"હેપ્પી" ભાવસાર નાયક
આજે સવારે 'હેપ્પી' નામનો શબ્દ મારા કાને પડ્યો. મારી બાજુના પી.સી. પર બેસેલા અમિતા બેન ગૂગલમાં કંઈક શોધી રહ્યા હતા. ત્યારબાદ સેજુ બેનના મોંઢેથી મને 'મ્હોતું' અને 'પ્રેમજી' શબ્દ સંભળાયો.
"અરે પણ હેપ્પીની એ સિવાય કેટલી ફિલ્મોમાં કામ કર્યું છે?" અમિતા બેને પૂછ્યું.
મને મ્હોતું વિશે ખબર હતી. મેં એ શોર્ટ ફિલ્મને યુટ્યુબ પર નિહાળી પણ હતી. એના કારણે એમાં કામ કરનારા કલાકારો વિશે પણ થોડી ઘણી જાણકારી પણ હતી. જોકે અમદાવાદ આવ્યા પછી અવારનવાર નવજીવન અને કર્મકેફેમાં જવાના કારણે મ્હોતુંના લેખક રામ મોરીનો પરિચય પણ થયો.
"હેપ્પી કોણ?" મેં પૂછ્યું.
"હેપ્પી ભાવસાર."
"શું એમની ફિલ્મને કોઈ નેશનલ અવોર્ડ મળ્યો છે?"
"ના, એમનું અવસાન થયું છે."
અમિતાબેનના મોંઢે આ વાક્ય સાંભળીને એક ક્ષણ માટે હું સ્તબ્ધ થઈ ગયો. મને આ વાત પર વિશ્વાસ ન્હોતો બેસતો. પણ અમે ખબરોની દુનિયાના માણસ. એટલે એ ખબર ખોટી તો હોય નહીં.
''મોન્ટુની બિટ્ટુ" મારી પાછળ બેસેલી મનસ્વી બોલી.
"આના સિવાય હેપ્પીએ બીજી કોઈ ફિલ્મોમાં કામ નથી કર્યું?"
"હેલ્લારોમાં પણ કર્યું છે ને..." મેં કહ્યું.
"ના હેલ્લારોમાં હેપ્પી ભાવસાર નથી" મારી પાછળ બેસેલા ન્યૂઝ એન્કર ઝીનલબેન બોલ્યા.
ત્યારબાદ મેં ગૂગલમાં સર્ચ કરીને જોયું. જોકે હેલ્લારો ફિલ્મમાં ઘણી બધી નાયિકાઓ હતી. એટલે એ ફિલ્મમાં હેપ્પી ન્હોતી એનો ખ્યાલ રહ્યો નહીં. જોકે પછી મને યાદ આવ્યું કે મેં એને ડીડી ગિરનાર ચેનલ પર ઘણી ખરી ગુજરાતી સીરિયલ અને ટેલિફિલ્મમાં જોઈ છે. મેં અમિતાબેનને કહ્યું. આ વાત એમણે ધ્યાન પર લીધી નહીં. પણ મારી આગળના વેબપોર્ટલના ડેસ્ક પર બેસેલા શર્મા સર બોલ્યા કે "હિમાંશુનું નોલેજ સારૂં છે." આ વાક્ય સાંભળીને મનમાં થયું કે કો'ક તો માણસના જ્ઞાનની કદર કરે છે.
ન્યૂઝ રૂમમાં થયેલા આગળની ચર્ચામાં જાણવા મળ્યું કે હેપ્પીએ તાજેતરમાં જ બે બાળકીને જન્મ આપ્યો હતો અને ફેફસાંના કેન્સરને કારણે તેનું મૃત્યુ નીપજયું છે. જોકે મૃત વ્યક્તિને શ્રદ્ધાંજલી આપવા લોકો સામાન્ય રીતે RIP (Rest in Peace) જેવું ટૂંકૂ રૂપ વાપરતા હોય છે. પણ મારા મત મુજબ હેપ્પીને Happy કહીંને જ શ્રદ્ધાંજલી આપવી જોઈએ.
(વિડિયો સૌજન્ય : https://youtu.be/_ZJ63k7fGz4)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો