ફેબ્રુઆરી

  • નમસ્કાર, હું હિમાંશુ ચાવડા. આજે તા. 28 ફેબ્રુઆરી, 2021. આપણે જાણીએ છીએ તેમ કે માત્ર લીપ યરમાં જ ફેબ્રુઆરી મહિનામાં 29મી તારીખ આવે છે અને લીપ યર દર ચાર વર્ષે એક વખત આવે છે. જે વર્ષને ચાર વડે નિ:શેષ ભાગી શકાય તેને લીપ યર કહેવાય છે. 
  • મિત્રો, ક્યારેક મનમાં એવો સવાલ ઊભો થયો છે કે આ લીપ યર ચાર વર્ષે એક વખત કેમ આવે છે ? વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં જ કેમ આવે છે ? બીજા કોઈ મહિનામાં કેમ નથી આવતો ? 
  • આજના બ્લોગમાં મળશે તમારા આ તમામ સવાલોના જવાબ અને બીજું ઘણું બધું. વધુ સમય ન બગાડતા હવે આ શબ્દોની સફર શરૂ કરીએ.
  • સૌ પ્રથમ Romulan Calendar માં દસ મહિના હતા. આ દસ મહિનાઓ 30-31 દિવસોમાં વિભાજીત હતા. આ કેલેન્ડરમાં શરૂઆતનો મહિનો માર્ચ અને છેલ્લો મહિનો ડિસેમ્બર હતો. પરંતુ આ કેલેન્ડરમાં બાકી વધતા 61.25 દિવસોની ગોઠવણ થઈ ન હતી. 

Romulan Calendar

1. Martius - 31દિવસ

6. Sextilus - 30 દિવસ

2. Aprilia - 30 દિવસ

7. September - 30 દિવસ

3. Maius - 31દિવસ

8. October - 31 દિવસ

4. Iunius - 30 દિવસ

9. November - 30 દિવસ

5. Quintils - 31 દિવસ

10. December - 30 દિવસ

કુલ દિવસ : 304


  • આ કેલેન્ડરને વ્યવસ્થિત કરવા રોમના રાજા Numa Pompilius (753 B.C.) એ તેમા સુધારો કરવાના પ્રયત્નો કર્યા. પ્રાચીન રોમન સંસ્કૃતિમાં બેકી સંખ્યાને અશુભ ગણવામાં આવતી હતી. તેથી તેણે દરેક બેકી સંખ્યા ધરાવતા મહિના માંથી એક દિવસ ઓછો કરી નાખ્યો. એટલે કે 30 દિવસ ધરાવતા મહિના હવે 29 દિવસના થઈ ગયા. પરંતુ આમ કરવાથી વર્ષના કુલ દિવસો ઘટીને 298 થઈ ગયા. 
  • આ વ્યવસ્થા પણ દિવસોની ગોઠવણી બરાબર કરી શકી નહીં. તેથી તેણે Januarius (29 દિવસ) અને Februarius (28 દિવસ) નામના બે મહિના ઉમેર્યા કે જે બંને ક્રમશઃ કેલેન્ડરના અંતમાં હતા. અહિયાં નોંધવા જેવી બાબત એ છે કે આ કેલેન્ડરમાં ફેબ્રુઆરી સિવાયના દરેક મહિના એકી સંખ્યાના દિવસો ધરાવે છે. જ્યારે એકમાત્ર ફેબ્રુઆરી મહિનો 28 દિવસ ધરાવે છે કે જે બેકી સંખ્યા છે.
  • Februarius એ Februum નામના લેટિન શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે. જેનો અર્થ 'Purgation' એટલે કે 'વિશુદ્ધિકરણ' થાય છે. રાજા Numa દ્રારા બનાવાયેલું આ કેલેન્ડર Numa Calendar તરીકે ઓળખાયું કે જેમાં 355 દિવસો હતા. 
  • મિત્રો, ચંદ્રને પૃથ્વીની ફરતે એક ચક્ર પૂરું કરતા 29.5 દિવસનો સમય લાગે છે. અત્યાર સુધી આપણે જે બે કેલેન્ડરની વાત કરી. Romulan Calendar (304 દિવસ) અને Numa Calendar (355 દિવસ). આ બંને કેલેન્ડરમાં દિવસોની ગોઠવણી 'ચંદ્રની કળા'ને આધારે કરવામાં આવી હતી. 
  • રોમના રાજા Julius Caesar (49 B.C.) કે જેઓ એક મુત્સદ્દી અને લેટિન ભાષાના નોંધપાત્ર લેખક હતા. તેઓએ પોતાનો ઘણોખરો સમય ઈજીપ્તમાં વિતાવ્યો હતો. સંશોધન ઉપરથી તેમને જાણવા મળ્યું કે પૃથ્વીને સૂર્યની ફરતે એક ચક્ર પૂરું કરતા 365.2425 દિવસનો સમય લાગે છે. 
  • તેથી રાજા Julius Caesarએ 46 B.C.માં Numa Calendar રદ કર્યુ. ત્યારબાદ તેઓએ પૃથ્વીના સૂર્યની ફરતેના પરિભ્રમણને આધારે કેલેન્ડર બનાવવાની શરૂઆત કરી. તેમણે 12 મહિનામાં 365 દિવસની ગોઠવણી કરી. આ ગોઠવણીમાં શરૂઆતનો મહિનો Januarius અને છેલ્લો મહિનો December હતો. 
  • Numa Calendarમાં 355 દિવસ હતા. તેથી તેમણે જુદા-જુદા મહિનામાં એક એક દિવસ એમ કુલ દસ નવા દિવસોનો ઉમેરો કર્યો.જેથી કેલેન્ડર હવે 365 દિવસનું બન્યું. 
  • આ સિવાય રાજા Julius Caesarની સામે એક બીજી મૂંઝવણ એ હતી કે વર્ષના અંતે વધતા 0.2425 દિવસને ક્યાં ગોઠવવા ? એક હિસાબ મુજબ 0.2425 દિવસને 0.25 માની લઈને તેના ચાર ગણા કરતા 1.00 દિવસ એટલે કે લગભગ આખો એક દિવસ થાય. તેથી Julius Caesarએ દર વર્ષેના અંતે 0.2425 દિવસ ઉમેરવાની જગ્યાએ દર ચોથા વર્ષે એક આખો જ અધિક દિવસ ઉમેરી દીધો.
  • Numa Calendar પ્રમાણે છેલ્લો મહિનો ફેબ્રુઆરી હોવાથી આ અધિક દિવસ દર ચોથા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઉમેરવાની પરંપરા શરૂ થઈ. આમપણ ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસો જ હતા. તેથી દર ચોથા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે છે. Leap એ ક્રિયાપદ છે જેનો અર્થ 'કૂદકો મારવો' એમ થાય છે. આપણું કેલેન્ડર પણ દર ચાર વર્ષે કૂદકો મારે છે અને 'લીપ યર' આવે છે. આપણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ દિવસ 29 ફેબ્રુઆરી,1896ના રોજ થયો હતો. આ દિવસે પેદા થનારા લીપ યર સિવાયના વર્ષોમાં 28 ફેબ્રુઆરીએ પોતાનો જન્મદિવસ મનાવે છે. મોરારજી દેસાઈએ પોતાના નાણામંત્રી તરીકેના કાર્યકાળમાં પોતાના જન્મદિવસે દસ વખત બજેટ રજૂ કર્યુ હતુ.
  • કેલેન્ડરમાં આ સિવાય સાતમો અને આઠમો મહિનો કે જે ક્રમશઃ Quintils અને Sextilis નામે જાણીતા હતા. તેના નામ બદલીને રોમના બે મહાન સમ્રાટ રાજાઓ જે પૈકીના Julius Caesar કે જેમણે આ કેલેન્ડર બનાવ્યું અને Augustus કે જે રોમના પ્રથમ સમ્રાટ હતા તેમના નામ ઉપરથી પાડવામાં આવ્યા. આ બંને મહિનાઓની ગોઠવણી ક્રમશઃ સરખા મહિના ધરાવતા દિવસોમાં કરવામાં આવી. તેથી સાતમો અને આઠમો મહિનો July અને August નામે જાણીતા થયા. 
  • 16મી સદીના ઉત્તરાર્ધના વર્ષે 1582માં રોમના બિશપ(ધર્માધ્યક્ષ) પોપ ગેગ્રી Xlll એ આ કેલેન્ડરમાં સુધારો કર્યો. જેમાં તેમણે વર્ષ 1582ના ઓક્ટોબર મહિનામાં દસ દિવસ ઓછા કરવાની ભલામણ કરી. તેથી ઈ.સ. 1582ના ઓક્ટોબર મહિનામાં 4‌ તારીખ પછી સીધી 15 તારીખ આવી હતી. આ સિવાય તેમણે કોઈ સદીને લીપ યર તરીકે ગણતરીમાં લેવા માટે તેને ચાર વડે નહીં પરંતુ ચારસો વડે ભાગવાનો નવો નિયમ આપ્યો. રોમન કેલેન્ડરમાં મુખ્ય બે સુધારા થયા પછીથી તે 'ગ્રેગોરિયન કેલેન્ડર' તરીકે ઓળખાયું. 'ગ્રેગોરિયન કેલેન્ડર'નો ઘણા દેશોએ સ્વીકાર કર્યો છે અને તેમનું કામ આ કેલેન્ડર મુજબ ચાલે છે.
  • મિત્રો, હું આશા રાખું છું કે આપને આ રસપ્રદ માહિતી પસંદ આવી હશે. તમારા પ્રતિભાવો અને સુચનો કોમેન્ટ બોક્ષમાં જણાવી શકો છો. મારા બ્લોગની લિંકને તમે તમારા મિત્રો, સગા-સંબંધી તથા સ્નેહીજનોમાં શેર કરી શકો છો. તો હવે આજની આ શબ્દયાત્રાને વિરામ આપીએ. આ બ્લોગના સરનામે એક નવા વિષય સાથે જલ્દી મળીશું. શબ્દોની સફરમાં મારી સાથે અહિંયા સુધી જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. 

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ