બાદ પોતાની માટે અને વિચિત્ર વેતાલ માટે ચા ઓર્ડર કરીને સમાધાન કરી લીધું.
~ હિમાંશુ ચાવડા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો