News Agency || સમાચાર સંસ્થાઓ
🗞️ ન્યુઝ એજન્સી
🎯 ન્યુઝ એજન્સીની જરૂરીયાત શા માટે ઊભી થઈ ?
👉 સૌને આસાનીથી સમાચાર મળી રહે તે માટે ન્યુઝ એજન્સીઓ સ્થાપવામાં આવી. કારણ કે સમાચાર પ્રાપ્ત કરવા અઘરૂં કામ છે. નાના મોટા દરેક સમાચાર પત્ર માટે દરેક સ્થળે પોતાના રિપોર્ટરોને મોકલવા એ અઘરૂં કામ છે.
👉 એટલા માટે એક એવી સંસ્થાની સ્થાપના કરવાની જરૂરિયાત ઊભી થઈ કે જે સમાચાર પત્રોને આસાનીથી સમાચાર ઉપલબ્ધ કરાવી શકે. આ પરિકલ્પનાને આધારે ન્યુઝ એજન્સીનો વિચાર અસ્તિત્વમાં આવ્યો.
👉 એન્સાયક્લોપિડિયા ઓફ બ્રિટાનિયાના મતે એવી એજન્સી જે પત્ર, પત્રિકા, ક્લબ, સંગઠન, ખાસ વ્યક્તિઓને તાર, પાડુંલિપિ, ટેપ, પ્રતિલિપિ, ફોન વગેરે માધ્યમોથી મોકલે છે. તો એ ન્યુઝ એજન્સી છે.
👉 ન્યુઝ એજન્સી પાસેથી સમાચાર પ્રાપ્ત કરવા માટે તેના ગ્રાહક (સબસ્ક્રાઈબર) બનવું પડે છે. જેના માટે ગ્રાહકે ન્યુઝ એજન્સીને માસિક કે વાર્ષિક વળતર ચૂકવવાનું હોય છે.
👉 ભારતમાં અંગ્રેજોનું શાસન હોવાને કારણે ઈ.સ. ૧૮૭૮માં મુંબઈ ખાતે ''રોઈટર'' નામક ઈંગ્લેન્ડની ન્યુઝ એજન્સીનું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું.ભારતમાં તેનું પ્રથમ ગ્રાહક 'સિલોન ઓબ્ઝર્વર' તથા બીજું ગ્રાહક 'બોંમ્બે ટાઈમ્સ હતું. આ સમયે ભારત માટે મોકલવામાં આવતા સમાચારનો પ્રત્યેક શબ્દ અગિયાર પાઉન્ડમાં પડતો હતો. શરૂઆતમાં 'રોઈટર'ને ભારતમાં સમાચારના ગ્રાહકો મળવા મુશ્કેલ હતા. પરંતુ તે સમયે પ્રથમ વિશ્વ યુદ્ધના કારણે સમાચારોની માંગમાં તેજી આવી. તેનો ફાયદો ઉઠાવતા તેમણે 'ઈન્ડિયન ન્યુઝ એજન્સી'ના નામે એક નવી ન્યુઝ એજન્સીની શરૂઆત કરી.
👉 ભારતમાં એ સમયે પાયોનિયર, ઈન્ડિયન ડેલી ન્યુઝ, સ્ટેટ્સ મેન, ઈંગ્લિશ મેન જેવા ચાર મુખ્ય અખબારો ચાલતા હતા. જેમાં પાયોનિયરનો પ્રભાવ વધારે હતો. પાયોનિયરના સંવાદદાતા હેન્સમેન હતા કે જે એક પ્રભાવશાળી પત્રકાર હતા. જેના કારણે પાયોનિયર સમાચારોમાં અગ્રેસર રહેતું હતુ઼ં.
👉 આ ચારે અખબારોએ ભેગા મળીને 'એસોશિએટેડ પ્રેસ ઓફ ઈન્ડિયા'(API) નામની ન્યુઝ એજન્સીની સ્થાપના કરી. કેશવચંદ્ર રોય નામના પત્રકાર તેમાં મદદ કરતા હતા.
👉 'રોઈટર' અને કેટલાક અંગ્રેજોને APIનું કામ પસંદ ન આવ્યું કારણ કે તે તેઓ ભારતના સામાન્ય લોકોના પક્ષમાં વધારે સમાચાર આપતા હતા. પરંતુ તે છતાં APIના ગ્રાહકો વધતા ગયા. તેણે 'રાઈટર'ને ટક્કર મારવાનું શરૂ કરી દીધુ઼ં. કેશવચંદ્ર રોય અને તેમના સાથી એડવર્ડ કોર્ટ્સ APIને પ્રગતિના માર્ગે દોરી ગયા. તેના કારણે APIના ગ્રાહકોમાં વધારો પણ થયો.
👉 કેશવચંદ્ર રોયે API માંથી અલગ થઈને 'પ્રેસ ન્યુઝ બ્યુરો'(PNB) નામની ન્યુઝ એજન્સીની સ્થાપના કરી. આ સમયે 'રોઈટરે' APIને ખરીદી લીધી હતી. જો કે PNBએ રોઈટર તથા API સાથે સારી સ્પર્ધા કરી હતી. જેના કારણે 'રોઈટર' અને 'API' ને નુકસાન થવા માંડ્યું. તેથી આગળ જતાં તેમણે 'પ્રેસ ન્યુઝ બ્યુરો'ને પણ ખરીદી લીધી. આ રીતે 'રોઈટરે' પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું.
👉 ઈ.સ. ૧૯૧૫માં 'ઈન્ડિયન ન્યુઝ એજન્સી' (INA)ની સ્થાપના થઈ. આ ન્યુઝ એજન્સી ભારતમાં ૧૯૪૭ સુધી કાર્યરત રહી.
👉 'ફ્રિ પ્રેસ ન્યુઝ' જર્નલના સંપાદક એસ. સદાનંદે ઈ.સ. ૧૯૨૫માં 'ફ્રિ પ્રેસ ન્યુઝ એજન્સી'ની સ્થાપના કરી. આ એક રાષ્ટ્રવાદી ન્યુઝ એજન્સી હતી. જેના મેનેજમેન્ટ બોર્ડમાં દેશબંધુ ચિતરંજનદાસ, મોતીલાલ નહેરૂ, લાલા લાજપતરાય, નરસિંહ ચિંતામણી, કેલકર વગેરે લોકો હતા. આ એજન્સીએ ભારતની સ્વાતંત્રતાની ચળવળના સમાચારોને વધુ પ્રાધાન્ય આપ્યુ. તેણે ગાંધીજીની દાંડીયાત્રાનું પણ સારૂ કવરેજ કર્યું હતું. પરંતુ અંગ્રેજ સરકારે તેની અટકાયત કરી અને 'ફ્રિ પ્રેસ ન્યુઝ એજન્સી' બંધ થઈ ગઈ.
👉 વિદ્યાભૂષણ સેન ગુપ્ત જેઓ 'ફ્રિ પ્રેસ ન્યુઝ એજન્સી'ના સંસ્થાપકો માંથી એક હતા તેમણે થોડા વર્ષો બાદ ઈ.સ. ૧૯૩૩માં 'યુનાઈટેડ પ્રેસ ઓફ ઈન્ડિયા'(UPI) નામે પણ એક ન્યુઝ એજન્સી શરૂ કરી હતી. 'ફ્રિ પ્રેસ ન્યુઝ એજન્સી'ના ઘણા પત્રકારો UPIમાં કામ કરતા હતા.
👉 આઝાદી પછી 'રોઈટરે' API પરથી પોતાનું હસ્તાંતરણ પાછું ખેંચી લીધું. ત્યારબાદ APIને 'પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા'(PTI) નામ આપવામાં આવ્યું. તત્કાલીન નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે PTIનું ઉદઘાટન કરવામાં આવ્યું.
👉 સરદાર પટેલે 'રોઈટર'ને તેની ટેલિપ્રિન્ટર લાઈનોની સેવા પાછી લેવાની વાતને વખોડી નાખી. સરદાર પટેલના દબાણને કારણે સમાચારોના આદાનપ્રદાન કરવાના કરાર સાથે 'રોઈટર' પોતાની ટેલિપ્રિન્ટર સેવા આપવા તૈયાર થયું.
👉 PTIની સ્થાપના પછી દેશમાં વધુ એક ન્યુઝ એજન્સીની જરૂરિયાત ઉભી થઈ. તેના માટેનું કાર્ય ઈન્ડિયન એક્સપ્રેસ સમૂહના માલિક રામનાથ ગોએન્કાએ કર્યુ. તેમણે ઈ.સ. ૧૯૫૯માં 'ઈન્ડિયન ન્યુઝ સર્વિસ'ની સ્થાપના કરી. જેમાં તેઓએ ચાલીસ લાખ રૂપિયાનું રોકાણ કર્યુ. ભારતના અલગ અલગ શહેરોમાં તેના કાર્યાલયોની શરૂઆત કરવામાં આવી. ઈ.સ. ૧૯૬૧માં 'ઈન્ડિયન ન્યુઝ સર્વિસ' કંપનીએ પોતાનું કામ શરૂ કર્યુ. પાછળથી 'ઈન્ડિયન ન્યુઝ સર્વિસ'નું નામ બદલીને 'યુનાઈટેડ ન્યુઝ ઓફ ઈન્ડિયા' (UNI) કરવામાં આવ્યું.
👉 હાલ, ભારતમાં PTI અને UNI નામની મુખ્ય બે ન્યુઝ એજન્સી છે. આ બંને ન્યુઝ એજન્સી ની હિન્દી સેવાઓ પણ ઉપલબ્ધ છે.'भाषा' PTIની હિન્દી સેવા છે તથા 'वार्ता' UNIની હિન્દી સેવા છે.
🎯 પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા : PTIનું મુખ્ય કાર્યાલય દિલ્હી અને મુંબઈમાં આવેલું છે. PTIએ ૧૯૫૧થી સ્વતંત્ર રીતે પોતાના કામની શરૂઆત કરી. હાલમાં ભારત સહિત વિદેશના ૫૦૦ જેટલા અખબારો PTIના ગ્રાહક છે. ભારતના દરેક મોટા સમાચાર પત્રો, રેડિયો, ટીવી, ન્યુઝ ચેનલ, બીબીસી વગેરે PTI પાસેથી સમાચાર પ્રાપ્ત કરે છે. ભારત સરકારનું સુચના અને પ્રસારણ મંત્રાલય પણ PTIની માહિતીનો ઉપયોગ કરે છે. કારણે કે PTI ખુબ ઝડપી માહિતી પહોચાડે છે. PTIની સેટેલાઈટ ડેટા ચેનલની ઝડપ ૧૪૦૦ શબ્દ પ્રતિ સેકન્ડ ની છે. PTIમાં ૧૩૦૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે. જેમાં ૩૫૦ પત્રકારો છે. ભારત અને વિશ્વના બીજા શહેરો જેવા કે બીજી઼ંગ, કોલંબો, કોલાલ્મપુર, મિસ્ર, ઢાંકા, ઈસ્લામાબાદ, દુબઈ, કાઠમાંડુ, લંડન, મોસ્કો, ન્યુયોર્ક, વોશિંગટન, લંડન જેવા શહેરોમાં PTIના ૮૦ જેટલા બ્યુરો કાર્યરત છે. આ ઉપરાંત તેની પાસે ૩૫૦ જેટલા સ્ટ્રિંગર પણ છે. PTIની ફોટો સર્વિસ પણ છે. જેના માટે ૨૦૦ સ્ટ્રિંગર કામ કરે છે. PTI ફોટો સેવા, ડેટા સેવા, ઇકોનોમિક સેવા, વિજ્ઞાન સેવા, ગ્રાફિક્સ, ફિચર સેવા પૂરી પાડે છે. PTIએ ઈ.સ. ૧૯૮૬માં સ્કેન સમાચાર સેવા શરૂ કરી. જે ઘણી લોકપ્રિય રહી. આ પહેલા તે ટેલિપ્રિન્ટરથી સેવા પહોંચાડતું હતું. હાલ તે ઈન્ટરનેટ દ્રારા સમાચાર આપે છે. PTI ન્યુઝ ચેનલનેે પણ રાજનીતિક, આર્થિક, ઔદ્યોગિક, કૃષિ, વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત વગેરે ક્ષેત્રના સમાચાર આપે છે. PTI પાસે એક પોતાનું ટેલિવિઝન વિંગ છે. તે કોર્પોરેટ ડોક્યુમેન્ટરીનું નિર્માણ કરે છે.
🎯 યુનાઈટેડ ન્યુઝ ઓફ ઈન્ડિયા : પ્રથમ પ્રેસ કમિશનના સુચનોથી એ વાત ધ્યાનમાં આવી કે ભારતમાં બે ન્યુઝ એજન્સી હોવી જોઈએ. જેનાથી તેઓ એકબીજાના પૂરક બની શકે. એક બીજા સાથે કોઓપરેશન કરી શકે. તેથી ધ હિંદુ, સ્ટેટ્સ મેન, અમૃત બજાર પત્રિકા, સન્ડે ટાઈમ્સ, ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ડેક્કન હેરાલ્ડ, આર્યવ્રત વગેરેએ સાથે મળીને ૧૯૫૯માં 'યુનાઈટેડ ન્યુઝ ઓફ ઈન્ડિયા'નું રજીસ્ટ્રેશન કરાવ્યું.
👉 UNI ભારતની બીજા નંબરની અંગ્રેજી સમાચાર આપતી એજન્સી છે. તેનું વડુમથક ૯, રફી માર્ગ, નવી દિલ્હીમાં આવેલું છે. જેની સામે INS બિલ્ડીંગ આવેલી છે. જેમાં દેશભરના દરેક સમાચાર પત્રના કાર્યાલય છે.
👉 UNIની સથાપનામાં પશ્વિમ બંગાળના સમકાલીન મુખ્યમંત્રી બિધાન ચંદ્ર રોયનો ઘણો સહયોગ રહ્યો. UNIએ ૧૯૬૭માં કામ કરવાની શરૂઆત કરી દીધી. તેમણે UPIની બંધ પડેલી ટેલિ પ્રિન્ટર મશીનોને ખરીદી લીધી આને તેનો ઉપયોગ કરવા માંડ્યો. UNIએ ઈ.સ. ૧૯૮૨માં પૂર્ણ હિન્દી સેવા 'युनीवार्ता'ની શરૂઆત કરી. આજ વર્ષમાં તેણે પોતાની ફોટો અને ગ્રાફિક્સ સેવા પણ શરૂ કરી. ઈ.સ. ૧૯૯૦માં તેણે વિશ્વમાં પ્રથમ વખત ઉર્દૂ સમાચાર સેવાની શરૂઆત કરી દીધી. હાલમાં UNIના ૭૧૯ ગ્રાહકો છે. ભારતમાં તેના ૭૧ કાર્યાલયો છે. UNIમાં લગભગ ૯૭૫ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જેમાંથી ૩૫૧ પત્રકાર છે. દેશ-વિદેશના મોટા શહેરો, નગરોમાં UNIના કાર્યાલયો આવેલા છે. UNIમાં ૩૦૦ની આસપાસ સ્ટ્રિંગરો કામ કરે છે. UNIની ફોટો સેવા દરરોજના ૨૦૦ ફોટોગ્રાફ મોકલે છે. જેમાં ૬૦ આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફ હોય છે. જેમા તેઓ 'રોઈટર' તથા બીજી અન્ય એજન્સીઓની પણ મદદ લે છે. UNIની ગ્રાફિક્સ સેવા ૫થી ૬ ગ્રાફિક્સ આપે છે. તેના ૨૭ ફૂલ ટાઈમ ફોટો ગ્રાફરો કામ કરે છે.
🎯 હિન્દુસ્તાન સમાચાર : હિન્દુસ્તાન સમાચારની સ્થાપના ઈ.સ. ૧૯૪૮માં એસ. એસ. આપ્ટેએ કરી હતી. એસ. એસ. આપ્ટે UPI સાથે જોડાયેલા પત્રકાર હતા. આ ભારતની સૌપ્રથમ બહુભાષી ન્યુઝ એજન્સી છે. જે બંગાળી, ઓડિયા, આસામી, તેલુગુ, મલયાલમ, ઉર્દૂ, પંજાબી, ગુજરાતી, હિંદી, મરાઠી જેવી દસ ભાષાઓમાં પોતાની સેવા આપે છે. લગભગ ૨૦૦થી વધુ સમાચાર પત્રો તથા દરેક ન્યુઝ ચેનલ સાથે તેની સેવાનો ઉપયોગ કરે છે.
🎯 સમાચાર ભારતી : હાલ આ ન્યુઝ એજન્સી બંધ થઈ ગઈ છે. તેનું મુખ્ય કાર્યાલય દિલ્હીમાં સ્થિત હતું. તેની સ્થાપના લાલા ફિરોજ ચંદ, ધર્મવીર ગાંધી, જગદીશ પ્રસાદ ચતુર્વેદીએ ઈ.સ. ૧૯૬૬માં સમાચાર ભારતીની સ્થાપના કરી હતી. આ એક બીજા નંબરની સૌથી મોટી બહુભાષીય ન્યુઝ એજન્સી હતી. તેના ૧૫૦થી વધુ ગ્રાહકો હતા.
👉 ઈ.સ. ૧૯૭૫માં કટોકટીના સમયગાળા દરમિયાન આ ચારે ન્યુઝ એજન્સીને ભેગી કરીને 'સમાચાર' નામની ન્યુઝ એજન્સી બનાવવામાં આવી. સમાચાર પર નિયંત્રણ માટે સેન્સરશિપ લાગું કરવામાં આવી હતી. સરકારી અધિકારીને બતાવ્યા વગર કોઈપણ સમાચાર છાપવામાં આવતા ન હતા. 'સમાચાર' ન્યુઝ એજન્સીએ ૧ એપ્રિલ ૧૯૭૬થી પોતાના કામની શરૂઆત કરી. પરંતુ ૧૯૭૭માં જ્યારે જનતા પાર્ટીની સરકાર આવી. તેણે ૧૪ એપ્રિલ ૧૯૭૮ના રોજ 'સમાચાર'નું વિકેન્દ્રીકરણ કરી નાખવામાં આવ્યું. દરેક ન્યુઝ એજન્સી ફરીથી પોતાની રીતે કામ કરતી થઈ ગઈ.
(સૌજન્ય : ડો. વિનોદ પાંડે સરના લેક્ચર માંથી સાભાર )
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો