સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’નું મુક્કદર કેવું હશે?

 


સમયાંતરે સલમાન ખાન ઈદ જેવા તહેવારોના મૂહુર્ત જોઈને પોતાની ફિલ્મો સાથે સિનેમાઘરોમાં આવી જાય છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી સલમાન ખાનની ફિલ્મોમાં સલમાન ખાન હોવાને કારણે સ્ટોરી જેવું કશું જોવા મળતું નથી. તાજેતરમાં આવેલી ‘સિકંદર’ ફિલ્મ પણ મારા આ અનુમાન પર ખરી ઉતરી છે. 

ફિલ્મની શરૂઆત શાનદાર છે. ફિલ્મમાં સલમાન ખાનને રાજકોટના રાજા તરીકે દર્શાવવામાં આવ્યો છે. વૈભવી ઠાઠમાઠમાં પણ તે સાદગીથી રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ સલમાન ખાન સિવાય જેને જોવા માટે લોકોએ પૈસા ખર્ચ્યા છે, એવી રસ્મિકા મંદાના એટલે કે ફિલ્મના રાણી સાહિબાનું શરૂઆતના અડધા કલાકમાં અને સલમાન ખાનના દુશ્મનો સાથેના ઝઘડામાં મૃત્યુ થઇ જાય છે. 

હવે શું થશે? આ સીન પછી મારા મનમાં સવાલ થયો હતો. પરંતુ ત્યારબાદ અંગદાનનો મેસેજ આપવા સિવાય ફિલ્મમાં બીજું કશું ખાસ થતું હોય એવું જોવા મળતું નથી. ફિલ્મમાં વિલન સાથેની ફાઈટ સહિતના અનેક એક્શન સીન જોવા મળે છે. પરંતુ ફિલ્મની સ્ટોરી કોઈ આધાર વગર અહીંથી તહીંં કૂદકા મારતી હોય એવું લાગે છે.

ફિલ્મમાં અડધા એક્ટર્સ સાઉથની ફિલ્મોના છે. જેઓ પોતાના પ્રદેશની ફિલ્મોમાં લીડ રોલ કરે છે, પરંતુ અહીં તેઓ સાઈડ કેરેક્ટરની ભૂમિકામાં જોવા મળ્યા છે. એમાં આપણો ગુજરાતી એક્ટર મિત્ર ગઢવી પણ છે. ફિલ્મમાં તેનો રોલ નાનો પરંતુ સારો છે. તેની એક્ટિંગ પણ સારી છે. ફિલ્મમાં શર્મન જોશીની હાજરી શોભાના ગાંઠિયા સમાન છે. તેની તથા અન્ય લોકોની ડાયલોગ ડિલિવરી વીક લાગી રહી છે. જેની પાછળ તેના ડિરેક્શનને જવાબદાર ગણાવી શકાય તેમ છે. ગીતો પણ ઠીકઠાક છે. વધુ કશું કહેવા જેવું નથી.

તમે સલમાન ખાનના ફેન હોવ, તો આ ફિલ્મ જોવા જઈ શકો છો. 30 માર્ચની રાતના શોમાં હું જે જગ્યાએ આ ફિલ્મ જોવા ગયો હતો, તે હોલમાં ગણ્યા ગાંઠ્યા 15-20 જેટલા લોકો હતા. હવે લોકો આ ફિલ્મને કેવી રીતે વધાવે છે અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું મુક્કદર કેવું હશે એ જોવું રહ્યું.

~ હિમાંશુ ચાવડા 'હમરાઝ'

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ