‘સૈયારા’ જોઈને રડનારા લોકો ‘ધડક 2’ માટે થોડા આંસુ બચાવી રાખો !
![]() |
‘સૈયારા’ જોઈને રડનારા લોકો ‘ધડક 2’ માટે થોડા આંસુ બચાવી રાખો |
ફક્ત બે અઠવાડિયામાં ‘સૈયારા’ ફિલ્મે કમાલ કરી બતાવ્યો છે. રિલીઝ થયાના બે દિવસમાં 20 કરોડથી વધુની કમાણી કરનારી આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 200 કરોડને પાર પહોંચી ગયું છે. પહેલીવાર લીડ રોલ કરનાર અહાન પાંડે અને અનીત પડ્ડાએ દર્શકો પર જાદું કર્યો છે. સિનેમાઘરોમાં આ ફિલ્મ જોઈને રડનારા ઘણા દર્શકોના વીડિયો પણ પાછલા દિવસોમાં સામે આવ્યા છે. ત્યારે આ દર્શકોને જણાવવાનું કે, થોડા આંસુ બચાવીને રાખો. કારણ કે, આજે સિનેમાઘરોમાં ‘ધડક 2’ ફિલ્મ રિલીઝ થવાની છે.
‘ધડક 2’ ફિલ્મ કેવી હશે?
‘ધડક’ ફિલ્મ એક લવસ્ટોરી બેઝ ફિલ્મ હતી. જેમાં મધુ અને પાર્થિવીની વાત છે. બંને એકબીજાને પસંદ કરતા હોય છે. પરંતુ પાર્થિવી રહી ઊંચા ખાનદાનની દીકરી અને મધુ રહ્યો નીચા ખાનદાનનો દીકરો. ઊંચ-નીચથી પરે થઈને બંનેએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કરે છે. બંને ઘર છોડીને કલકત્તા ચાલ્યા જાય છે અને નવી શરૂઆત કરે છે. ફિલ્મની મધ્યમાં બંને વચ્ચે થોડા મનભેદ પણ થાય છે. જે પાછળથી દૂર પણ થઈ જાય છે. પરંતુ આખરે પાર્થિવીના ઘરવાળા લોકો કલકત્તા પહોંચી જાય છે અને તેને શોધી કાઢે છે. ફિલ્મમાં અંતે મધુનું કરૂણ મોત થાય છે. ફિલ્મમાં મધુના મૃત્યુનો સીન જોનારને બે ઘડી વિચારવા માટે મજબૂર કરી દે તથા આંખના ખૂણા ભીના કરી દે એવો છે. જોકે, આ ફિલ્મ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની રિમેક હતી. 1 ઓગસ્ટે રિલીઝ થનારી ‘ધડક 2’ ફિલ્મ પણ રિમેક છે.
'ધડક 2' ફિલ્મ હૃદયસ્પર્શી હશે
‘ધડક 2’ 2018માં આવેલી તમિલ ફિલ્મ ‘પરિયેલુમ પેરૂમલ’ની રિમેક છે. આ ફિલ્મમાં પરિયન અને મહાલક્ષ્મીની વાત છે. બંને એક કોલેજ અને એક ક્લાસમાં LLBનો અભ્યાસ કરે છે. બંને એકબીજાને પસંદ કરવા લાગે છે. પરંતુ પરિયન નીચી જાતિનો છે. તેથી મહાલક્ષ્મીના પિતાને તે પસંદ આવતો નથી. મહાલક્ષ્મી પોતાના ઘરના એક પ્રસંગમાં પરિયનને બોલાવે છે. જ્યાં પરિયનનું અપમાન કરવામાં આવે છે. ત્યારબાદ પરિયન મહાલક્ષ્મીથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. મહાલક્ષ્મી તેના પિતાએ કરેલા પરિયનના અપમાનથી અજાણ છે. મહાલક્ષ્મીની કોલેજમાં ભણતો તેનો ભાઈ પણ પરિયન તથા તેના પિતાને પરેશાન કરે છે. પરિયનને હતાશા ઘેરી વળે છે. એવામાં આખરે મહાલક્ષ્મીના પિતા દ્વારા એક વ્યક્તિને પરિયનને મારવાની સોપારી આપવામાં આવે છે. પરંતુ પરિયન તેના પાલતું શ્વાનના કારણે બચી જાય છે.
તૃપ્તિ ડિમરી બનશે આકર્ષણનું કેન્દ્ર
ફિલ્મનો અંત આંખમાં આંસું લાવી દે તેવો તથા સુખદ છે. ફિલ્મમાં એવા ઘણા દૃશ્યો છે, જે તમને ઊંચ-નીચ તથા જ્ઞાતિપ્રથા અંગે વિચારવા મજબૂર કરી દેશે. જોકે, ‘ધડક’ ફિલ્મ જાન્હવી કપૂરની પહેલી અને ઇશાન ખટ્ટરની બીજી ફિલ્મ હતી. જ્યારે ‘ધડક 2’ સિધ્ધાંત ચતુર્વેદીની સાતમી અને તૃપ્તિ ડિમરીની દસમી ફિલ્મ છે. જે રીતે ‘સૈયારા’ ફિલ્મમાં આંસુ સારવાનો ક્રેઝ જોવા મળ્યો. તેને જોઈને લાગે છે કે, ‘ધડક 2’ ફિલ્મમાં તૃપ્તિ ડિમરીના ચાહકો તેને જોઈને ચોધાર આંખે આંસુ વહાવશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો