હ્યુમરસમ્રાટ મન્નુ શેખચલ્લી
વર્ષ ૨૦૧૨માં હું જ્યારે બારમાં ધોરણમાં હતો. ત્યારે ઘરે ગુજરાત સમાચાર છાપું બંધાવેલું. જેમાં ચોથા પાને મન્નુ શેખચલ્લીની 'વાતવાતમાં' કરીને આવતી બે કોલમની વ્યંગ હું અચૂક વાંચતો. ત્યારે મનમાં થતું કે આ 'મન્નુ શેખચલ્લી' કોણ હશે?
આજે દસ વર્ષ પછી જર્નાલિઝમના અભ્યાસના ભાગરૂપે એ જ લલિત લાડ ઉર્ફે 'મન્નુ શેખચલ્લી' પાસે ચાર દિવસ વાર્તા લેખનના વિવિધ પાસાઓ શીખવા મળ્યાં.
પહેલા દિવસે વાર્તા લેખન માટે જરૂરી એવા પાસાઓની જાણકારી મળી. બીજા દિવસે એક રમત રમ્યા. જેમાં અમે બધાએ સાથે મળીને એક વાર્તા બનાવી. ત્રીજા દિવસે એ વાર્તા અંગે લલિત સરે ચર્ચા કરી તથા એ વાર્તાને લગતા જરૂરી એવા સલાહ સૂચનો કર્યા. ચોથા દિવસે વાર્તા માટે ડાયલોગ કેવી રીતે લખાય એ માટે એક સંવાદાત્મક રમત રમાડી. જેમાં સૌને મજા પડી. એકાદ દિવસ શિબિર પૂરી થયા બાદ ડૉ. અશ્વિનકુમારના સાંનિધ્યમાં લલિત સરના મુખેથી એમના જ વ્યંગ સાંભળીને પેટ પકડીને હસ્યા હતા.
જેમાંનું એક આપની સમક્ષ રજુ કરું છું :
ડૉ. અશ્વિનકુમારે પૂછ્યું કે 'લલિતભાઈ મારાથી અઠવાડિયામાં એક વખત હ્યુમરનો લેખ લખાય છે. તમે દરરોજ હ્યુમર કેવી રીતે લખો છો.'
ત્યારે લલિત સરે કહ્યું : 'અશ્વિનભાઈ દરરોજ હ્યુમર લખાય છે એ ચમત્કાર છે. ઘણી વખત કંઈ સુઝતું નથી એવું પણ બને છે. ત્યારે ભગવાન પાસે બે હાથ ફેલાવીને ભીખ માગું છું. કે હે ભગવાન કંઈક નવું સુઝાડ. અને પછી થોડી વારમાં મનની અંદર નવું હ્યુમર પેદા થઈ જાય છે.'
આમ, અમે લેખન શિબિર પૂરી થયા પછી લગભગ કલાક સુધી કેરીના રસની સીઝનમાં મન્નુ શેખચલ્લીના હાસ્યરસમાં તરબોળ થયા હતા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો