સંવિધાનની મજાક એટલે 'સંવિધાન હત્યા દિવસ'
સંવિધાન ખતરામાં છે. આ વાત લોકસભાની ચૂંટણી સમયે ઘણી વાર સાંભળવા મળી છે. વિપક્ષે આ વાક્યનો ભરપૂર ઉપયોગ કર્યો છે. આ વાક્ય ચૂંટણી પ્રચારનો ભાગ હતું કે કેમ? એ વિચારવા જેવી બાબત છે. જો આ વાક્ય ખરેખર ચૂંટણી પ્રચારનો ભાગ હતું. તો તેનું પરિણામ સામે આવી ગયું છે. કદાચ આ વાક્યને વારંવાર ઉચ્ચારવાના ફળસ્વરૂપે વિપક્ષને મજબૂત વિપક્ષ તરીકે સંસદમાં બેસવાની તક મળી છે.
વિપક્ષના ઘણા નેતાઓએ એ જ સંવિધાન હાથમાં રાખીને શપથગ્રહણ પણ કર્યા છે. કદાચ સંવિધાન બચાવોની ઝૂંબેશ અહીં સુધીની જ હતી એવું લાગી રહ્યું છે. કારણ કે, સંવિધાન બચાવવાની વાત કરનારા લોકો હવે સંસદમાં ભગવાનની વાત કરે છે. જોકે રાજનીતિમાં ‘અભી બોલા, અભી ફોક’ જેવું તો ચાલ્યા કરતું હોય છે.
પરંતુ તાજેતરમાં જે કંઈ થયું એ તો કાન પકડવા સમાન બાબત છે. એ છે ‘સંવિધાન હત્યા દિવસ'ની ઘોષણા! માની લઈએ કે, જે તે સમયના શાસકો દ્વારા સંવિધાનને તો ઈજા પહોંચાડીને ઘાયલ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમના અનુગામી શાસકોએ સંવિધાનને ફરી બેઠું કરીને મજબૂત બનાવ્યું હતું. સંવિધાનની હત્યા ક્યારેય થઈ ન હતી અને થશે પણ નહીં. વર્તમાન શાસકો દ્વારા કરાયેલી 'સંવિધાન હત્યા દિવસ'ની ઘોષણા એ સંવિધાનની મજાક સમાન છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો