ઘણા બધાના નામનું નાહી લીધું!
વિનોદ ભટ્ટ / Vinod Bhatt છબી : ડૉ. અશ્વિનકુમાર |
કવિ ડૉ. હર્ષદેવ માધવના કાવ્ય સંગ્રહ 'પોતપોતાની તરસ'ના વિમોચન સમયે આજે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ એવા ભાગ્યેજ જ્હા સાહેબને સાંભળવાનો અવસર મળ્યો. પોતાના વક્તવ્ય તથા કાવ્ય પઠન દરમિયાન તેમણે વિનોદ ભટ્ટ સાહેબ સાથેનો એક પ્રસંગ શ્રોતાઓ સાથે શેર કર્યો. જે અહીં એમના શબ્દોમાં રજૂ કરી રહ્યોં છું.
મારે વિનોદભાઈ સાથે અવારનવાર ફોન પર વાતો થતી રહે. જોકે તેમણે મને એક વખત તેઓનો બીજો નંબર આપતા કહ્યું હતું કે, "મારૂં ડાયાબિટીસ વધી જાય, હું ભાનમાં ન હોવ એવી પરિસ્થિતિમાં જો હું ફોન ન ઉપાડું તો આ નંબર પર ફોન કરવો."
એ નંબર તેમની પુત્રવધુ પાસે રહેતો. એક દિવસ થયું એવું કે હું વિનોદભાઈને ફોન કરૂં પણ તે ફોન જ ન ઉપાડે. ઘણા પ્રયત્નો પછી મેં આખરે તેમના બીજા નંબર પર ફોન લગાવ્યો. એમની પુત્રવધુએ ફોન ઉપાડ્યો. એટલે મેં કહ્યું, "કાકા કેમ ઉપાડતા નથી, એમની તબિયત તો સારી છે ને?"
એમની પુત્રવધુએ કહ્યું, "ક્યારના બાથરૂમમાં ગયા છે અને અંદરથી દરવાજો બંધ કરીને બેઠા છે. એટલે હવે તો મનેય ચિંતા થવા લાગી છે."
મેં કહ્યું, "સારૂં એ બહાર આવે તો ફોન કરાવજો."
થોડા સમય બાદ વિનોદભાઈનો સામેથી ફોન આવ્યો એટલે મેં ખબર અંતર કાઢતા પૂછ્યું કે, "વિનોદભાઈ બાથરૂમમાં બહું લાંબો સમય બેસી રહ્યા. તબિયત તો સારી છે ને?"
વિનોદભાઈએ કહ્યું, "તબિયત તો ઠીક જ છે. ન્હાવા બેઠો હતો અને નળમાં ફોર્સ સાથે પાણી આવતું હતું. નગરપાલિકાવાળા અમને જે દિવસે ફૂલ ફોર્સમાં પાણી આપે એ તો અમારા માટે મોટા ઉત્સવ જેવો દિવસ કહેવાય. એટલે આવા અવસરે એક સામટું ઘણા બધાના નામનું નાહી લીધું."
આવી હતી વિનોદભાઈ ઉર્ફે વિનોદ ભટ્ટની વિનોદ વૃત્તિ!
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો