મહાત્મા ગાંધી પાસે કાયદાની કોઈ ડિગ્રી ન હતી : મનોજ સિન્હા, આ રીતે બન્યા હતા 'બેરિસ્ટર'
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લઈને અવારનવાર સાચી-ખોટી ટિપ્પણીઓ થતી રહે છે. ગયા વર્ષે જ્ઞાનવાપી મસ્જીદનો કેસ ચર્ચામાં આવ્યો હતો. એ સમયે મહાત્મા ગાંધીના નામે એવો પત્ર વાયરલ થયો હતો. કે જે અસલમાં મહાત્મા ગાંધીએ લખ્યો જ ન હતો. ત્યારે હવે મહાત્મા ગાંધીના નામે વધુ એક ટિપ્પણી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું છે કે, મહાત્મા ગાંધી પાસે કાયદાની કોઇ ડિગ્રી નહોતી, પરંતુ તેમની પાસે શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા હતો.
શું બોલ્યા મનોજ સિન્હા?
23 માર્ચના રોજ મનોજ સિન્હાએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, "મને લાગે છે કે ગાંધીએ મહાન કાર્યો કર્યા છે. આ બધું હમણાં જ કહેવામાં આવ્યું છે, હું પુનરાવર્તન કરવા માંગતો નથી ... દેશને આઝાદી મળી અને તેમણે શું કર્યું પણ ગાંધીજીએ કર્યું. જે કંઈ પ્રાપ્ત થયું હતું અને તે સત્ય અને જીવનભર સત્ય સાથે બંધાયેલું હતું તેના કેન્દ્રમાં માત્ર એક જ વસ્તુ હતી. તેઓએ સત્ય હેઠળ કામ કર્યું. "
ગાંધીજી પાસે કોઈ ડિગ્રી ન હતી : મનોજ સિન્હા
તેમણે પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, "હું તમને વધુ એક વાત કહેવા માંગુ છું. મોટા ભણેલા લોકોને આ ભ્રમ છે કે ગાંધીજી પાસે લો(કાયદા)ની ડિગ્રી હતી. ગાંધીજી પાસે કોઈ ડિગ્રી ન હતી. મંચ પર બેસેલા કેટલાક લોકો આ વાતનો વિરોધ કરશે. પણ હું તથ્યો સાથે આ વાત કરીશ." ત્યારબાદ તેઓ અંગ્રેજીમાં બોલ્યા હતા કે, They did not have single University Degree or Qualification. There are many of us who think that Mahatma Gandhi had Law Degree. No, He did not. He has only Qualification of High School Diploma. He qualified to practice Law. He did not have Law Degree."
શું છે મહાત્મા ગાંધીની ડિગ્રીનું સત્ય?
મહાત્મા ગાંધીએ જાતે જ તેમની આત્મકથા 'સત્યના પ્રયોગો' લખી છે. સત્યના પ્રયોગોના ભાગ-1ના પ્રકરણ 11(વિલાયતની તૈયારી)માં ગાંઘીજીએ વકીલાતના અભ્યાસ માટે વિલાયત જવાનો ઉલ્લેખ કર્યો છે. તો આજ આત્મકથાના પ્રકરણ 24 (બારિસ્ટર તો થયા - પણ પછી?) અને પ્રકરણ 25 (મારી મૂંઝવણ)મા તેઓ બારિસ્ટર થયાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત આત્મકથાના ભાગ-2ના પ્રકરણ 18 (કાળો કાંઠલો)માં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરવાની સનદ માટેની સોગન લીધાનો ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ તેમણે દક્ષિણ આફ્રિકાની અદાલતમાં ભારતીયો માટે કેસ લડવાની શરૂઆત કરી હતી.
બેરિસ્ટર કોને કહેવાય છે?
જે વ્યક્તિ ઇંગ્લેન્ડમાંથી કાયદાની ડિગ્રી મેળવે છે. તેને બેરિસ્ટર કહેવામાં આવે છે.
મોહનદાસ ગાંધી પોતાના કુટુંબના જૂના મિત્ર અને સલાહકાર એક વિદ્વાન, વ્યહવાર કૂશળ બ્રાહ્મણ માવજી દવેની સલાહ અને પરિવારજનોની ઈચ્છાથી બેરિસ્ટર બનવા માટે ઈ.સ. 1888માં વિલાયત એટલે કે લંડન ગયા હતા. 6 નવેમ્બર, 1888ના રોજ તેઓ લંડનની 'ઓનરેબલ સોસાયટી ઓફ ધ ઇનર ટેમ્પલ'માં દાખલ થયા હતા. જ્યારે 27મે 1891ના રોજ 'Barrister-at-Law'ની ડિગ્રી મેળવી તેઓ બેરિસ્ટર થયા હતા અને તેમનું નામ બેરિસ્ટરોની યાદીમાં દાખલ થયુ હતુ.
ગાંધીજીનું Bar-at-Lawનું પ્રમાણપત્ર સૌજન્ય : GandhiServe |
મહાત્મા ગાંધી ઉપરાંત પણ ઘણાં ભારતીયો આઝાદી પૂર્વે 'ઇનર ટેમ્પલ' માંથી 'Barrister-at-Law'નો અભ્યાસ કરીને વકીલાત કરી ચૂક્યા છે. જેમાં ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની પં. જવાહરલાલ નહેરુ, પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાન, ભારતના પાંચમા રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદનો સમાવેશ થાય છે. તો આઝાદી બાદના બેરિસ્ટરોમાં બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધાર્થ શંકર રોય અને પં. રામચંદ્ર કુકરેતીનો સમાવેશ થાય છે.
Honourable Society of the Inner Temple શું છે?
ધી માનનીય સોસાયટી ઓફ ધ ઇનર ટેમ્પલ, જે સામાન્ય રીતે ઇનર ટેમ્પલ તરીકે ઓળખાય છે, તે કોર્ટના ચાર ઇન્સ પૈકીનું એક છે અને તે બેરિસ્ટર્સ અને ન્યાયાધીશો માટેનું એક વ્યાવસાયિક સંગઠન છે. બારમાં બોલાવવા માટે અને ઇંગ્લેન્ડ અને વેલ્સમાં બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ કરવા માટે, એક વ્યક્તિ આમાંના કોઈ એક ઇન્સની હોવી આવશ્યક છે. તે વિશાળ મંદિર વિસ્તારમાં, રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસની નજીક અને લંડન શહેરની અંદર આવેલું છે. તે મોટે ભાગે એક સ્વતંત્ર સ્થાનિક સરકારી સત્તા તરીકે કાર્ય કરે છે.
------------------------------------------------------------------------------------
સંદર્ભ સૂચિ:
1. સત્યના પ્રયોગો, લે. મો. ક. ગાંધી, પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર
2. Inner Temple, Wikipedia
3. તસવીર સૌજન્ય: આર્કાઇવ, GandhiServe.net, Gandhi Heritage Portal
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો