યે દોસ્તી...
1.
૧૫ જાન્યુઆરીની સાંજનો સમય હતો. ઉત્તર દિશામાં 'આયન' કરી ગયેલો સૂરજ પશ્ચિમ દિશામાં ઢળવાની તૈયારીમાં હતો. 'કરુણા અભિયાન' ચલાવનારા સંગઠનોની અગાઉની આગાહીને કારણે મોટાભાગના પંખીઓ પોતાના જીવની સલામતી ખાતર માળા માંથી બહાર નીકળ્યા ન હતા. ત્યારે આકાશમાં ચગી રહેલી પતંગો ધીમે ધીમે પોતાની જીવાદોરી સાથે પોતાની અગાસી તરફ પ્રયાણ કરી રહીં હતી.
પોતાની પતંગ સાથે ઉમંગ તેના મિત્ર સાથે અગાસી પરથી નીચે ઉતર્યો.
'જો આ અંધારૂં ના થયું હોત ને તો હું હજુય નીચે ના આવતો.' ઉમંગે તેના મિત્રને કહ્યું.
'એ બધું તો ઠીક છે, હવે વધેલી પતંગ માળિયે મૂકી દેજે આવતા વર્ષે કામ લાગશે.' આટલું કહીને ઉમંગનો મિત્ર એના ઘરે ગયો.
બે દિવસથી પતંગને ઠૂણકી અને ખેંચ મારીને થાકી ગયેલા ઉમંગના ચહેરા પર થાક દેખાઈ આવતો હતો. જમી પરવારીને તે જેઓ પથારીમાં પડ્યો એવી જ એને ઊંઘ આવી ગઈ. ઊંઘમાં પણ એને ઉતરાયણના વિચારો આવવા માંડ્યા અને તે સ્વપ્નમા સરી પડ્યો.
2.
સપનાની શરૂઆતમાં તેની આંખ સામે એનું બાળપણ આવ્યું. બાળપણમાં ઉમંગના પપ્પા એને બે કોડી પતંગ લાવી આપતા. આ ઉંમરે ઉમંગે પતંગ ચગાવતા ઠીક ઠીક આવડતું. તેથી કેટલીક પતંગો શરૂઆતમાં જ પણ પોતાનું માથું પટકીને જીવ આપી દેતી. પવન લાગવાના કારણે કેટલીક પતંગો ચગી પણ જતી હતી. પરંતુ પવન સાથે સંપર્ક તૂટી જતાં તે કોઈ ઝાડનું શરણું લઈને બેસી જતી હતી. તો કેટલીક ચગેલી પતંગો પતંગબાજીના યુદ્ધમાં શહીદ થઈ જતી. તેથી ઉમંગની બે કોડી પતંગ ઉતરાયણ આવે એ પહેલાં જ ખતમ થઈ જતી.
પતંગ પૂરી થઈ ગયા પછી ઉમંગ પાસે બે વિકલ્પો રહેતા. કાંતો એને અગાસી પર બેસીને બીજા ઉડતા પતંગોને નીહાળવા. કાંતો પતંગ માટે બહારવટિયા બની જવું. ઈતિહાસ ગવાહ છે કે જેને સમાજ પાસે માંગેલી મદદના બદલામાં જ્યારે નિરાશા હાથ લાગી છે ત્યારે ત્યારે તેણે બહારવટિયો બનવું પડ્યું છે. ઉમંગ સાથે પણ કંઈક આવું જ થયું હતું. તેણે પપ્પા પાસે નવી પતંગ માટે પૈસા માંગ્યા.
'તે પતંગ નહીં, મારા પૈસા ઉડાવ્યા છે. હવે નવી પતંગ જોઈતી હોય તો આવતા વર્ષની ઉતરાયણની રાહ જો.'
ઉમંગને પપ્પાની વાતનું બહું માઠું લાગ્યું. એણે આગાહી પર જઈને સૂનમૂન બની બેસી ગયો. એવામાં એક ભારે દોરીમાં કપાયેલી પતંગ એની અગાસી પરથી પસાર થઈ.
'એ…આવી…'
પડોશીઓની અગાસી ઉપરથી આવતા અવાજો ઉમંગે સાંભળ્યા. ઉમંગે જોયું પતંગ તેની અગાસી પાર કરી ગઈ હતી. ઉમંગે આગળ જોયું. તો એ પતંગને પકડવા માટે જમીન પર કેટલાક છોકરાઓ એની પાછળ દોડી રહ્યા હતા. પતંગ એક અબળાની માફક હાંફતી હાંફતી આગળ વધી રહી હતી. પતંગનો પવન સાથે સંપર્ક તૂટ્યો અને તે ધીમે-ધીમે નીચે આવવા લાગી. તે છતાં પણ તેના આગળ વધવાના પ્રયત્નો ચાલુ જ હતા. બધા છોકરાઓ પતંગ ક્યારે નીચે આવે તેની રાહમાં ઉંચી નજરે દોડી રહ્યા હતા. ત્યાં એક લાંબું 'ઝૈડું' (પાતળા લાકડા સાથે કાંટાઓ ભેરવીને બનાવવામાં આવેલી રચના) પકડીને ઊભા રહેલા મેલાદાટ છોકરાએ પોતાના આ શસ્ત્રમાં પતંગના દોરાને ભરાવ્યો અને પતંગને પોતાના વશમાં કરી. પતંગને નુકસાન ન પહોંચે એવી રીતે એને નીચે ઉતારી અને પોતાની લૂંટેલી પતંગોના સંગ્રહમાં તેનો ઉમેરો કર્યો.
ઉમંગ અગાસી પર બેસીને આ બધું જોઈ રહ્યો હતો. તેણે મનોમન નક્કી કર્યું. હું પણ આવતીકાલથી ભમ્મરિયા ભાલા જેવા દેખાતા હથિયાર સાથે મેદાનમાં ઉતરી પડીશ. તે ગામની સીમમાં ગયો અને લાંબુ પાતળું લાકડું અને કાંટાઓ લઈ આવ્યો. તેમાંથી તેણે પતંગ લૂંટવા માટેનું શસ્ત્ર તૈયાર કર્યું. બીજા દિવસે સવારે તે પોતાના આ શસ્ત્ર સાથે ઘરની બહાર નીકળી રહ્યો હતો ત્યારે આંગણમાં બેસેલા દાદીએ તેને જોયો.
'દીકરા પતંગ લૂંટવા જાય છે.'
'દાદીમાં મને આર્શિવાદ આપો.' ઉમંગે દાદીના ચરણસ્પર્શ કર્યા. માથે ટોપી અને હાથમાં 'ઝૈડું' પકડીને ઊભો રહેલો ઉમંગ જંગ લડવા જઈ રહેલા યોધ્ધા જેવો લાગી રહ્યો હતો.
'તારો બાપ પણ નાનો હતો ત્યારે આવું જ કરતો હતો.' દાદીએ હસીને કહ્યું.
'હે... ખરેખર.'
'હા, એને તો પતંગ લાવી આપીએ તેભ છતાં એ પતંગ લૂંટવા જતો.એ કહેતો કે લૂંટેલી પતંગ ચગાવવાની મજા જ કંઈક ઔર છે.'
'દાદીમાં આજે હું પણ એ મજા માણીશ. બસ તમે પપ્પાનું ધ્યાન રાખજો.' આટલું કહીને ઉમંગ ગામની ભાગોળ તરફ રવાના થયો.
3.
ગામની ભાગોળે અગાઉથી ઘણા બધાં પતંગ લૂંટનારા આવીને ગોઠવાઈ ગયા હતા. ગઈ કાલે જે છોકરાએ પતંગ લૂંટી હતી તે પણ ત્યા જ ઊભો હતો. તેણે ઉમંગને બોલાવ્યો. ઉમંગ તેની પાસે જઈને ઊભો રહ્યો.
અહીં 'નવો લાગે છે.'
'હા નવો છું' ઉમંગે તેની આંખમાં આંખ નાખીને કહ્યું.
' ક્યારેય પતંગ લૂંટી છે ખરી ?'
'નથી લૂંટી, પણ આજે લૂંટીશ.' સામેવાળો છોકરો ઉમંગના છટાદાર જવાબોથી પ્રભાવિત થયો.
'હું જેસંગ, મારી સાથે ભાઈબંધી કરીશ. આપણે સાથે પતંગ લૂંટીશું. આખા દિવસમાં જેટલી પતંગ ભેગી થાય એને સરખા ભાગે વહેંચી લઈશું.'
ઉમંગે તેનો મૈત્રી પ્રસ્તાવ સ્વીકાર્યો. એવામાં એક કપાયેલો ઢાલ હવામાં લહેરાતો ગામની ભાગોળ તરફ આવી રહ્યો હતો.
'આ ઢાલ હું લૂંટીશ.' ઉમંગે કહ્યું.
'ઠીક છે.' જેસંગે ઈશારો કર્યો.
ઉમંગ પોતાનું 'ઝૈડું' લઈને છોકરાઓના ટોળા સાથે દોડ્યો. ઢાલ ધીમે ધીમે નીચે આવી રહ્યો હતો. ઉમંગે છોકરાઓના ટોળાને ચીરતા આગળ વધવાનો પ્રયત્ન કર્યો. આગળ વધવામાં વચ્ચે પડી રહેલા એક-બે છોકરાઓને કોણી વડે આઘા ધકેલીને તેણે પોતાના 'ઝૈડા'માં ઢાલનો દોરો ભરાવ્યો. તેણે ઢાલને કાળજીપૂર્વક 'ઝૈડા' માંથી અલગ કર્યો. એક હાથમાં 'ઝૈડું' અને એક હાથમાં 'ઢાલ' લઈને આવી રહેલો ઉમંગ ઈડરીયો ગઢ જીતીને આવી રહેલા યોધ્ધા જેવો લાગી રહ્યો હતો.
જેસંગે તેની આ પહેલી લૂંટને વધાવી લીધી. પછી તો બંને ભેરૂઓએ સાથે મળીને ઘણી બધી પતંગો લૂંટી. બપોર પછી ભેગી થયેલી પતંગોને બંને જણે સરખે ભાગે વહેંચી લીધી.
'પતંગ ચગાવવા ક્યાં જઈને ચગાવીશ ?' ઉમંગે પૂછ્યું.
'અહીં નીચેથી.'
'એમ કર મારા ઘરની અગાસી પર ચાલ મજા આવશે.'
'પણ…'
'પણ-બણ કંઈ નહીં. તું આજથી મારો દોસ્ત છે.' ઉમંગ જેસંગને પોતાના ઘરે લઈ ગયો. બંને જણ અગાસી પર ગયા. ઉમંગે ફિરકી પકડી અને જેસંગે પતંગ ચગાવી. પતંગને પવન મળતો ગયો. એ આગળ વધતી જ ગઈ. એવામાં બાજુની એક અગાસી વાળાએ જેસંગની પતંગમાં પેચ કરવા આવી રહ્યો હતો.
'દોસ્ત બાજુ વાળાની પતંગ આપણી બાજુ આવી રહી છે.' ઉમંગે કહ્યું.
'તુ ચિંતા ના કરીશ. મેં ધરતી પર ઊભા રહીને કેટલાં લોકોની પતંગને ધૂળ ચટાડી છે. આજે તો હું અગાસી પર છું.'
બંનેની પતંગનો પેચ થયો. સામે વાળો દોરી છોડી રહ્યો હતો. આ તરફ જેસંગ ખેંચ મારી રહ્યો હતો. પાંચ મિનિટની ખેંચ તાણના અંતે જેસંગે બાજુવાળાની પતંગ કાપી નાખી. જેસંગ અને ઉમંગનો ઝુમી ઉઠ્યા અને એક સાથે બોલી ઉઠ્યા : 'એય...લપેટ…'
એવામાં જેસંગ ખેંચ મારતાં અગાસીની ધાર પર આવી ગયો હતો. એનો પગ ડકવાયો. જેસંગ અગાસીની નીચેની તરફ ઢળી પડ્યો. ઉમંગના હાથમાંથી ફિરકી છોડીને જેસંગ તરફ ભાગ્યો.
'જેસંગ…' ઉમંગના મોંઢેથી ચીસ નીકળી ગઈ. તે પણ તેને બચાવવામાં નીચે કુદી પડ્યો.
ઉમંગ પલંગ માંથી નીચે પડ્યો. એકદમ એની ઊંઘ ઊડી ગઈ. એના ઓશીકા ઉપર તે ઉંધો પડ્યો હતો. તેણે આજુબાજુ જોયું.
'હાશ, સપનું હતું.'
ઉમંગે જેસંગને ફોન કર્યો.
'હલો દોસ્ત કેમ છે ?'
'બસ, મજામાં.'
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો