બ્લોક તો કર્યા છે જાણી જાણી!

 બ્લોક તો કર્યા છે જાણી જાણી!


ચાની કીટલી પર એક મિત્રના બ્લોક થવાની વાત છેડાઈ. ત્યારે ચા પીતા પીતા મને મીરાંબાઈનો ઝેરનો પ્યાલો અને એમને જ લખેલું ભજન 'ઝેર તો પીધાં છે જાણી જાણી' યાદ આવી ગયું. ત્યારે એની સાથોસાથ મારા મનમાં 'બ્લોક તો થયા છે જાણી જાણી' એવી પંક્તિ સ્ફૂરી. મને થયું કે આના પર કંઈક લખવું જોઈએ. અને લખાઈ ગઈ એક ગઝલ.


વાત એની બે બહેનપણીઓની માની,

છોકરી બ્લોક તો કરે છે જાણી જાણી.


જજ કરી નાખે તરત એ છોકરાને,

જાણે કોઈ જાણકાર એ કાયદાની.


આંખ નીચે કાળા કુંડાળા પડ્યા છે,

એ સજા છે ભાઈ તારા જાગવાની.


ભૂલી જાજે તું હવે એ બદનસીબને,

હોય તારામાં ખરેખર ખાનદાની.


એને 'હમરાઝ' નીચે આવવાનું,

જેણે જોયા હોય સપના આસમાની.


~ હિમાંશુ ચાવડા 'હમરાઝ'


ગઝલની શરુઆતના બે શેરમાં બ્લોક કરવાનો અને બ્લોક થવાનો ઘટનાક્રમ દર્શાવાયો છે. બ્લોક કરતા પહેલા છોકરાને ઈગ્નોર કરવામાં આવે છે. એ ઈગ્નોર કરવાના સમયગાળા દરમિયાન છોકરી જે તે છોકરાને બ્લોક કરવા બાબતે તેની બે બહેનપણીની સલાહ લે છે. એક અંદાજ પ્રમાણે કોઈ પણ છોકરાને જજ કરવામાં સક્ષમ એવી ત્રણ છોકરીઓની બેચ દ્વારા અપાયેલા ચૂકાદાને અંતે છોકરાને બ્લોક કરવાનો નિર્ણય લેવાય છે. આમ, છોકરાને આખરે બ્લોક કરવામાં આવે છે.

જે છોકરીના મેસેજનો રિપ્લાય આવતાની સાથે છોકરાના ચહેરા પર ચમક આવી જતી હતી. એ જ છોકરો બ્લોક થયા પછી નિસ્તેજ થવાની સાથોસાથ નિ:સહાય પણ થઈ જાય છે. ત્યારે તેની સહાયમાં તેના મિત્રો આવે છે. ગઝલના છેલ્લા ત્રણ શેરમાં છોકરાને બ્લોક થયા બાદ તેના મિત્રો દ્વારા અપાતી સલાહ છે. 

બ્લોક થયા બાદ છોકરો પોતાના મિત્રો આગળ રોકકળ શરૂં કરી દે છે. ત્યારે મિત્રો કહે છે કે ભાઈ તારા કરેલા ઉજાગર એળે ગયા. હવે રડવાથી કોઈ લાભ નથી. ઉલટું આ ઉજાગરને કારણે તારી આંખો નીચે કાળા કુંડાળા દેખાવા માંડ્યા છે. હવે એક કામ કર તારામાં આત્મ સમ્માન જેવી કોઈ વસ્તુ વધી હોય તો એ બ્લોક કરનારી છોકરીને ભૂલીને નવી શરૂઆત કર. છેલ્લે મક્તાના શેરમાં કવિ એ છોકરાને સલાહ આપતા કહે છે કે જે લોકો આસમાનમાં ઉડવાના સપના જુએ છે એ સૌને જમીન પર આવવું પડે છે. એ છોકરી તારૂં સપનું હતું. તારી આંખો ખુલી ગઈ. તારૂં સપનું તૂટી ગયું. 

'breakup' થવા કરતા 'block' થવું એ ઘણું કપરૂં છે. કેમકે 'breakup' એ એકબીજાની સાથે સમજૂતીથી કરવામાં આવે છે. પણ 'block' એ વિચાર્યા વગર અને આડેધડ કરવામાં આવે છે. 

જોકે આ તો ગઝલ અને બ્લોક કરવાની ઘટના સાથે જોડાયેલી વાત થઈ. પરંતુ બધી છોકરીઓ છોકરાઓને બ્લોક તો નથી કરતી. પણ જ્યારે એક છોકરાને છોકરી દ્વારા બ્લોક કરવામાં આવે છે. ત્યારે એ છોકરાને એવું જ લાગે છે કે બધી છોકરીઓ એક જેવી જ હોય છે. 

આ ગઝલ લખવા માટે જ્યાંથી પ્રેરણા મળી એ પ્રસંગની વાત કરીએ તો ઝેરનો પ્યાલો મોકલીને રાણાએ મીરાંબાઈને બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાને છોકરા દ્વારા છોકરીને બ્લોક કરવાનો પહેલો પ્રસંગ કહી શકાય.

આજે એથી ઉલટું આજે મીરાં જ રાણાને બ્લોક કરીને ઝેર મોકલે છે. જો કે એ ઝેર એવું હોય છે કે તેનો સ્વીકાર કર્યો વગર છૂટકો નથી હોતો. ગિરિધરના પ્રેમમાં તરબોળ મીરાંબાઈને ઝેર પીધાં પછી પણ મોત આવ્યું ન હતું. પરંતુ આજે મીરાંના બ્લોક કરવા રૂપી ઝેરથી રાણાઓને મોત નથી આવતું પણ તેઓ જીવતી લાશ જેવા જરૂર થઇ જાય છે.

~ હિમાંશુ ચાવડા 'હમરાઝ'

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ