'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' : નામમે ક્યાં રખા હૈ !

નમસ્કાર, હું હિમાંશુ ચાવડા. તા.24 ફેબ્રુઆરી,2021ના રોજ અમદાવાદ ખાતે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું. ગયા વર્ષે આ જ સ્ટેડિયમમાં, આ જ તારીખે 'નમસ્તે ટ્રમ્પ' નામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. 


  
(સૌજન્ય ‌: દૂરદર્શન)

ઉપરાંત ઉદઘાટનના આ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' રાખવામાં આવ્યું. આ દરેક ભારતીય માટે આ ગર્વ લેવાની વાત છે. 



મિત્રો, મીડિયાના દરેક માધ્યમ થકી દેશ અને દુનિયામાં આ સમાચાર ફેલાઈ ગયા. પોતાના ભાષણમાં ગૃહમંત્રીએ જે રીતે પ્રધાનમંત્રીના વખાણ કર્યા એના પછી વિપક્ષ કંઈ શાંતિથી થોડી બેસી રહેવાની હતી. મીડિયામાં એ વાત વહેતી થઈ કે જે સ્ટેડિયમનું નામ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' કરવામાં આવ્યું છે એ સ્ટેડિયમનું નામ 'સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ' હતું. નામને આ રીતે બદલવું એ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન છે. સમાચાર પત્રો અને ન્યુઝ ચેનલોમાં આ બાબતોની ખૂબ ચર્ચા થઈ. 

 

(સૌજન્ય : ફૂલછાબ)

(સૌજન્ય : સંદેશ)

(સૌજન્ય : ગુજરાત સમાચાર)

આ સ્ટેડિયમનું નામ બદલાતા લોકોએ તેની શું પ્રતિક્રિયા કરી તે BBC ગુજરાતીની  YouTube ચેેેનલ પરના આ વીડિયોમાં  જોઇ શકાય છે.


(સૌજન્ય : BBC ગુજરાતી)


તો હવે સવાલ એ ઊભો થાય કે ખરેખર આ સ્ટેડિયમનું નામ શું હતું ? મોટેરા સ્ટેડિયમ કે પછી સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ ? 


મિત્રો, અમદાવાદમાં આવેલું આ સ્ટેડિયમ 'મોટેરા સ્ટેડિયમ' તરીકે ઓળખાય છે. કારણ કે તે મોટેરા ગામ પાસે આવેલું છે. અહીંના મોટાભાગના સ્થાનિક લોકો તેને 'મોટેરા સ્ટેડિયમ'ના નામથી ઓળખે છે. 


શું આ સ્ટેડિયમનું નામ 'સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ' હતું ? 


મિત્રો, વર્ષે 1982માં ગુજરાત સરકારે 100 એકર જમીન ગુજરાત ક્રિકેટ એસોસિયેશનને દાનમાં આપી. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનને આ જમીન પર માત્ર નવ મહિનામાં ક્રિકેટ સ્ટેડિયમ ઊભું કરી દીધું. જેની કેપેસિટી 49000 પ્રેક્ષકોની હતી. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા આપણા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં આ સ્ટેડિયમનું નામ 'સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ' રાખવામાં આવ્યું. અમદાવાદમાં આ સ્ટેડિયમનું નિર્માણ થયું એ પહેલાં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં A.M.C. દ્વારા આ જ નામથી (સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ) બનાવાયેલા સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાતી હતી.


મિત્રો, આ સ્ટેડિયમમાં વર્ષે 1983થી લઈને 2011 સુધીમાં વર્લ્ડ કપની પાંચ મેચ રમાયેલી છે. જેમાં ICCના રેકોર્ડમાં આ સ્ટેડિયમનો ઉલ્લેખ 'સરદાર પટેલ સ્ટેડિયમ' તરીકે થયેલો છે. 





(સૌજન્ય : વિકિપીડિયા)

BCCIની વેબસાઇટ પર આ સ્ટેડિયમનું નામ બદલીને 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' કરી દેવામાં આવ્યું છે. જેની વિગતો વાંચીએ તો ખબર પડે છે કે  સ્ટેડિયમનું નામ 'સરદાર પટેલ સ્ટેડિયમ' હતું


(સૌજન્ય : BCCI)

આ ઉપરાંત કેટલાક જૂના ફોટો છે જેમાં આ સ્ટેડિયમનો 'સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ' તરીકે ઉલ્લેખ છે.




(સૌજન્ય : Getty Images)


આ ઉપરાંત ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની યુ-ટ્યુબ ચેનલ પર એક જૂનો વીડિયો છે જેમાં આ સ્ટેડિયમનું નામ 'સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ' આપેલું છે. આ પરથી એવું ન કહી શકાય કે ભૂતકાળમાં ક્યારેય પણ આ સ્ટેડિયમનું નામ 'સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ' હતું જ નહીં. 


https://youtu.be/qWdzrSFpnxs



શું છે 'સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ' ?


વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નામ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' કર્યા પછી વિપક્ષ અને જનતામાં 'સરદાર પટેલ'ના નામને હટાવવાને લઈને હોબાળો થશે. એનો અણસાર સરકારને પહેલેથી જ આવી ગયો હતો. જેથી તેમણે નામ બદલવાની સાથે રાષ્ટ્રપતિના હસ્તે 'સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ'નું ખાતમુહૂર્ત પણ કરાવી દીધું. 


'સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ'ના નામે અહીંયા ભારતના સૌથી મોટા સ્પોર્ટ્સ કેમ્પસનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમાં હોકી, ફૂટબોલ, બાસ્કેટબોલ, કબ્બડ્ડી, બોક્સિંગ, ટેનિસ સહિત અન્ય ઘણી રમતોની સુવિધા છે. 215 એકર જમીનમાં નિર્માણ પામનારા આ વિશાળ સ્પોર્ટ્સ કેમ્પસમાં કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, ઓલમ્પિક ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન પણ શક્ય બનશે. 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' એ 'સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ'માં આવેલું છે


વર્ષે 2015માં 'સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ'ને તોડીને તેનું નવેસરથી નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું. જેનું બાંધકામ વર્ષે 2019માં પૂરું થયું. 24 ફેબ્રુઆરી 2020ના રોજ આ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ યોજાયો હતો. જોકે આપણે ત્યાં કોઈ સ્થળ કે સ્મારકને જીવતે જીવ કોઈ નેતાનું નામ અપાતું નથી. તે છતાં GCAના પૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કામગીરીને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહે ઉદઘાટનના અવસર પર 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'નું નામ આપીને તેમનું બહુમાન કર્યું છે.


કોંગ્રેસ જ્યારે આ નામકરણનો વિરોધ ઉઠાવે છે. ત્યારે ભાજપા નહેરુ-ગાંધી પરિવારનાં નામોની ઈમારતો, યોજનાઓ, એવોર્ડ, સંગ્રહાલયો વગેરેની એક લાંબી યાદી બતાવે છે. જેને જોઈને કોંગ્રેસના હોઠ સીવાઈ જાય છે. સત્તા પક્ષ દ્વારા પકડાવવામાં આવેલી આ 'ન.મો.સ્ટે.' નામની લોલીપોપ વિરોધીઓને 'કડવી' અને ભોળી જનતાને 'મીઠી' લાગી છે. જેને ચૂસવાથી લોકો પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ જેવા મહત્ત્વના મુદ્દાઓ ભૂલી ગયા હોય એવું લાગી રહ્યું છે.


(સૌજન્ય : ધ હિન્દુ )

हम को मालूम है जन्नत की हक़ीक़त लेकिन

दिल के ख़ुश रखने को 'ग़ालिब' ये ख़याल अच्छा है



( માહિતી સૌજન્ય : વિકિપીડિયા, Getty Images, YouTube,  RSTV


https://en.m.wikipedia.org/wiki/Narendra_Modi_Stadium


https://www.google.com/amp/s/m.patrika.com/amp-news/ahmedabad-news/sardar-patel-sports-enclave-india-biggest-motera-ahmedabad-6712810/


https://www.bcci.tv/venues/19/narendra-modi-stadium

)


 



























ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ