ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રીએ પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો.
તા : ૨૨/૯/૨૦૨૧, બુધવાર
મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ગયા મહિનાની આખર તારીખથી દર મંગળવારે 'વિદ્યાર્થી-કુલપતિશ્રી સાથે સંવાદ'નું ઓનલાઇન આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગઈ કાલે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ઈલાબેન ભટ્ટે મ.દે. સમાજસેવા સંકુલના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના પ્રથમ તથા દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જે અંતર્ગત વિદ્યાર્થીઓ 'સમાજ અને કુદરત' વિશે શું વિચારે છે? એ વિશે વિસ્તૃત સંવાદ થયો હતો.
ગૂગલ મીટના માધ્યમથી યોજાયેલા આ ઓનલાઇન સંવાદની શરૂઆતમાં પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના પ્રાધ્યાપક ડૉ. વિનોદ પાંડે સરે કુલપતિશ્રીનો પરિચય આપીને તેમનું સ્વાગત કર્યું હતું. આ સંવાદમાં જોડાયેલા પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓએ કુલપતિશ્રીને પોતાનો ટૂંકો પરિચય આપ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ 'સમાજ અને કુદરત' વિશેના પોતાના વિચારો વારાફરતી કુલપતિશ્રી સમક્ષ રજુ કર્યા હતા. આ સંવાદની શરૂઆતમાં એક વિદ્યાર્થીએ કુલપતિશ્રીને 'મેડમ' કહીને સંબોધ્યા હતા. ત્યારે એકદમ સરળ સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવનાર કુલપતિશ્રીએ તે વિદ્યાર્થીને અટકાવી દરેક જણ તેઓને 'બેન' કહીને સંબોધે એવો આગ્રહ કર્યો હતો. આ સિવાય તેમણે આ સંદર્ભે આગળ વાત કરતા જણાવ્યું હતું કે 'સર' અને 'મેડમ' જેવા શબ્દો ગુલામી દર્શાવે છે. આજે આપણે સૌ આઝાદ છીએ.
વિદ્યાર્થીઓ સાથે યોજાયેલ આ સંવાદમાં સામાજિક સમસ્યાઓ, અંધશ્રધ્ધાઓ, કુરિવાજો, ભાષા, સંસ્કૃતિ, સ્ત્રી-પુરૂષ સમાનતા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. કુલપતિશ્રીએ દરેક વિદ્યાર્થીઓના વિચારો સાંભળી તેમની સાથે સરળ ભાષામાં સંવાદ કર્યો હતો. જેમા પર્યાવરણ પર પોતાનો વિચાર જણાવતા કુલપતિશ્રીએ કહ્યું હતું કે આ દુનિયાની દરેક વસ્તુ આપણી સગી છે. વિશ્વની દરેક વસ્તુ પંચમહાભૂત માંથી બને છે તથા અંતે પંચમહાભૂતમાં ભળી જાય છે. આ સમગ્ર વિશ્વ આપણો પરિવાર છે. 'વસુધૈવ કુટુંબકમ' કહેવું સહેલું છે. પણ તેને અનુસરવું એ ઘણું મુશ્કેલ છે. આપણું શિક્ષણ એવી વિચારધારા વાળું હોવું જોઈએ અને તે માટે આપણે પ્રયાસો કરવા જોઈએ. જ્યારે એક ગુજરાતી માતા પોતાના બાળક સાથ અંગ્રેજીમાં વાત કરે છે. ત્યારે મને ગુસ્સો આવે છે. એમ કુલપતિશ્રીએ એક વિદ્યાર્થી સાથે થયેલા ગુજરાતી ભાષા લુપ્ત થવા અંગેના સંવાદમાં કહ્યું હતું. પ્રથમ વર્ષની એક વિદ્યાર્થીનીએ સ્ત્રી-પુરૂષની સમાનતા વિશે પોતાના વિચાર જણાવતા કહ્યું કે આપણો દેશ આઝાદ છે. પરંતુ સ્ત્રી આજે પણ પુરૂષની ગુલામી કરી રહી છે. ઘરના કોઈપણ નિર્ણય લેતી વખતે સ્ત્રીને સૌથી છેલ્લે પૂ્ંછવામાં આવે છે. આ વિદ્યાર્થીની સાથે સંવાદ કરતા કુલપતિશ્રીએ જણાવ્યું હતું કે આજના સમયમાં પુરૂષને સમજવો ખૂબ જરૂરી છે. કારણ કે એક સ્ત્રી પોતાની મૂંઝવણ કે સમસ્યાઓ બીજી સ્ત્રીને જણાવીને મન હળવું કરી શકે છે. પરંતુ પુરૂષ આમ કરી શકતો નથી. તેને હંમેશા બહાદૂર બનવાનું શિખવવામાં આવે છે. તેથી તે સરખી રીતે રડી પણ શકતો નથી. તેથી મને આજનો પુરૂષ ઘણો મૂંઝાયેલો લાગે છે. સ્ત્રી અને પુરૂષ વચ્ચે કોઈ ભેદ નથી. બંને એકબીજાથી ડરે છે. પરંતુ ડરવાથી કોઈપણ બદલાવ આવી શકે નહીં. આપણો આદર્શ એ છે કે સ્ત્રી અને પુરૂષ બંને એકબીજાનો હાથ ઝાલીને આગળ વધે. બંનેનો સંબંધ મિત્ર કે સાથી તરીકેનો હોવો જોઈએ. સાડા અગિયાર વાગ્યે શરૂ થયેલો આ સંવાદ એક વાગ્યે પૂરો થયો હતો. જેના અંતે વિદ્યાર્થીઓએ કુલપતિશ્રી સાથે સંવાદ કરીને આનંદની લાગણી અનુભવી હતી અને વિદ્યાર્થીઓએ પોતાનું માઈક ચાલુ કરી તથા ચેટબોક્ષમાં મેસેજ કરીને કુલપતિ શ્રી ઈલાબેન ભટ્ટ તથા પ્રાધ્યાપક ડૉ. વિનોદ પાંડે સરનો આભાર વ્યક્ત કર્યો હતો. હવે આવતા અઠવાડિયે તા. ૨૮/૯/૨૦૨૧ના રોજ કુલપતિશ્રી શિક્ષણ વિદ્યાશાખાના એમ.એડના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાના છે. એમ ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્ર ખીમાણીએ મોકલેલા 'વિદ્યાર્થી-કુલપતિ સંવાદ'ના પરિપત્રના આધારે જાણવા મળેલ છે.
ખૂબ જ સરસ ભાઈ
જવાબ આપોકાઢી નાખોઆભાર 🙏
કાઢી નાખો