માં બનેલ બાપ
બચપણમાં સાંભળેલી ચકા-ચકીની વાર્તાથી આપ સૌ વાકેફ હશો. જોકે આ વાર્તા બાળકોના મનોરંજનને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવેલી કાલ્પનિક ઘટના છે. પરંતુ હું જે કહેવા જઈ રહ્યો છું એ હકીકત છે.
અમારા ઘરના એક ખૂણામાં ચકી અને ચકો માળો બાંધીને રહે છે. તેઓ સમયાંતરે આ માળામાં ઈંડા મૂકે છે. બચ્ચાં પેદા થાય એટલે આ દંપતી ચણ શોધી લાવી પોતાના બચ્ચાંઓને ખવડાવે છે. એમને ઉડતાં શીખવે અને ઉડાડી મૂકે. થોડા સમય પછી તે ફરી નવા ઈંડા મૂકે છે. હું છેલ્લા કેટલાક સમય આ ઘટનાનું અવલોકન કરી રહ્યો છું.
એક મહિના પહેલા પણ ચકીએ આ માળામાં બે ઈંડા મૂક્યાં હતાં. થોડા દિવસ પહેલા જ આ ઈંડા માંથી બે બચ્ચાંનો જન્મ થયો.બચ્ચાં પેદા થયા એટલે ચકો અને ચકી પોતાની ટેવ મુજબ ચણ શોધવા નીકળી પડે. એવામાં એક અજુગતી ઘટના બની.
ચણની શોધમાં નીકળેલી ચકી પાછળ એક બિલાડી પડી. ચકી હિંમત ભેગી કરીને ઉડતાં ઉડતાં મારાં ઘરની લોખંડની બારી પર બેઠી. એ સમયે મારા ઘરની જારી ખુલ્લી હતી. તેથી તેની પાછળ દોડતી બિલાડી મારા ઘરમાં આવી ગઈ. મને એમ કે બિલાડી પગથિયાં ચડીને આગાસી પર જઈ રહી છે. પણ બિલાડીએ તો ચકલી પર તરાપ મારી અને પોતાના મોઢામાં દબાવી દીધી. ચોમાસામાં ઘરમાં વાંછટ ન આવે તે માટે બારી સાથે પ્લાસ્ટિકનો મોટો કચકડો બાંધ્યો હોવાથી ચકલીને ઉડવાનો મોકો ન મળ્યો અને તેની સાથે ન થવાનું થઈ ગયું. માળામાં રહેલા બે બચ્ચાં માં વિનાના થઈ ગયા.
હું એ સમયે ઓનલાઈન પરીક્ષામાં આપી રહ્યો હતો. મેં ચકલીનો અવાજ સાંભળ્યો અને જોયું કે બિલાડી ઉપર જવાને બદલે ચોથા પગથિયેથી જ પાછી વળી ગઈ તથા તેના મોઢામાં કશુંક દબાવેલું પણ હતું. બિલાડી જે રસ્તે ઘરમાં આવી હતી એ જ રસ્તે ઘરમાંથી બહાર નીકળી ગઈ. મેં બહાર નીકળીને જોયું તો પોતાના મોઢામાં પોતાના શિકારને દબાવીને નીકળેલી બિલાડી અમારા ફળિયામાં આવેલા એક ખંડેર જેવા ઘરમાં જતી રહી.
બપોર પછી ચકી બચ્ચાંઓ માટે ચણ લઈને ન આવી. તેથી ચકો હાંભળો-ફાંફળો બની ગયો. ચકાએ ચકીને શોધવા માટે ધરતી અને આકાશ એક કરી નાંખ્યા. પણ ચકાને ચકીની ભાળ મળી નહીં. કદાચ સાંજ સુધીમાં ચકો સમજી ગયો કે ચકી જ્યાં પણ ગઈ છે ત્યાંથી તે પાછી આવી શકે એમ નથી. માળામાં રહેલા બચ્ચાં આખો દિવસ 'ચક-ચક' કરતાં આશાભરી નજરે જોતા રહ્યા કે હમણાં અમારી માં આવશે અને અમારા મોંઢામાં દાણા મૂકશે. કદાચ એ દિવસે તો બચ્ચાંઓ ભૂખ્યા જ સૂઈ ગયા.
પરંતુ કહેવાય છે ને કે 'કીડીને કણ અને હાથીને મણ' ઈશ્વર ગમે તે રીતે પહોંચાડી જ દે છે. ચકો બીજે દિવસે સમજી ગયો કે બચ્ચાંઓનુ પાલન-પોષણ હવે મારે જ કરવાનું છે. તે વહેલી સવારથી જ ચણની શોધમાં નીકળી પડ્યો. બચ્ચાં જેવા જાગ્યા કે તરત તેણે બચ્ચાંઓના મોઢામાં ચણ મૂક્યાં. હવે આ ચકો થોડી-થોડા સમયે ઘરની બહાર જાય છે અને દાણા તથા જીવડાં શોધી લાવે છે અને બચ્ચાંઓના મોઢામાં મૂકે છે. આ સમયે મને મધુસુદન પટેલની ગઝલનો એક શેર ટાંકવાનું મન થાય છે કે -
એક વિધવા મા બીજું તો શું કરે ?
ધીમેધીમે બાપ બનતી જાય છે.
- મધુસૂદન પટેલ 'મધુ'
પરંતુ અહી પરિસ્થિતિ તદ્દન ઉલટી છે. અહી એક વિધૂર બાપ હવે માં બની ગયો છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો