મેને મેકઅપ કર લીયા !

 ગઈકાલે સાડા છ વાગ્યે મને જાણ થઈ કે મારી એક સરકારી જાહેરાત માટે એન્કરિંગ કરવાનું છે. હું મનોમન ખુશ હતો. મારા આઉટપુટ હેડ સુનિલ સરે મને પ્રજ્ઞેશ સરને મળવા કહ્યું. પ્રજ્ઞેશ સરે આ જાહેરાતની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. હું સાડા છ વાગ્યા પછી એમની પાસે ગયો. મેં પ્રજ્ઞેશ સરને પૂછ્યું કે મારે એન્કરિંગમા‌ં શું કરવાનું છે? એમણે મને એક કમ્પ્યુટરમાં લખેલી સ્ક્રિપ્ટ બતાવી. સ્ક્રિપ્ટમાં ઘણું બધું લખેલું હતું. પણ પ્રજ્ઞેશ સરે મને કહ્યું કે મારે શરૂઆતની ત્રણ-ચાર લાઈન બોલવાની છે. બાકીની સ્ક્રિપ્ટનો વોઇસ ઓવર થઈ ચૂક્યો છે. તારે બસ સવા સાત વાગ્યા સુધી મેકઅપ કરીને તૈયાર રહેવાનું છે. પ્રજ્ઞેશ સરે મને મારી સ્ક્રિપ્ટની પ્રિન્ટ આપી. મેં સાત વાગ્યા સુધી એ સ્ક્રિપ્ટનું રટણ કર્યું. ત્યારબાદ હું મેકઅપ રૂમમાં ગયો. 


હું જ્યારે દૂરદર્શનના કાર્યક્રમમાં ગયો હતો. તે વખતે ત્યાં મને મેકઅપ કરવામાં આવ્યો હતો. પણ આ વખતના મેકઅપ કરાવવાનો અનુભવ કંઈક જુદો જ હતો. હું મેકઅપ રૂમમાં એન્ટર થયો. અંદર બેઠેલા મેકઅપ મેનને મેં કહ્યું કે મારે મેકઅપ કરવાનો છે. મેકઅપ મેને મને કહ્યું "એ પહેલાં બ્લેઝર પહેરીને જોઈ લો." મેકઅપ મેને મને બે બ્લેઝર આપ્યા. મેં પહેલા એક રાખોડી રંગનું બ્લેઝર પહેર્યું. એવામાં મારા સિનિયર એન્કર દીપાબેન મેકઅપ રૂમમાં આવ્યા. મેકઅપ મેને દીપાબેનને પૂછ્યું કે આ બ્લેઝર કેવું લાગે છે? જોકે મને એ બ્લેઝર થોડું ફિટ પડી રહ્યું હતું. જે દેખાઈ આવતું હતું. એટલે દીનાબેને મને બીજું બ્લેઝર પહેરવા કહ્યું. એ  મોટી ચેક્સ લાઈનની ડીઝાઇન વાળું બ્લેઝર હતું. મેં એને પહેર્યું. દીપાબેને કહ્યું કે બરાબર છે. હું પછી એ પ્રજ્ઞેશ સરને પણ બતાવી આવ્યો. એમણે કહ્યું કે ઓકે. હવે જલ્દી જલ્દી મેકઅપ કરાવી લે. 


હું મેકઅપ રૂમમાં ગયો. બ્લેઝર કાઢીને ખુરશી પર બેઠો. મારી સામે જાતભાતની ક્રિમ અને વસ્તુઓ હતી. જેના નામની ય મને ખબર ન્હોતી. મેકઅપ મેને મને વોટરસ્પ્રે આપ્યો અને કહ્યું કે ચહેરા પર પાણી છાંટી દો. મેં એમના કહેવા મુજબ ચહેરા પર પાણી  છાંટ્યું. પછી એમણે મને બે ચાર ટિસ્યુ પેપર આપી ચહેરો સાફ કરવા કહ્યું. મેં ટિસ્યુ પેપર વળે ચહેરો સાફ કર્યો. ત્યારબાદ મેકઅપ મેને મારા વાળમાં રિંગ પહેરાવી અને પોતાનું કામ શરૂં કર્યું. લગભગ દસેક મિનિટમાં મેકઅપ મેને મારી કાયાપલટ કરી નાખી. મારા ચહેરા પરના ખીલ અને ખીલના ડાઘ અદૃશ્ય થઈ ગયા હતા. એ પછી હું ચેન્જ રૂમમાં જઈને વિધિવત રીતે બ્લેઝર પહેરી આવ્યો. 


હું મેકઅપ રૂમની બહાર નીકળ્યો. પ્રજ્ઞેશ સરે મને જોયો. એમણે મને કહ્યું કે PCR રૂમમાં જઈને પૂછી આવ કે આપણું રેકોર્ડિંગ કેટલા વાગ્યે કરવાનું છે. મેં PCR રૂમમાં જઈને એ બાબતે પૂછપરછ કરી. PCR રૂમમાં મારા પેન્ટના બેલ્ટના પાછળના ભાગમાં એક વાયરલેસ માઈક્રોફોન ભરાવવામાં આવ્યો. કાનમાં એક વાયરલેસ ઈયરફોન પણ લગાવવામાં આવ્યું. જેનાથી હું PCR રૂમમાંથી મળતા ઓર્ડર સાંભળી શકતો હતો. હું સ્ટુડિયોમાં ગયો. મારી સ્ટુડિયોમાં રાખેલી મોટી LED પાસે ઊભા રહીને ટેલી-પ્રોમ્પ્ટરમાંથી સ્ક્રિપ્ટ વાંચવાની હતી. LED થોડી ઉંચાઈ પર હતી. એટલે મને નીચે એક પાટિયું મૂકી આપવામાં આવ્યું. જેના પર હું ઊભો રહીને ટેલી-પ્રોમ્પ્ટરમાં સ્ક્રિપ્ટ વાંચી શકતો હતો. જોકે આ મારો એક સ્ટુડિયોમાં અને જાહેરજીવનમાં એન્કરિંગ કરવાનો પહેલો અનુભવ હતો. એટલે હું થોડો નર્વસ હતો. જેના કારણે ચહેરા પર થોડો પરસેવો વળવાનો શરૂં થઈ ગયો હતો. મેકઅપ મેન સ્ટુડિયોમાં આવ્યો અનૂ બોલ્યો "આટલો પરસેવો કેમ થાય છે?" જોકે પરસેવો તો સામાન્ય પરિસ્થિતિમાં પણ મને વળી જાય છે. જ્યારે આ તો મારા માટે અસામાન્ય પરિસ્થિતિ હતી. મેકઅપ મેને મારો મેકઅપ સરખો કર્યો. 


હું ફરી પાટિયા પર ઊભો રહ્યો. મારી પાછળની LED સ્ક્રિન પર 'વંદે ગુજરાત' લખેલું અને મુખ્યમંત્રીશ્રીના ચહેરા વાળું દૃશ્ય પ્લે થઈ રહ્યું હતું. ટેલી-પ્રોમ્પ્ટરમાં મારી સ્ક્રિપ્ટ પ્લે થઈ રહી હતી. મને PCR માંથી ઓર્ડર સંભળાયો. ''ક્યુ઼ં''. મેં ટેલિ પ્રોમ્પ્ટરમાંથી વાંચવાની શરૂઆત કરી. મારા પહેલા ટેકમાં ફમ્બલ આવ્યું. એટલે બીજો ટેક લેવો પડ્યો. બીજો ટેક બરાબર રહ્યો. મારૂં રેકોર્ડિંગ પૂરૂં થયું. હું PCR રૂમમાં ગયો. ત્યાં માઈક્રોફોન અને ઈઅરફોન કાઢવામાં આવ્યા. પછી હું મેકઅપ રૂમમાં જઈને કપડાં બદલી આવ્યો અને દર અડધા કલાકના અંતરે આવતા 'ફટાફટ' અને 'શતક'ના બુલેટિન પ્રોડ્યુસર શૈલેષભાઈ પાસે જઈને બેઠો. ત્યાં શૈલેષભાઈ તથા મારી ફટાફટની ટીમમાં કામ કરતા મારા સિનિયર તેજલબેન અને પ્રિયંકાબેને મને એન્કરિંગ કરવા બદલ અભિનંદન પાઠવ્યા. શૈલેષભાઈએ મને કહ્યું આ મેકઅપ ઉતારવો નથી. મેં કહ્યું ઘરે જઈને નાહીને લઈશ તો નહીં ચાલે. ત્યારે તેજલબેને મને કહ્યું કે મેકઅપ મેન જ તારો મેકઅપ ઉતારી આપશે. 


હું મેકઅપ રૂમમાં ગયો. મેકઅપ મેનને કહ્યું કે મારે મેકઅપ ઉતારવાનો છે. મેકઅપ મેને મને હાથમાં મેકઅપ રિમુવર ક્રીમ આપી અને કહ્યું કે ''ચહેરા પર લગાવી દો અને પછી બરાબર ઘસો.'' મેં મેકઅપ મેનના આદેશનું પાલન કર્યું. પહેલા આખા ચહેરા પર ક્રીમ લગાવી અને પછી બંને હાથ વડે ચહેરો ઘસવાની શરૂઆત કરી. પાંચેક મિનિટ બાદ મને મારો ખીલ અને ખીલના ડાઘ વાળો અસલી ચહેરો દેખાવા લાગ્યો. એ પછી મેકઅપ મેને મને રૂના ભીના કપડા આપી એના વડે મેકઅપ લૂછવા કહ્યું. મેં સરખી રીતે મેકઅપ લૂછ્યો. હવે હું મારા અસલી અવતારમાં હતો. મેકઅપ મેને મને બાજુના વોશબેસિનમાં હિમાલયા નીમ ફેશવોશ વડે મોં ધોઈ નાખવા કહ્યું. 


મેં ઘરે આવીને મારા મામી અને મામાની દીકરી એટલે કે મારી બહેન સાથે મારા મેકઅપ કરવાના સંસ્મરણો વાગોળ્યા. મેં કહ્યું કે આ મેકઅપ કરાવવો તો ઠીક પણ અને એને સાચવવો એ થોડું કપરું કામ છે. તો મારી બહેન મને કહે કે ''પ્રિયાબહેન, લતાબહેન અને રિમ્પલબહેનને એમના લગ્નમાં મેકઅપ માટે ગયેલા તો કાંઈ કારણ વગર થોડો પાંચ છ કલાકનો સમય લાગ્યો હતો. મેં કહ્યું "હા, મારા જેવા છોકરાને એક પાંચ મિનિટના રેકોર્ડિંગ માટેના મેકઅપમાં આટલો સમય લાગતો હોય. તો આ તો લગ્ન માટે મેકઅપ કરવાનો હોય એટલે સમય તો લાગે." પછી મારી બહેન બોલી કે "અને આપણા દાદા અને નાના કંઈ સમજ્યા વગર જ બહાર પથારીમાં બેઠા બેઠા બોલ્યા કરે કે આ છોકરી ક્યારની તૈયાર થવા જઈ છે."  ત્યારબાદ અમે બીજી બહેનોના લગ્નના પણ મેકઅપને લઈને ઊભા થયેલા વડીલોના વિવાદોને યાદ કર્યા અને પેટ પકડીને હસ્યા.

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ