Ancient Diary Of Dabhoi
- નમસ્કાર મિત્રો, હું હિમાંશુ મારા બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત કરૂં છું. મારો તાલુકો ડભોઈ અને જીલ્લો વડોદરા. આમ જુઓ તો ડભોઈ અને વડોદરા બંનેને પોતાનો આગવો ઇતિહાસ છે. પુરાતનકાળમાં ડભોઈનો 'દર્ભાવતી' અને વડોદરાનો 'વટપદ્રક'ના નામે ઉલ્લેખ જોવા મળે છે. એ પૈકી આજે ડભોઈના ઈતિહાસની બે વાત આપની સમક્ષ મૂકી રહ્યો છું.
- વડોદરાથી ડભોઈ જતાં વચ્ચે ઢાઢર નદી પસાર કર્યા પછી રાજલી ક્રોસિંગ નામની ચોકડી આવે છે. આ ચોકડીથી મારૂં ગામ અંગુઠણ પાંચ કિ.મીના અંતરે આવેલું છે. એટલે કે અંગુઠણથી ડભોઈ પંદર કિ.મી. અને પંદર મિનિટના અંતરે આવેલું છે.
- સોલંકી વંશના સમયગાળા દરમિયાન બનાવાયેલા બે કિલ્લાઓ એક ઝીંઝુવાડાના કિલ્લો અને બીજો ડભોઈના કિલ્લો હાલમાં પણ મોજુદ છે.
- ગુજરાતના ઈતિહાસના પાના પલટાવીને જોતા જાણવા મળે છે કે ડભોઈના કિલ્લાના બાંધકામની શરૂઆત સિદ્ધરાજ જયસિંહે કરાવી હતી અને વિશળદેવ વાઘેલાના શાસનમાં આ કિલ્લાનું બાંધકામ પૂરું થયું.
- ડભોઈનો કિલ્લો ઝીંઝુવાડાના કિલ્લા કરતાં ચાર ગણો મોટો અને લંબચોરસ આકારનો હતો. એમાં એકંદરે પર બુર્જ હતા. ખુણાના બુર્જ ગોળ હતા. બાકીના બધા લંબચોરસ હતા.કોટની ટોચે કાંગરા કાઢેલા હતા. ખૂણાના બુર્જોમાં ગોળ કોટડીઓ હતી.
- ચાર દિશાએ બનાવવામાં આવેલા ચાર દરવાજા હિરા ભાગોળ, વડોદરી ભાગોળ, નાંદોદી ભાગોળ અને મહુડી ભાગોળ. આ ચારે ભાગોળ પુરાતત્ત્વ વિભાગ દ્વારા સાચવવામાં આવી છે.
- હવે આ ચાર ભાગોળ વિશે થોડી વિસ્તારમાં જાણકારી મેળવવાનો પ્રયાસ કરીએ.
1. હિરા ભાગોળ
- ડભોઈના કિલ્લાનો પૂર્વ દિશામાં આવેલો આ મુખ્ય દ્વાર કિલ્લાના શિલ્પી હિરાધર ની યાદમાં 'હિરા ભાગોળ' તરીકે ઓળખાય છે. આ ભાગોળ પર કરવામાં આવેલું શિલ્પ કામ મનોહર છે. જે દરેક કલાપ્રેમીને અહિં સુધી ખેંચી લાવે છે.
- આ જ ભાગોળમાં એક ભોયરૂં હતું કે જેના દ્વારા છેક પાવાગઢ પહોંચી શકાતું હતું. જેને પુરાતત્ત્વ વિભાગે બંધ કરી દીધું છે. આ ઉપરાંત આ જ ભાગોળમાં રાજા વિશળદેવ વાઘેલા દ્વારા બંધાવેલું તેમના કુળદેવી 'શ્રી ગઢભવાની માતાનું મંદિર' પણ આવેલું છે.
(1)
(2)
(3)
(4)
(5)
(6)
(7)
(8)
(11)
(14)
(15)
(16)
(17)
(18)
(19)
2. વડોદરી ભાગોળ
- જો તમે વડોદરા તરફથી ડભોઈમાં પ્રવેશ કરો એટલે સૌ પ્રથમ તમને વડોદરી ભાગોળ જોવા મળે છે. આ જ કારણે આ ભાગોળને 'વડોદરી ભાગોળ' તરીકે ઓળખવામાં આવે છે.
- આ ભાગોળ ખૂબ વિશાળ છે. લગભગ આ જ પ્રકારના પ્રવેશદ્વાર ઐતિહાસિક ફિલ્મો અને ટીવી સીરિયલમાં જોવા મળે છે.
- ફોટો નં. 28માં આ ભાગોળની દિવાલ પરનું લખાણ કેદ કરવામાં આવ્યું છે જે સ્પષ્ટ વંચાઈ રહ્યું નથી.
(22)
(23)
(24)
(25)
(26)
(27)
(28)
3. નાંદોદી ભાગોળ
- હાલમાં નાંદોદ નર્મદા જિલ્લાનો મહત્વપૂર્ણ તાલુકો છે. રાજપીપળા નાંદોદ તાલુકાનું મુખ્ય મથક છે. જો તમે રાજપીપળા તરફથી ડભોઈમાં પ્રવેશ કરો તો તમને 'નાંદોદી ભાગોળ' જોવા મળે છે.
(29)
(30)
(31)
(32)
(33)
(34)
(35)
(36)
- ચાંપાનેર અથવા મહુડી તરફથી જો તમે ડભોઈમાં પ્રવેશ કરો તો તમને 'મહુડી ભાગોળ' જોવા મળે છે.
- આ ભાગોળ હાલ કાર્યરત અવસ્થામાં છે. આ ભાગોળ માંથી લોકોની અવરજવર ચોવીસ કલાક ચાલું જ રહે છે.
- ફોટો નં. 43માં મહુડી ભાગોળની દિવાલ પરનું લખાણ કેદ કરવામાં આવ્યું છે. જેમાં સંવત 1344, વદી 4 એવા સમયગાળાનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે કે 1288 વર્ષ પહેલાંના આ લખાણ પરથી આ કિલ્લો કેટલો જૂનો છે એનો અંદાજ લગાવી શકાય છે.
(43)
- મિત્રો, કોઈ ડભોઈ આવે અને શિલ્પી હિરાધરની પ્રેમકહાની ના સાંભળે તો એનું ડભોઈ આવવું નિરર્થક સાબિત થાય.
- શિલ્પી હિરાધરની પ્રેમિકાનું નામ 'તેન' હતું. પોતાના પ્રેમની નિશાની રૂપે શિલ્પી હિરાધરે કિલ્લાના બાંધકામમાં વપરાતા પથ્થરોની ચોરી કરીને ડભોઈથી દૂર એક તળાવનું નિર્માણ કર્યું. જેને 'તેન તળાવ' નામ આપ્યું. આ તળાવ પાસે એક ગામ પણ વિકસ્યું છે જે 'તેન તળાવ'ના નામે જ ઓળખાય છે.
- રાજાના માણસો જ્યારે ડભોઈથી ચાણોદ જઈ રહ્યા હતા એ સમયે તેઓને રસ્તામાં આવતા આ સ્થળ વિશે માહિતી મળી. શિલ્પી હિરાધરની ચોરી પકડાઈ ગઈ.
- રાજા વિશળદેવને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ શિલ્પી હિરાધર ઉપર ખૂબ ગુસ્સે થયા. તેમણે શિલ્પી હિરાધરને દિવાલમાં જીવતા ચણી દેવાની સજા સંભળાવી.
- શિલ્પી હિરાધરના મિત્રો તેનું મહત્વ જાણતા હતા. તેમણે હિરાધરની આસપાસ દિવાલ તો ચણી કાઢી અને સાથે સાથે રાજાને ખબર ના પડે એવું નાનકડું બાકોરું પણ રાખ્યું.
- હિરાધરની પ્રેમિકા તેને દરરોજ ઘી અને રોટલો આ બાકોરા માંથી હિરાધરને જમવા માટે મોકલતી હતી. આ રીતે શિલ્પી હિરાધરનું જીવન એ દિવાલમાં ટકી રહ્યું હતું.
- એક તરફ કિલ્લાનું બાંધકામ પૂરૂં થવાને આરે હતું ત્યાં એક મુશ્કેલી ઊભી થઈ. કિલ્લાની મુખ્ય કમાન શિલ્પી હિરાધર સિવાય કોઈ ચઢાવી શકે એમ હતું નહીં. રાજા વિશળદેવ મુંઝવણમાં મુકાયા.
- શિલ્પી હિરાધરના મિત્રોએ રાજાને બધી વિગતો જણાવી. રાજા વિશળદેવે શિલ્પી હિરાધરને દિવાલના બંધનમાંથી મુક્ત કરવાનો હુકમ કર્યો અને તેને કિલ્લાની મુખ્ય કમાન ચઢાવવા માટે મંજૂરી આપી.
- શિલ્પી હિરાધરે બહાર આવી કિલ્લાનું બાકી રહેલું કામકાજ પૂર્ણ કર્યું. પરંતુ ચારે તરફથી બંધ દિવાલની પાતળી હવા સાથે જીવવા ટેવાયેલું તેનું શરીર બહારની હવા સાથે અનુકૂલન સાધી શક્યું નહીં અને આવા સંજોગોમાં તેનું અવસાન થયું. તેની અદભૂત કલાની કારીગરીએ તેને ઈતિહાસમાં અમર કરી દીધો.
- ગૌરીશંકર જોષી 'ધુમકેતુ' દ્વારા લિખિત વાર્તા 'વિનિપાત' ડભોઈના કિલ્લાના આ અવશેષોને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે. આ વાર્તામાં ઐતિહાસિક સ્મારકો સાચવવા બાબતે આજની પેઢી કેટલી સભાન છે એની વાત ખૂબ સુંદર રીતે આલેખવામાં આવી છે.
- દૂરદર્શને આ વાર્તા પરથી 'વિનિપાત' નામે એક ટેલિફિલ્મ પણ બનાવી છે. જેમાં પણ ડભોઈના કિલ્લાના દ્રશ્યોની સારી રીતે બારીકાઈથી વિડિયોગ્રાફી કરવામાં આવી છે. જેની યુ-ટ્યુબ લિંક હું અહીંયા શેર કરૂં છું. https://youtu.be/T3aU_S0Vfkk. આ ઉપરાંત મારા ભાઈ રાજ દ્રારા અમે કરેલી ડભોઇની મુલાકાતના ફોટોગ્રાફનો વિડીયો બનાવીને યુટ્યુબ પર મુક્યો છે એની લિંક પણ આપની સાથે શેર કરૂં છું. https://youtu.be/bXk88DoYKr8 મારા બ્લોગ પર આટલું વાંચ્યા પછી જો તમે કલાપ્રેમી હશો તો આ ટેલિફિલ્મ અને મારા ભાઈનો વીડિયો જરૂરથી જોઇ નાખશો.
- મિત્રો, હવે આ બ્લોગને અહીં વિરામ આપીએ. ટૂંક સમયમાં આપણે નવા વિષય સાથે આ જ સરનામે જરૂર મળીશું. અંત સુધી મારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
(All Image click by Himanshu Chavada and Raj Chavda
માહિતી સૌજન્ય : ગુજરાતનો ઈતિહાસ, લે. સ્વ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, પ્રકાશક : યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ.)
ખૂબ અદભૂત ઇતિહાસ છે ભાઈ
જવાબ આપોકાઢી નાખોખૂબ જ સરસ ભાઈ
જવાબ આપોકાઢી નાખોઅભિનંદન.
જવાબ આપોકાઢી નાખોઆનંદ.
આભાર.