આલ્બર્ટ આઈન્સ્ટાઈનની બે વાત
નમસ્કાર, હું હિમાંશુ ચાવડા. આજે તા. 14/3/2021. આજે એક મહાન વૈજ્ઞાનિકનો જન્મદિવસ છે. એક સમયે દસમાં ધોરણની વિજ્ઞાન અને ટેકનોલોજીની ચોપડીના પાછલા પૂઠ્ઠા પર તેમનો ફોટો કદાચ તમે જોયો હશે. વિખરાયેલા વાળ વાળા એ વૈજ્ઞાનિક તમને યાદ છે ખરાં ! ચાલો આજે હું તમને એમની બે વાત કહું.
દસમાં ધોરણમાં મેં મારા શિક્ષકને પૂછ્યું હતું કે 'આ ફોટામાં કોણ છે?' શિક્ષક નામ બોલ્યા કે મેં એ જ પાને એને નોંધી દીધું. દસમાં પછી વિજ્ઞાન પ્રવાહમાં ગયો. અમારા ગણિત ભણાવતા ટ્યુશનના શિક્ષક જયેશ પટેલ દરરોજ અમને અવનવી વાતો કહેતા.
એક દિવસ તેમણે 'π = 3.14' લખ્યું અને ઉલટું વાંચવા કહ્યું. '14.3 = π.' બધાએ વાંચ્યું.
'સર આ શું છે?' કેટલાંક વિદ્યાર્થીએ પૂછ્યું.
'આજે કંઈ તારીખ છે?'
'14/3/2012'
'વિદ્યાર્થી મિત્રો, આજે આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મ દિવસ છે. જેને પાઈ (π) દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. '
આલ્બર્ટ આઈન્સ્ટાઈન (Courtesy : nobelprize.org) |
ક્લાસમાં બગાસાં ખાતાં વિદ્યાર્થીની જયેશ સર ખૂબ ટીકા કરતા. તેઓ ઘણી વાર નામ સાથે કહેતા કે 'ફલાણા ભાઈ મોટા મોટા થીટા (θ) બતાવી રહ્યા છે. લાગેે છે કે બધું મગજની ઉપરથી જઈ રહ્યું છે.' પછી એ અમને હાથથી ઇશારો કરીને બતાવતા કે 'જુઓ પેલું ચાલ્યું.' લોકો આ વાત પર ખૂબ હસતા.
એક દિવસ તેમણે ભણાવેલું મગજમાં કંઈ રીતે ઉતરે એ સમજાવ્યું. 'મારૂ ચિત્ર સારૂં નથી' એવું કહીને એમણે બોર્ડ પર સરસ મગજની આકૃતિ દોરી. એમણે કહ્યું 'જેના મગજમાં જેટલી ગડીઓ વધારે પડેલી હોય. એનું મગજ એટલું વધારે જ્ઞાન ગ્રહણ કરી શકે.' સૌને નવાઈ લાગી. જો કે એ વખતે મોબાઈલ એટલા હાથવગા ન હતા કે કોઈ તેમની આ વાતને ગૂગલમાં શોધી શકે. એવું ન હતું કે એમને સાંભળવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ ન હતો. તેઓને સાંભળવા પણ એક લ્હાવો હતો.
(Courtesy : Wikipedia) |
આગળ એમણે કહ્યું ' વૈજ્ઞાનિકોએ આલ્બર્ટ આઈન્સ્ટાઈનના IQનો અભ્યાસ કરવા માટે તેના મગજ પર સંશોધન કર્યું. એ સંંશોધન પરથી એ તારણ આપવામાં આવ્યું કે એમના મગજમાં આવી ગડીઓ વધારે પડેલી હતી. તેથી તેમનો IQ વધારે હતો. એ જ કારણે તેમનું મગજ મ્યુઝિયમમાં મૂકાયું છે.'
(Courtesy : Wikipedia) |
આ રીતેે મને અને મારા મિત્રોને શિક્ષકીયું જ્ઞાન મળેલું. ત્યારથી દિલ અને દીમાગમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન માટે માન પેદા થયું. જો કે પછી E= mc2, સાંપેક્ષવાદ, તેમને મળેલ નોબલ પ્રાઈઝ વગેરે વિશે જાણ્યા પછી આ માન ઔર વધી ગયું. જ્યારે સમય મળ્યો ત્યારે નેટ પરથી તેમના વિશે ઘણું જાણ્યું અને માણ્યું.
Very nice ,
જવાબ આપોકાઢી નાખોઅભિનંદન અને આનંદ.
જવાબ આપોકાઢી નાખોThanks
કાઢી નાખો