Wrong Number



Pic : Android Authority




મામાના ઘરેથી અઢી વાગ્યાની આસપાસ હું વિદ્યાપીઠની લાયબ્રેરીના પાર્કિંગમાં આવ્યો. મારૂં બાઈક પાર્ક કર્યું. લાઈબ્રેરીના પટાંગણમાં આવેલા લીમડા નીચે મારો જૂનિયર અને રૂમ પાર્ટનર મિત બેઠો હતો. એના ખભા પર એક મોટો થેલો જોઈને લાગતું હતું કે તે ક્યાંક બહાર જઈ રહ્યો હતો. હું એની પાસે ગયો અને પૂછ્યું : ''ક્યાં જાય છે?" 


"ભાઈના ઘરે જાવ છું. એટલે ધોવાના કપડા લઈ જાવ છું." 


જોકે મિત સામાન્ય રીતે અઠવાડિયામાં એકવાર એના ભાઈને ઘરે જતો જ હોય છે. એટલે મારા માટે એ કોઈ નવી વાત ન્હોતી. 


"રૂમની ચાવી ક્યાં છે?" મેં પૂછ્યું.


"રૂમની બહાર સૂકવેલા તારા શર્ટના ખિસ્સાવાળી ખૂફિયા જગ્યાએ…"


"બરાબર"


"....અને આપણા રૂમનું તાળું ખોલવાની પણ જરૂર નથી. બસ એક લાત મારવાની એટલે તાળું ખૂલી જાય." 


ચાવી સિવાય અમારો રૂમ ખોલવાની આ બીજી રીત હતી.  જોકે મારે આ બીજી રીત મારી જાણ ખાતર જરૂરી હતી. મેં આજ સુધી ક્યારેય એનો ઉપયોગ કર્યો ન્હોતો.


વિતાન સવારે જ ઘરે જવા નીકળી ગયો હતો અને હવે મિત પણ ઘરે જવા નીકળી રહ્યો હતો. તેથી અમારી ચાર મિત્રોની ચોકડી પૈકી માત્ર બે મિત્રોની જોડી જ આજે રહેવાની હતી. 


"કુલદીપ ક્યાં છે?" 


"એ લાઈબ્રેરીમાં તસ્લીમા નસરીનને વાંચી રહ્યો છે." 


મને થયું કે કુલદીપ વાંચતો હોય તો એને હેરાન નથી કરવો. એમ વિચારીને મેં કહ્યું "સારૂં તો હવે હું રૂમ પર જાવ છું."


"હા, હવે હું પણ નીકળું છું." મિતે કહ્યું. 


શેકહેન્ડ કરીને અમે બંને છૂટાં પડ્યાં.


*     *    *


હું અમારા હોસ્ટેલના રૂમે પહોંચ્યો. મેં જોયું કે બહાર મારો અડધી બાંય અને પીળીચેક્સલાઈન વાળો શર્ટ સૂકાઈ રહ્યો હતો. મેં એ શર્ટ ઔરનું ખિસ્સું તપાસ્યું. એ ખિસ્સામાં એક કિચેઈન સાથે એક નાની અને એક એનાથી સ્હેજ મોટી એમ બે ચાવીઓ હતી. એક રૂમની બહારના તાળાની ચાવી અને બીજી રૂમની અંદરના લોકરના તાળાની ચાવી. 


હું દરવાજાની પાસે ગયો. મે જોયું કે દરવાજાની સ્ટોપર પર મોટું તાળું લટકતું હતું. મારા હાથમાં ચાવી હતી. પછી શું જોવાનું હતું. મેં મારા હાથમાં રહેલી રેઈન કોટની થેલી એકતરફ મૂકી અને મોટી ચાવી તાળામાં નાખીને ફેરવી. પણ તાળું ના ખૂલ્યું. મારી ધારણા મુજબ ચાવી ફેરવ્યાની બીજી સેકન્ડે તાળું ખૂલ્યું નહીં એ વાત મન માનવા તૈયાર ન હતું. તેથી મેં બીજી વખત તાળામાં ચાવી નાખી અને ધીમેથી ફેરવી. આ વખતે પણ મને નિષ્ફળતા હાથ લાગી. તેથી જેમ હાર્યો જુગારી બમણું રમે. એમ મેં પણ વધું બે ચાર વખત ચાવી ફેરવીને તાળું ખોલવાના પ્રયત્નો કરી જોયા. તે છતાં તાળું ખૂલ્યું નહીં. 


મને થયું કે મોટી ચાવીથી તાળું નથી ખૂલી રહ્યું તો નાની ચાવી નાખીને તાળું ખોલવાનો પ્રયત્ન કરી જોવ. મેં તાળામાં નાની ચાવી નાખી. ચાવી તાળામાં બરાબર સેટ થઈ ગઈ. એટલે મારા મનમાં તાળું ખૂલવાની થોડી આશા બંધાઈ. મેં આ વખતે ધીમેથી ચાવી ફેરવી. જેનું પરિણામ મને ચાવી ફેરવ્યાની બીજી સેકન્ડે જ જોવા મળ્યું. આ નાની ચાવીથી પણ તાળું ના ખૂલ્યું. મેં નાની ચાવીથી પણ તાળું ખોલવાના પ્રયત્નો કરી જોયા. પણ મને દરેક પ્રયત્ને નિષ્ફળતા હાથ લાગી. 


*     *    *


મેં મિતને કોલ કર્યો. બે ચાર રિંગ વાગ્યા પછી મિતે કોલ રિસિવ કર્યો. 


"હેલ્લો!"


મેં સમય સંજોગ જોઈને સીધી મુદ્દાની વાત કરી. 


"આ બંને ક્યાં રૂમની ચાવી છે?" 


"બંને આપણા જ રૂમની ચાવી છે." મિતે કહ્યું.


"પણ બે પૈકી એકેય ચાવીથી તાળું નથી ખૂલી રહ્યું."


"તો ભઈ મેં તને કીધું તો હતું કે ચાવીથી તાળું ના ખૂલે તો લાત મારીને દરવાજો ખોલી નાખજે." 


"સારૂં, એવું કરૂં." મેં કોલ કટ કર્યો. 


મિતની આ વાત મને યાદ હતી. પણ હું એ અખતરો કરવા ન્હોતો ઈચ્છતો. હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ હતી કે એ અખતરો જ દરવાજો ખોલવાનો આખરી ઉપાય હતો. મેં નાછૂટકે દરવાજાને લાત મારી. દરવાજો થોડો અંદરની તરફ ધકેલાયો એટલે મારા મનમાં આશા બંધાઈ કે બે-ચાર લાતમાં તો દરવાજો ખૂલી જશે. તેથી મેં વારાફરથી સળંગ બીજી બે લાત મારી. પણ દરવાજો જેટલો પાછળ ધકેલાયો હતો. એમાં સ્હેજ પણ નો ફેરફાર થયો નહીં. હું ત્રીજી લાત  મારવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં એક બાજુના રૂમનો છોકરો કપડાં ધોઈને અમારા રૂમની સામેના તાર પર કપડાં સૂકવવા આવ્યો. એણે દૂરથી જ મને દરવાજાને લાત મારતા જોયો હતો. એણે કપડાં સૂકવતા મને પૂછ્યું "દરવાજો નથી ખૂલી રહ્યો કે શું?" 


મેં કહ્યું "હા, નથી ખૂલી રહ્યો. ચાવી નાખી જોઈ. તાળું ખૂલતું જ નથી. ઘણી વાર મારા મિત્રો લાત મારીને દરવાજો ખોલી નાંખે છે. એટલે હું પણ લાત મારીને દરવાજો ખોલવાનો પ્રયત્ન કરી રહ્યો છું." 


"મેં પણ ઘણી વખત તમારા મિત્રોને લાત મારીને દરવાજો ખોલતા જોયા છે." પડોશીના મોઢે લાત વાળી વાત સાંભળીને થયું કે હું સાચી દિશામાં પ્રયત્ન કરી રહ્યો છું. એ પડોશી કપડાં સૂકવીને ચાલ્યો ગયો અને મેં ફરી દરવાજાને બે-ત્રણ વાતો મારી દીધી. એવામાં મારી જમણી તરફ રહેતા ત્રણ પડોશીઓ તૈયાર થઈને એમના રૂમની બહાર નીકળ્યા. કદાચ રીવરફ્રન્ટ ફરવા જતા હશે. એમણે મને લાત મારતા જોયો. એ ત્રણેય મારી પાસે આવ્યા. 


"શું થયું? તાળું નથી ખૂલતું કે શું?" ત્રણ માંથી એકે પૂછ્યું.


"મેં કહ્યું ના નથી ખૂલતું." 


"તાળાની ચાવી નથી?" બીજાએ પૂછ્યું.


"તાળાની ચાવી પણ છે. પણ એ ચાવીથી પણ તાળું નથી ખૂલતું. હવે લાત મારવી એ જ એકમાત્ર ઉપાય છે."


"અમે પણ લાત મારવામાં મદદ કરીએ?"


કોઈ મદદ કરે તો ના શા માટે પાડવી? મેં એ લોકોને લાત મારવાની સાંકેતિક મંજૂરી આપી.


ત્રણે જણે એક પછી એક દરવાજા પર લાત મારી. ત્રીજા મિત્રની રાતે લાતથી દરવાજો તો ન ખૂલ્યો પણ દરવાજા પરથી લોખંડની કોઈ એક ભાગ છૂટીને નીચે પડ્યો હોય એવો અવાજ આવ્યો. મને લાગ્યું કે એ ત્રણેની મંઝિલ એમની રાહ જોઈ રહી હશે. એટલે મેં ત્રણેયનો આભાર માની એમને રવાના કર્યા. 


અમારા પી.એચ.ડી.ના સ્કોલર મેરૂભાઈ ક્યારના અમારૂં નિરિક્ષણ કરી રહ્યા હતા. એ મારી પાસે આવ્યા. 


"ભાઈ દરવાજાને લાત મારો તો દરવાજો તૂટી જાય?" 


મેરૂભાઈએ પોતાની પાસે રહેલી ચાવીથી તાળું ખોલી જોયું. એમને પણ તાળું ખોલવામાં સફળતા ન મળી. એ પણ હાર સ્વીકારીને ચાલ્યા ગયા. એ મારી લાતોના પ્રયોગ દૂર ઊભેલો એક MCAનો વિદ્યાર્થી પણ જોઈ રહ્યો હતો. મેરૂભાઈના ગયા પછી એ મારી પાસે આવ્યો.  


"શું થયું ભાઈ, તાળું નથી ખૂલતું?"


"હા, ઘણા પ્રયત્નો કર્યા પણ નથી ખૂલતું." 


"એક કામ કરો, તાળું તોડી નાખો." 


મારૂં મન તાળું તોડવા તૈયાર ન હતું. પણ હવે એ જ આખરી ઉપાય હતો. 


"હા, હવે તો તાળું તોડવું જ પડશે." 


"સારૂં, મારી પાસે સળિયો છે. હું સળિયો લઈને આવું." 


આટલું કહીને એ સળિયો લેવા ચાલ્યો ગયો. એના ગયા પછી પણ મેં દરવાજાને એકાદ નકામી લાત મારી. MCAવાળો એ છોકરો ગણતરીની મિનિટોમાં સળિયા સાથે હાજર થયો. હવે મારે કશું જ કરવાનું ન હતું. જે કંઈ કરવાનું હતું. એ MCAવાળો છોકરો એના સળિયા વડે કરવાનો હતો. હું માત્ર એ શું કરે છે એ જોઈ રહ્યો હતો. 


MCAવાળા એ છોકરાએ સળિયાનો એક તરફનો ભાગ તાળાના આંકડામાં ભરાવ્યો. પછી ધીમેથી સળિયાને બીજી તરફથી જોર આપ્યું. એટલે પાંચમા ધોરણમાં ભણેલા ઉચ્ચાલનના નિયમ હેઠળ તાળાનો આંકડો વળીને ઉપરની તરફ ખૂલ્યો. તાળું તૂટી ગયું. 


"હાશ, તાળું તૂટી ગયું. હવે રૂમ ખૂલશે." મેં મનોમન વિચાર્યું. 


MCAવાળો છોકરો મારા હાથમાં તૂટેલું તાળું પકડાવીને ચાલતો થયો. મેં દરવાજાની સ્ટોપર ખોલી. દરવાજાને ધક્કો માર્યો. પણ બે દરવાજા પૈકી માત્ર જમણી તરફનો જ દરવાજો ખૂલ્યો. જેમાંથી મને રૂમની અંદરનો ભાગ દેખાઈ રહ્યો હતો. રૂમની અંદર સૌપ્રથમ મારી નજર પંખા પર પડી. જેની સ્વિચ બંધ કરવાની રહી ગઈ હતી. એટલે પંખો હજુ પણ ફરી રહ્યો હતો. પંખા પછી મારી નજર નીચી કરી. દરવાજાની પાસે ખોલ્યા વગરનું 'દિવ્ય ભાસ્કર' પડ્યું હતું. જે લગભગ વર્તમાન સમયનું જ વર્તમાન પત્ર હતું. પેપરની બાજુમાં દરવાજાની સ્ટોપર પડી હતી. જે અસહ્ય લાતોના કારણે દરવાજાથી છૂટી થઈ હતી. પરંતુ અમારા રૂમમાં કોઈ પણ છાપું આવતું ન્હોતું. મને થયું કે કુલદીપ કદાચ કો'કના રૂમમાંથી છાપું લઈ આવ્યો હશે. પછી હું રૂમની અંદર પ્રવે‌શ્યો. 


દિવ્ય ભાસ્કરનો પ્રકાશ આખા રૂમમાં ફેલાઈ ગયો હોય એમ લાગતું હતું. રૂમની જમણી તરફ બાંધેલી દોરી પર કેટલાક કપડાં સૂકાઈ રહ્યા હતા. એકાએક મારી નજર પલંગ પર પડી. હું એક ક્ષણ માટે થંભી ગયો. અમારા રૂમમાં રહેલા ચાર પલંગ પૈકી એક પલંગ સાથે એક ગાદલું ગાયબ હતું. હું વિચારમાં પડી ગયો કે પલંગ અને ગાદલું કોણ ઉઠાવી ગયું હશે. હું રૂમની એકદમ વચ્ચે આવી ગયો. થોડી વાર આખા રૂમમાં નજર ફેરવી. તો નોંધ્યું કે રૂમમાં ઘણા બદલાવ આવી ગયા હતા. આ બદલાવ કુલદીપ કે મિત કરી શકે એમ ન હતા. ત્યારબાદ મેં જોયું કે રૂમમાં હાજર ત્રણ પલંગ પૈકી એક પલંગ લોખંડનો હતો. જ્યારે અમારા ચારેય પલંગ લાકડાના હતા. આ સિવાય મેં જોયું કે દરવાજાની ડાબી તરફની અલમારી પાસે દિવ્ય ભાસ્કરનો ઢગલો પડ્યો હતો. જે અમારો ન્હોતો. એટલે મને શંકા ગઈ કે "દયા કુછ તો ગરબડ હૈ!" 


મેં જોયું કે ડાબી બાજુના ન ખૂલેલા દરવાજાને અંદરથી કોઈએ ઉપરની સ્ટોપર મારી દીધી હતી. જેના કારણે જ ગમે તેટલી લાતો મારવા છતાં દરવાજો ખૂલ્યો ન્હોતો. મેં એ સ્ટોપર ખોલી. ડાબી તરફના દરવાજાને સરખી રીતે ખોલ્યો. અને પછી જે જોયું. એ જોઈને મને ધ્રાસકો પડ્યો. 


દરવાજા પર ભુરા રંગથી ચિતરેલા વર્તુળમાં સફેદ રંગથી 86 લખેલું હતું. જે રૂમનો નંબર હતો. પણ આ રૂમ મારો ન હતો. મારા રૂમનો નંબર 85 હતો. હું રૂમમાંથી બહાર નીકળ્યો. 86 નંબરના રૂમને બહારથી સ્ટોપર મારી અને મોબાઈલમાં એક નંબર ડાયલ કર્યો. 


"હેલ્લો…અખાભાઈ''


"હા, બોલો હિમાંશુ ભાઈ…"


"અખાભાઈ તમારા રૂમનું તાળું મારાથી તૂટી ગયું છે. પણ ચિંતા કરશો નહીં. હું બીજું તાળું લાવીને રૂમ બંધ કરી દઈશ." 


"પણ તાળું તૂટ્યું કેવી રીતે?" 


"એ બધું કહેવાનો હાલ સમય નથી. એ બધું હું તમને બ્લોગ લખીને જણાવીશ." 


મેં કોલ કટ કર્યો અને આ વાર્તા પૂરી થઈ.



~ હિમાંશુ ચાવડા 'હમરાઝ'












ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ