નવી ઘોડી - નવો દાવ : બાળપણની રમતોને યાદ કરાવતું અદભૂત નાટક
ક્યાં ખોવાયું બચપણ મારું ક્યાંકથી શોધી કાઢો,
મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી લાવો.
મોટર બંગલા લઇલો મારા, લઇલો વૈભવ પાછો,
પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો.
~ કૈલાસ પંડિત
આજે સ્માર્ટફોનના બાળકોના હાથવગો થઈ ગયો છે. સ્માર્ટફોન સાથે ઉછરી રહેલા બાળકો એમની ઉંમર કરતાં થોડા વહેલા સ્માર્ટ બની બની રહ્યા છે. પરંતુ આ રીતે સ્માર્ટ બનવાની સાથે તેઓ બાળપણને માણવાનું ભૂલી રહ્યાં છે. એમાં પણ સ્માર્ટફોને બાળપણમાં રમાતી રમતોને જળમૂડથી નાબૂદ કરવાનું બીડું ઝડપ્યું હોય એમ લાગી રહ્યું છે.
'કાચા બદામ' તો ખબર પણ 'કાચું લીંબુ' એટલે શું?
સ્માર્ટફોનની ગેમ રમવા પાછળ ગાંડા થયેલા બાળકો બાળપણની રમતોને ભૂલી રહ્યાં છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના પહેલા વર્ષના વિદ્યાર્થી દ્વારા ખાતે બાળપણની રમતોને તાજી કરતું નાટક 'નવી ઘોડી - નવો દાવ' ભજવાયું હતું.
આ નાટકમાં એક બાળકીને તેના પંદરમાં જન્મદિવસ પર બાળપણની રમતો સપનામાં આવે છે. પરંતુ સ્માર્ટફોન સાથે મોટી થયેલી તે બાળકી તે રમતોને ઓળખી શકતી નથી. ત્યારે તે બધી રમતો બાળકીને પોતાનો અદભૂત પરિચય આપે છે. એ ખરેખર જોવા લાયક છે.
સ્માર્ટફોનની ગેમ્સમાં ભયાનક 'ઝોમ્બી'
ઊંઘ પૂરી થતાં તેનું સપનું પૂરું થાય છે. ત્યારે તેને ખબર પડે છે કે તેના તકીયા નીચે જન્મદિવસની ભેટ રૂપે બાળપણની રમતોની યાદી મૂકેલી હતી. પોતાના પપ્પાએ આપેલી આ ભેટ તેને ગમતી નથી. ત્યાર પછીના દૃશ્યમાં તે બાળકી તેના મિત્રો સાથે સ્માર્ટફોનમાં ગેમ રમે છે. પાંચ મિત્રો એકબીજાને આસપાસ હોવા છતાં તેઓ પોતાની ગેમ્સમાં એટલા વ્યસ્ત છે કે તેઓને સામેવાળા ની કોઈ ચિંતા જ નથી. ત્યારબાદ રાત્રે તેના સપનામાં આજના સ્માર્ટફોનની રમતો આવે છે. આ સ્માર્ટફોનની રમતોના 'ઝોમ્બી'ના પાત્રએ દર્શકોને ડરાવી દીધાં હતાં.
'મટલી ચીરાણી' નો મતલબ ?
તે સપનું બાળકીને 'PUBG' ગેમ રમાડે છે. કે જેમાં ભારે નરસંહાર થાય છે. આ ગેમના અંતે એક પ્લેયર બચે છે જેને મારવાથી તે બાળકીને 'ચિકન ડિનર' મળવાનું છે. પરંતુ એ સામેવાળો પ્લેયર બીજું કોઈ નહીં પણ તેના પપ્પા જ હોય છે. તે બાળકી અસમંજસમાં મુકાઈ જાય છે. આખરે એ પોતાના સાથી પ્લેયરોના દબાણમાં આવીને પોતાના પપ્પાને મારી નાખે છે. ત્યારે તેને 'ચિકન ડિનર' તો મળી જાય છે. ત્યારબાદ તેને પોતાના પપ્પાએ લખેલો એક કાગળ મળે છે. જેને વાંચીને તેને મનમાં ને મનમાં ઘણું દુ:ખ થાય છે અને પોતે કંઈ ખોટું કરી નાખ્યું હોય એવો અહેસાસ થાય છે.
બાળકી પોતાનું દુ:ખ સારી રહી હોય છે ત્યારે એક અવાજ આવે છે કે 'મટલી ચીરાણી'. બાળપણની રમતથી અજાણ બાળકીને 'મટલી ચીરાણી' એટલે શું એની ખબર હોતી નથી. ત્યારે બાળપણની રમતો તેને કહે છે કે 'આ એક સપનું હતું. તારા પપ્પાને કશું થયું નથી. ખાલી ઘોડી મરી ગઈ છે. હવે નવી ઘોડી - નવો દાવ.' અંતે સરસ મજાનું નાટક પૂરું થાય છે.
નાટક વિશેના પ્રતિભાવ
'આપણે જાણીએ છીએ કે અભિનય એ પરકાયા પ્રવેશ છે. કોમ્યુનિકેશનનું એક કામ પરકાયા પ્રવેશ છે. એટલે કે તમે બીજાની દ્રષ્ટિએ વિચારતા શીખો.' એમ ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉ. સોનલ પંડ્યાએ જણાવ્યું હતું અને વિદ્યાર્થીઓના અભિનયને બીરદાવતા સૌનો આભાર માન્યો હતો. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉ. એસ. એસ. સોઢાએ નાટક અંગે પોતાનો પ્રતિભાવ જણાવ્યો હતો.
પૂર્વજોથી માંડીને વંશજોએ નીહાળ્યું નાટક
આ નાટક જોવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના સિનિયર, જુનિયર, એમ. ફિલ. તથા પી.એચ. ડી. સ્કોલર સહીત અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથોસાથ એમ્ફીથિયેટરની દીવાલ પર બેસીને વાંદરોઓએ પણ નાટક નીહાળ્યું હતું.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો