શું ગાંધી આવું લખી શકે ?
શું ગાંધી આવું લખી શકે ?
ઉપરોક્ત ફોટો ઈ.સ. ૧૯૫૯માં પ્રકાશિત થયેલા 'सेवा समर्पण' નામના હિન્દી માસિક અખબારના પહેલા પેજનો છે. જેમા છપાયેલો ગાંધીજીના નામનો પત્ર જ્ઞાનવાપી મસ્જિદના વિવાદને લઈને ખૂબ ચર્ચામાં છે. એ પત્રમાં કંઈક નીચે મુજબ લખેલું છે.
“किसी भी पूजा स्थल को नुकसान पहुंचाना एक बहुत ही जघन्य पाप है। मुगल काल में धार्मिक कट्टरता के कारण मुगल शासकों ने हिंदुओं के कई धार्मिक स्थलों पर कब्जा कर लिया था। इनमें से कई को लूट लिया गया और नष्ट कर दिया गया और कई को मस्जिदों में बदल दिया गया। हालांकि मंदिर और मस्जिद दोनों ही भगवान के पूजा के पवित्र स्थान हैं और दोनों में कोई अंतर नहीं है, हिंदू और मुस्लिम दोनों की पूजा परंपरा अलग है।
धार्मिक दृष्टि से मुसलमान यह कभी बर्दाश्त नहीं कर सकता कि जिस मस्जिद में वह नमाज अदा करता रहा हो वहां हिंदू लूट ले। इसी तरह, एक हिंदू यह कभी बर्दाश्त नहीं करेगा कि उसका मंदिर, जहां वह राम, कृष्ण, विष्णु और अन्य देवताओं की पूजा करता रहा है, को ध्वस्त कर दिया जाए। जहां ऐसी घटनाएं हुई हैं, वहां ये गुलामी की निशानी हैं। ऐसी जगहों के बारे में हिंदू और मुस्लिम दोनों को आपस में फैसला करना चाहिए जहां विवाद होता है। मुसलमानों के वे पूजा स्थल जो हिंदुओं के कब्जे में हैं, हिंदुओं को उन्हें उदारता से मुसलमानों को देना चाहिए। इसी तरह हिन्दुओं के जिन धार्मिक स्थलों पर मुसलमानों का कब्जा है, उन्हें खुशी-खुशी हिन्दुओं को सौंप देना चाहिए। इससे आपसी भेदभाव दूर होगा और हिंदुओं और मुसलमानों के बीच एकता बढ़ेगी, जो भारत जैसे देश के लिए वरदान साबित होगी।"
આ માસિકે આપેલા સંદર્ભ અનુસાર આ પત્ર ગાંધીજીએ ૨૭ જુલાઈ, ૧૯૩૭ના રોજ 'નવજીવન'ના અંકમાં શ્રીરામ ગોપાલ 'શરદ'ના પત્રના જવાબમાં લખાયો હતો.
શું છે સત્યના પુજારીનું સત્ય ?
'सेवा समर्पण' નામના માસિકમાં છપાયેલો આ પત્ર મારા વોટ્સએપમાં આવ્યો. એટલે ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી અને ગાંધી સાહિત્યના અભ્યાસું તથા જિજ્ઞાસુ તરીકે મને આ પત્રની જમીની હકીકત જાણવાની ઈચ્છા થઈ. એના માટે મેં નવજીવન ટ્રસ્ટમાં કામ કરતા મિત્ર તથા ગાંધીજી પર ગહન અભ્યાસ કરનાર પ્રાધ્યાપકનો સંપર્ક કર્યો તથા ગાંધી હેરિટેજ પોર્ટલ પરથી 'ગાંધીજીનો અક્ષરદેહ'ના ઓનલાઈન ડિજિટલ પાના ઉથલાવ્યા. ત્યારબાદ જે સત્ય મારી સામે આવ્યું. એ આપની સમક્ષ રજુ કરું છું.
૭ સપ્ટેમ્બર, ૧૯૧૯ના રોજ ગાંધીજીએ 'નવજીવન' અઠવાડિકની શરૂઆત કરી અને ઈ.સ. ૧૯૩૧માં નવજીવન અઠવાડિક બંધ કરી દેવામાં આવ્યું હતું. તો પછી સવાલ એ થાય કે ઉપરનો પત્ર 'નવજીવન' અઠવાડિકમાં ૨૭ જુલાઈ ૧૯૩૭ના રોજ કેવી રીતે છપાયો ?
શેમાં પ્રકાશિત થયો આ પત્ર ?
ત્યારબાદ મને થયું કે ઈ.સ. ૧૯૩૧માં 'નવજીવન' અઠવાડિકનું પ્રકાશન ગાંધીજીએ ભલે બંધ કરી દીધું. પણ એની ખોટ પૂરી કરવા માટે હરિજન, હરિજન સેવક અને હરિજન બંધુ જેવા બીજા અઠવાડિકો શરૂં કર્યા હતા એમાં શોધી જોઈએ. એટલે મેં 'ગાંધીજીનો અક્ષરદેહ'ના ભાગ ૬૫માં આવેલા ૨૭ જુલાઈ ૧૯૩૭ના રોજ ગાંધીજીએ લખેલા પત્રો વાંચ્યા. ત્યારે જાણવા મળ્યું કે ૨૭ જુલાઈ ૧૯૩૭ના રોજ ગાંધીજીએ સાત પત્રો લખ્યા છે. જેમાં શ્રી રામ ગોપાલ 'શરદ'ને લખેલા પત્રનો કોઈ ઉલ્લેખ નથી. આ સાત પત્રો હું આપની જાણકારી માટે અહીં મૂકી રહ્યો છું.
ત્યારબાદ મને એમ કે ગાંધીજીએ આ પત્ર કદાચ 'હરિજન બંધુ' કે 'હરિજન' સેવકમાં લખ્યો હશે. એ વર્ષ ૧૯૩૭ના એ અઠવાડિકોને જોતા ખબર પડી કે આ જુલાઈ માસના છેલ્લા અઠવાડિયાનું 'હરિજન' તથા 'હરિજન બંધુ' ૩૧ જુલાઈ, ૧૯૩૭ના રોજ શનિવારના દિવસે પ્રકાશિત થયું હતું. આ અગાઉનું અઠવાડિક ૨૪ જુલાઈ, ૧૯૩૭ને શનિવારના રોજ પ્રકાશિત થયું હતું. જેમાં પણ ગાંધીજીના આ પ્રકારના પત્રનો કોઈ ઉલ્લેખ નથી.
તેથી આપણી પાસે પુરાવા છે કે આ પત્ર ખોટો છે. જો 'सेवा समर्पण' માસિક પાસે આ પત્ર સાચો હોવાના પુરાવા હોય તો તે સાબિત કરે. આ માત્ર વોટ્સએપ યુનિવર્સિટીમાં વાયરલ થયેલી એક ખોટી વાત છે. જેને મોટા ભાગનું નેશનલ મીડિયા તેની ખરાઈ કર્યા વગર સત્ય માની બેઠું છે. ત્યારે નેશનલ મીડિયાને મારી વિનંતી છે કે એક વખત 'સત્યના પ્રયોગો' પુસ્તકનું 'ઇંડિયન ઓપીનિયન' નામનું પ્રકરણ વાંચો.
'ઇંડિયન ઓપીનિયન' પ્રકરણમાં શું લખેલું છે?
'ઇંડિયન ઓપીનિયન' નામના પ્રકરણમાં ગાંધીજીએ પોતાના છાપાઓની વાત કરતાં લખ્યું છે કે "જેમ અત્યારે 'યંગ ઇંડિયા' 'નવજીવન' મારા જીવનના કેટલાક ભાગનો નિચોડ છે તેમ 'ઇંડિયન ઓપીનિયન' હતું. તેમાં હું પ્રતિસપ્તાહ મારો આત્મા રેડતો ને જેને હું સત્યાગ્રહરૂપે ઓળખતો હતો તે સમજાવવા પ્રયત્ન કરતો. જેલના સમયો બાદ કરતાં દસ વર્ષો સુધીના, એટલે ૧૯૧૪ની હાલ સુધીના 'ઇંડિયન ઓપીનિયન'ના એવા ભાગ્યે જ અંકો હશે જેમાં મેં કંઈ લખ્યું નહીં હોય. એમાં એક પણ શબ્દમેં વગર વિચાર્યે, વગર તોળ્યે લખ્યો હોય, કે કોઈને કેવળ ખુશ જ કરવાને ખાતર લખ્યો હોય, કે જાણી જોઈને અતિશયોક્તિ કરી હોય એવું મને યાદ નથી. મારે સારૂં એ છાપું સંયમની તાલીમ થઈ પડ્યું હતું. મિત્રોને મારા વિચારો સારુ મારા વિચારો જાણવાનુ વાહન થઈ પડ્યું હતું, ટીકાકારોને તેમાંથી ટીકા કરવાનું બહું ઓછું મળી શકતું. હું જાણું છું કે એના લખાણો ટીકાકારને એની કલમ પર અંકુશ મેલવા ફરજ પાડતાં."
આ જ પ્રકરણમાં ગાંધીજી પત્રકારત્વ વિશે પણ લખ્યું છે. ગાંધીજી લખે છે કે "વર્તમાનપત્ર ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ જળનો ધોધ ગામના ગામ ડુબાડશે છે ને પાકનો નાશ કરે છે, તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશથી બહાર આવે તો તે નિરંકુશતા કરતાં વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે."
ગાંધીજીના લાવારિસ પત્રને આ રીતે સમાચાર બનાવતા પહેલા આજની કહેવાતી બધી જ મોટી ચેનલ અને તેના વેબ પોર્ટલોએ 'સત્યના પ્રયોગો'નું આ પ્રકરણ એક વાર વાંચી જવું જોઈતું હતું. પણ કોઈએ એને વાંચવાની કે ઉપરોક્ત પત્રના લખાણનું સત્ય જાણવાની તસ્દી લીધી નહીં.
જે વ્યક્તિએ પોતાના છાપામાં કોઈ શબ્દ વગર વિચાર્યે કે વગર તોળ્યે ન લખ્યો હોય. જે વ્યક્તિ માટે છાપામાં લખવું એ સંયમની તાલીમ થઈ પડી હોય. ત્યારે એ વ્યક્તિ માટે કહેવાનું મન થાય કે 'ગાંધી આવું તો ના જ લખી શકે.'
-------------------------------------------------------------------------
સંદર્ભ : https://www.gandhiheritageportal.org/
મારો આ બ્લોગની લિંક 'નવજીવન' વેબ પોર્ટલ પર પણ શેર કરવામાં આવી છે. : https://www.navajivan.in/mahatma-gandhi-gandhiji-false-propaganda-misinformation-national-media-truth-national-news/
અભિનંદન.મિત્ર.જે કામ ગાંધીજીને નામે જીવનનિર્વાહ કે ધંધો કરનારાઓ એ કરવું જોઈએ એ તમે કર્યું એ બદલ આભારની લાગણી પણ વ્યક્ત કરું છું.
જવાબ આપોકાઢી નાખો