કોઈની સગાઈ



સોમવારે રાત્રે નવ વાગ્યા પછી MSW વિભાગની દોસ્ત વર્ષાનો મેસેજ આવ્યો. મેસેજમાં એને સવાલ કે "તમારી સગાઈ થઈ ગઈ છે?"


મેં કહ્યું ''ના, કેમ તારી નજરમાં છે કોઈ મારા લાયક છોકરી?"


એણે મને રિપ્લાય આપ્યો કે "આજે ક્લાસમાં હિમાંશુની ફિયાંસે વિશે વાત થતી હતી એટલે મને એમ કે તમારી હશે."


હું કંઈ સમજ્યો નહીં. મને એમ કે મારી સાથે મજાક કરતી હશે. મેં એને પૂછ્યું કે "મારી ફિયાંસે કોણ?"


તો એનો રિપ્લાય આવ્યો કે "મને શું ખબર?"


મેં એને કહ્યું કે "મારી ફિયાંસે અહીં વિદ્યાપીઠના ક્લાસમાં ક્યાંથી આવે?" 


સાડા દસની આસપાસ કરેલા મારા મેસેજનો એને કોઈ જવાબ ના આપ્યો. એટલે મેં આ વાત પર બહું વિચાર કર્યો નહીં. પણ એક વાત મારા માટે વિચારવા જેવી હતી કે મારી કથિત ફિયાંસેની વાત વિદ્યાપીઠના વર્ગમાં થાય એ તો કેવી ગજબ જેવી વાત છે!


*      *      *


બીજા દિવસે સવારે હું મારૂં વોટ્સઅપ ચેક કરી રહ્યોં હતો. ત્યારે મેં જોયું કે વર્ષાનો DP મને દેખાતો નથી. એના મેસેજ ખોલીને જોયા. ઓનલાઇન-ઓફલાઈન કે લાસ્ટ સીન પણ દેખાતો ન હતો. મેં મારા મામાના દીકરાને પૂછ્યું "શું આ છોકરીએ મને બ્લોક કર્યો હશે?" 


મારા મામાના દીકરાએ મને કહ્યું કે "એના પ્રોફાઈલમાં એનું સ્ટેટ્સ દેખાય છે એ જોઈ લે. જો એનું સ્ટેટ્સ દેખાતું હશે તો તું અનબ્લોક હોઈશ." 


મને વર્ષાના પ્રોફાઈલમાં એનું સ્ટેટ્સ 'ઓનલાઈન' દેખાયું. એટલે મેં એને સવારના સમયને ધ્યાનમાં રાખીને ''Good Morning"નો મેસેજ કર્યો. એને રિપ્લાયમાં "Very good morning" કહ્યું. 


ત્યારબાદ એને મને ગઈકાલના છેલ્લા મેસેજનો રિપ્લાય આપ્યો કે "અરે સર એવું કહેતા હતા કે હિમાંશુની ફિયાંસે એટલે મને એમ કે તમે" 


હું વિચારમાં પડી ગયો. કે વિદ્યાપીઠના સર મારી એવી સગાઈનો પ્રચાર કરે છે જે થઈ જ નથી. જોકે વિદ્યાપીઠમાં મને સારી રીતે ઓળખતા હોય એવા બે-ચાર સર છે. પણ એ લોકો આવી અસત્ય વાત તો ના કરી શકે. એટલે મેં એને મેસેજમાં પૂછ્યું કે "આવું ક્યા સર કહેતા હતા?"


મારો આ મેસેજ સીન તો થયો. પરંતુ એનો કોઈ રિપ્લાય આવ્યો નહીં. હવે મારા માટે એ જાણવું જરૂરી બની ગયું કે ક્યા સરે મારા વિશે આવી વાત ફેલાવી?


                           *      *      *


એ જ દિવસે બપોરે બાર વાગ્યા પછી MSW વિભાગની બીજી દોસ્ત સેજલનો મેસેજ આવ્યો. 


"Hy"


"Congratulations" 


હું વિચારમાં પડી ગયો. કે 'કેમ છો?' નહીં ને સીધું 'Congratulations' ત્યારબાદ મેં એને પૂછ્યું ''બોલ, કેમ છે?"


એનો રિપ્લાય આવ્યો "બસ મજામાં, તમે"


મેં મારા હાલ જણાવવાને બદલે એને 'Congratulations' કહેવાનું કારણ પૂછ્યું.


તો સેજલનો રિપ્લાય આવ્યો કે "તમારી સગાઈ થઈ ગઈ એટલે"


હું જે બગાડીને બે કલાક પહેલા ભૂલી ગયો હતો એ ફરી પાછી મારી સામે આવી ગઈ. મેં સેજલને કહ્યું કે "અરે મારી સગાઈ નથી થઈ. એ કોઈ બીજો હિમાંશુ હશે."


સેજલનો રિપ્લાય આવ્યો કે "પણ 'હમરાઝ' તો તમે જ છો ને?"


સેજલના આ રિપ્લાયથી  હું નવી મૂંઝવણમાં મુકાઇ ગયો. કે આ તો મારા નામ અને ઉપનામ સાથે કહે છે કે મારી સગાઈ થઈ ગઈ છે. હવે તો મને એમ થવા લાગ્યું કે ખરેખર મારી સગાઈ થઈ ગઈ હશે અને મને જ એની ખબર નથી. 


મેં એને મેસેજ કર્યો કે "હા, હમરાઝ તો હું જ છું." પછી મને થયું કે મારા‌ વિશે આટલી વાત ફેલાઈ છે તો જાણીએ તો ખરા કે એ છોકરી કોણ છે? મે‌ આગળ મેસેજ ટાઈપ કર્યો ‌ "પણ એ છોકરી કોણ છે? ક્યાં વિભાગમાં છે?"


એનો રિપ્લાય આવ્યો કે "એનું નામ નિશા છે અને અમદાવાદથી આવે છે. આને MCAમાં છે."


એ પછી એનો તરત બીજો રિપ્લાય આવ્યો કે "કમ્પ્યુટર વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ અજય સરે એ છોકરીનો પરિચય આપતાં કહ્યું હતું કે આ હિમાંશુ હમરાઝની ફિયાંસે છે."


જોકે અમદાવાદનું નામ ખૂલ્યાં પછી મનમાં એક વિચાર આવ્યો કે આ અમદાવાદની એ છોકરી તો નહીં હોય જેનો બાયોડેટા બે વર્ષ પહેલાં મારી પાસે આવ્યો હતો. પણ મેં એને ના પાડી હતી.


*      *      *


હું આવું વિચારી રહ્યો હતો કે જર્નાલિઝમમાં અભ્યાસ કરતી મારી જુનિયર દોસ્ત સુંદરનો કોલ આવ્યો. મેં રિસિવ કર્યો. 


''હલો, કેમ છો?" 


મેં કહ્યું ''મજામાં, તું કહે…"


સુંદરે કહ્યું કે "સાંભળ્યું છે કે તમારી સગાઈ થઈ ગઈ છે."


સુંદરના મોઢે મારી સગાઈની વાત સાંભળીને હું વિચારમાં પડી ગયો. કે આ છોકરીઓ વાતને બહું જલ્દી વાયરલ કરી નાંખે છે. જોતજોતામાં સગાઈની વાત MSW માંથી જર્નાલિઝમ વિભાગમાં પહોંચી ગઈ. 


સુંદરે આગળ કહ્યું "બોલો બોલો ચૂપ કેમ છો?" 


મેં કહ્યું "આવું તને કોણે કહ્યું?" 


"અરે અહીંયા તો આ વાત ફેલાઈ ગઈ છે." સુંદરે આગળ કહ્યું કે "MCAમા‌ં એક છોકરી આવી છે એણે જાહેરમાં કહ્યું છે કે હું હિમાંશુ હમરાઝની ફિયાંસે છું." 


જે વાત હું વર્ષા અને સેજલના મેસેજમાં વાંચી ચૂક્યો હતો એ જ વાત સુંદર મને સંભળાવી રહી હતી. આ દરમિયાન  સુંદરે પોતાની વાત ચાલું જ રાખી હતી.


"એ છોકરી કહેતી હતી કે હિમાંશુ એ મને વિદ્યાપીઠમાં MCA કરવાનું કહ્યું હતું." 


જોકે મેં એકાદ બે છોકરીઓને વિદ્યાપીઠમાં જર્નાલિઝમ કરવાની ભલામણ કરી હશે. પણ MCA કરવા વિશે તો કોઈ છોકરી શું કોઈ છોકરાને પણ વાત નથી કરી. પણ હું આ બધું વિચારતા વિચારતા સુંદરની વાત સાંભળી રહ્યો હતો. 


મેં સુંદરને ફરી પૂછ્યું કે "તને આ બધું કોણે કહ્યું?


"મારી પહેલા એક MSWમાં ફ્રેન્ડ હતી. એણે હમણાં MCAમાં એડમિશન લીધું છે તો એણે કહ્યું એમના સરે એનો હિમાંશુ હમરાઝની ફિયાંસે તરીકે પરિચય કરાવ્યો. આ સાંભળીને મને પણ નવાઈ લાગી કે આ વાત માનવામાં આવે એવી છે જ નહીં." 


જોકે મારી અને સુંદરની આ વાતચીત વચ્ચે સુ઼ંદરની આસપાસ બેઠેલી છોકરીઓની ચહલપહલનો એટલો અવાજ આવતો હતો કે મને એમ થતું હતું કે જો આ મારી સગાઈ સાબિત થશે તો મારે વિદ્યાપીઠ મીઠાઈ લઈને જવું પડશે.


મેં સુંદરને કહ્યું કે "તારી પાસે એ છોકરીનો ફોટો છે?"


''ના, ફોટો નથી, પણ એનું નામ નિશા છે." 


"પણ હું કોઈ અમદાવાદની નિશાને ઓળખતો નથી. આને મેં કોઈને MCA કરવાનું તો નથી જ કહ્યું." 


"ખરેખર, પાકું?" સુંદરે પૂછ્યું.


"હા, હવે મારી સગાઈ થાય તો તમને બધાને કોઈના દ્વારા થોડી જાણ થાય."


સુંદરને મારી વાતમાં વિશ્વાસ બેઠો. એણે કહ્યું એક મિનિટ ચાલું રાખો. સામેની બાજુ સુંદર તેની આસપાસ બેસેલી છોકરીઓને પૂછી રહી હતી કે પાકું એણે હિમાંશુ હમરાઝ એવું જ કહ્યું હતું. લાસ્ટ યરમાં હતાં એવું જ કહ્યું હતું. આવી બધી વાતો મને સંભળાય રહીં હતી. 


એકાદ મિનિટ પછી સુંદરે મને કહ્યું "આ લોકો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરે છે. હું તમને બધી પાકી પૂછપરછ કરીને કહું."


સુંદરે ફોન મૂક્યો. મેં પણ કોલ કટ કર્યો. સુંદરની લાસ્ટ યરમાં હતાં એ વાત સાંભળીને મને થયું કે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ તો થઈ જ છે . મને ધીમે-ધીમે સમજાઈ રહ્યું હતું કે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ શું હતી?


*      *      *


હું જ્યારે ૨ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ વિદ્યાપીઠમાં આવ્યો. ત્યારે વિદ્યાપીઠમાં ગાંધીસપ્તાહની ઉજવણી થઈ રહી હતી. ઉજવણીના ભાગરૂપે એકાદ બે સભાખંડમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે મને ગરબા રમવાનું આવડતું નથી. એટલે હું મારા શોખ પ્રમાણે મોબાઈલમાં ગરબા રમતા વિદ્યાર્થીઓના વિડીયો બનાવી રહ્યો હતો. આ ગરબાનું એક આગવું મહત્વ હતું. કારણ કે ગુજરાતના નાનામાં નાના ખુણેથી આવેલા વિદ્યાર્થીઓ એક છત નીચે ગરબા રમી રહ્યા હતા. 


હું એ ક્ષણોને મારા મોબાઈલમાં કેદ કરી રહ્યો હતો. એવામાં એક છોકરો મારી પાસે આવ્યો. એ છોકરાએ મને એનો મોબાઈલ આપીને કહ્યું કે "હિમાંશુભાઈ હું ત્યાં પેલા ટોળામાં ગરબા રમી રહ્યો છું. મારો વિડીયો ઉતારી આપજો." 


મોબાઈલ આપીને એ છોકરો ગરબા રમવા ચાલ્યો ગયો. મેં થોડો સમય એના મોબાઈલમાં વિડીયો શૂટ કર્યો પણ પછી મોબાઈલ લોક થઈ ગયો. છોકરાને ટોળા વચ્ચે જઈને રોકવો મને યોગ્ય ન લાગ્યું.એટલે મેં મારા જ મોબાઈલમાં એનો વિડીયો શૂટ કરવા લાગ્યો. ગરબા પૂરા થયા. એ છોકરો મારી પાસે આવ્યો. મેં એને એનો મોબાઈલ આપતા કહ્યું કે "તારો મોબાઈલ સ્ક્રીનલોક થઈ ગયો હતો. એટલે એમાં એક વિડીયો જ શૂટ થયો છે. બાકીના વિડીયો મેં મારા મોબાઈલમાં શૂટ કર્યા છે. તારો નંબર આપ હું તને મોકલી આપીશ."


''સારૂં, મારો નંબર લખો." એ છોકરાએ મને એનો લખાવ્યો. મેં કહ્યું કે  "નામ શું લખું?"


"હિમાંશુ" આ સાંભળીને હું થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગયો.


એ છોકરાએ આગળ કહ્યું "મારૂં નામ પણ હિમાંશુ છે." મેં એનું નામ લખ્યું. મેં એનું નામ લખતાં આગળ પૂછ્યું "ક્યો વિભાગ?"


એણે કહ્યું "MCA last year"


મેં Himanshu MCA GV એ નામે એનો નંબર સેવ કર્યા. રૂમ પર પહોંચીને એને એના વિડીયો મોકલી આપ્યા. ત્યારબાદ પણ એકસરખા નામ અને થોડા એક સરખા સ્વભાવની કારણે અમારી મિત્રતા ટકી રહી. 


મેં મારા મામાના ઘરે બેઠા બેઠા આ પ્રસંગ વાગોળ્યો. અને  મને મારી આ કથિત સગાઈનો તાગ મેળવવામાં સફળતા મળી. હું સમજી ગયો. કે છોકરી MCAમાં આવી છે. એને એ છોકરાએ વિદ્યાપીઠમાં MCA કરવાની સલાહ આપી છે. અને એ છોકરો પણ છેલ્લા વર્ષમાં જ હતો. તો એ MCAવાળો જ હિમાંશુ હશે.


હું આ બધું વિચારી રહ્યો હતો એવામાં દોઢ વાગ્યાની આસપાસ સુંદરનો મેસેજ આવ્યો કે "એ હિમાંશુ MCA વાળો છે. ચિંતા કરશો નહીં." 


સુંદરના આ મેસેજથી મને મનમાં શાંતિ વળી. મારૂં અનુમાન સાચું પડ્યું. મેં મેસેજમાં એનો આભાર વ્યક્ત કર્યો. પણ પછી એનો વળતો મેસેજ આવ્યો કે "એક વાત પૂછું." 


મેં રિપ્લાય આપ્યો "હા, બોલ."


"તમે સગાઈ ક્યારે કરશો?"


સુંદરના પ્રશ્નનો જવાબ શું આપવો એ મને સમજાતું ન હતું. એટલે બાળપણમાં દાદા જ્યારે કોઈ પણ વાર્તાનો અંત લાવતી વખતે જે જોડકણું કહેતા હતા. એ જોડકણું. મેં એને મોકલી આપ્યું અને ઊંઘી ગયો.


"વાત થઈ પૂરી અને આંબે આવ્યો મૉર,

હવે વાત કરીશું પ્હોર…."



*      *      *










ટિપ્પણીઓ

  1. વાહ.....દોસ્ત ખુબ જ સરસ

    આવા પ્રસંગો જ જીવનમાં ખુશીઓ લાવે છે અને હાસ્ય રસ પૂરો પાડે છે, તારા આ શબ્દોમાં મને ભરપૂર હાસ્યની ખુશ્બુ આવી છે...મોજ પડી ગઇ😂😂😂😂😂

    આણંદ આવ્યો વાંચીને....

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

લોકપ્રિય પોસ્ટ્સ