.jpeg) |
કચ્છ એટલે માત્ર રણવિસ્તાર નહીં, બીજું પણ કંઈ ઘણું બધું છે |
ભારત આઝાદ થયું ત્યારે કચ્છ ‘સી’ શ્રેણીનું રાજ્ય હતું. 1960માં કચ્છને ગુજરાતમાં સમાવવામાં આવ્યું અને તે ગુજરાત રાજ્યનો ભાગ બન્યું. હાલ કચ્છ ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતનો અને ગુજરાતનો સૌથી મોટો જિલ્લો ગણાય છે. જે 10 તાલુકા ધરાવે છે. કચ્છ ગુજરાતનો રણવિસ્તાર ધરાવતો જિલ્લો છે. કચ્છ કુલ 27,200 ચોકિમી ક્ષેત્રફળનો રણપ્રદેશ ધરાવે છે. કચ્છમાં નાનું અને મોટું એમ બે રણ આવેલા છે. નાના રણનું ક્ષેત્રફળ 4,700 ચો.કિમી. છે. જ્યારે મોટા રણનું ક્ષેત્રફળ 22, 500 ચો. કિમી. છે.
કચ્છનો રણપ્રદેશ
કચ્છનું નાનું રણ: કચ્છનું નાનું રણ કચ્છ જિલ્લાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં આવેલું છે. કચ્છના નાના રણને પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી એમ ત્રણ જિલ્લાની સરહદ અડે છે. અહીં આવેલ વચ્છરાજ બેટ નામના સ્થળને મરૂભૂમિનું મોતી તરીકે ઓળખવામાં આવે છે. કચ્છનું નાનું રણ વિશ્વનું એકમાત્ર સફેદ રણ છે. જ્યાં મીઠું પકવવામાં આવે છે. કચ્છ જિલ્લો, ગુજરાતના મીઠાં ઉત્પાદનના 60% થી વધુ ફાળો આપે છે. આ સિવાય અહીંના ધોરડો ખાતે 2005થી ‘રણોત્સવ’નું આયોજન પણ કરવામાં આવે છે.
.jpeg) |
સફેદ રણ |
કચ્છના નાના રણમાં ઘુડખર નામનું પ્રાણી જોવા મળે છે. જેથી વન્યજીવ સુરક્ષા ધારા, 1972 હેઠળ અહીં 1972માં ઘુડખર અભયારણ્યની સ્થાપના કરવામાં આવી છે. જે ધાંગધ્રા અને સુરેન્દ્રનગરમાં વહેંચાયેલું છે. ઘુડખર શિડ્યુલ-1નું પ્રાણી છે. રાજ્ય સરકાર તેને ‘ગાર્ડિયન ઓફ રણ’ કહે છે. સરકારી આંકડાઓ પ્રમાણે ધાંગધ્રામાં ઘુડખરની વસ્તી 3,234 છે. ત્યારબાદ રાધનપુરમાં 2,325 અને ભચાઉમાં 2113 ઘુડખરની વસ્તી નોંધાઈ છે.
.jpeg) |
ઘુડખર |
કચ્છનું મોટું રણ: કચ્છનું મોટું રણ કચ્છ જિલ્લાના ઉત્તર વિસ્તારમાં આવેલું છે. મોટા રણના ઉંચાઈવાળા વિસ્તારને લાણાસરી તરીકે ઓળખવામાં આવે છે. અહીં કડવા ક્ષાર અને કાળી જમીન(રેતી અને માટીના રજકણો)ના મિશ્રણવાળી જમીન જોવા મળે છે. જે ખારાસરી તરીકે ઓળખાય છે.
.jpeg) |
સુરખાબ (ફ્લેમિંગો) |
કચ્છના મોટા રણના છીછરા પાણીવાળા કાદવીયા વિસ્તારમાં સુરખાબ પક્ષી હજારોની સંખ્યામાં જોવા મળે છે. જેથી અહીં 1986માં સુરખાબનગર અભ્યારણ્યની સ્થાપના કરવામાં આવી છે. જે રાપર અને કચ્છમાં વહેંચાયેલું છે. સુરખાબ પક્ષીની વસાહતને ‘ફ્લેમિંગો સિટી’ તરીકે ઓળખાય છે. સુરખાબને રાજ્ય સરકારે ‘ગુજરાતના રાષ્ટ્રીય પક્ષી’ તરીકેનું સન્માન પણ આપેલું છે. આ સિવાય લખપત તાલુકામાં નારાયણ સરોવર ચિકારા અભ્યારણ્ય(1981) તથા નલિયા તાલુકાના જખૌ ગામ પાસે ઘોરાડ પક્ષી અભયારણ્ય(1993) આવેલું છે.
વૈશ્વિક ધરોહર ધોળાવીરા
કચ્છના મોટા રણમાં ખદીર, પચ્છમ, બેલા અને ખાવડા એમ ચાર બેટ આવેલા છે. જે પૈકીના ખદીર બેટમાં સિંધુ સભ્યતાનું પ્રાચીન સ્થળ ધોળાવીરા આવેલું છે. 1960માં શંભૂદાન ગઢવી નામના વ્યક્તિએ અહીંથી હડપ્પાકાળના સિક્કા જેવા અવશેષો મળી આવ્યા હતા. ત્યારબાદ 1967-68માં પુરાતત્ત્વવિદ ડૉ. જગતપતિ જોશીને ધોળાવીરા ગામ પાસે હડપ્પાકાળનું નગર મળી આવ્યું હતું.
.jpeg) |
ધોળાવીરા |
સ્થાનિકો તેને કોટડા ટિંબા તરીકે પણ ઓળખે છે. 1990માં પુરાતત્ત્વવિદ ડૉ. રવીન્દ્રસિંહ બિસ્ટે ધોળાવીરા ખાતે ઉત્ખનન શરૂ કરાવ્યું હતું. 1990થી 2005 સુધી અહીં 13 વખત ઉત્ખનન કરવામાં આવ્યું હતું. જેમાં દસ અક્ષરનું સાઈનબોર્ડ, મોતી બનાવવાનું કારખાનું, તાંબુ ગાળવાની ભઠ્ઠી તથા ઉત્તમ નગર વ્યવસ્થાના અવશેષો મળી આવ્યા છે. 27 જુલાઈ 2021ના રોજ યુનેસ્કોએ ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સ્થળ જાહેર કર્યું છે.
.jpeg) |
કાળો ડુંગર (ઉ. 485 મીટર) |
કચ્છના ડુંગર
ખાવડા બેટ વિસ્તારમાં કચ્છનો સૌથી ઊંચો કાળો ડુંગર આવેલો છે. જેની ઉંચાઈ 485 મીટર છે. અહીં 400 વર્ષ જૂનું દત્તાત્રેય ભગવાનનું મંદિર આવેલું છે. ભુજ શહેરની બહાર એક ભુજીયો ડુંગર આવેલો છે. જેની ઉંચાઈ 160 મીટર છે. આ ડુંગર પર જાડેજા રાજવીઓએ બંધાવેલો ભુજીયો કિલ્લો આવેલો છે. અહીં ભુજંગ દેવનું મંદિર આવેલું છે. જ્યાં દર નાગ પંચમીના દિવસે મેળો ભરાય છે. આ સિવાય ભુજીયા ડુંગર પર 2001ના ભૂકંપ પીડિતોને સમર્પિત સ્મારક ઉદ્યાન ‘સ્મૃતિવન’ પણ આવેલું છે. જેનું 28 ઓગસ્ટ 2024ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 470 એકરમાં ફેલાયેલા આ ઉદ્યાનમાં 5 5 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. લખપત તાલુકામાં માતાનો મઢ નામનું ગામ આવેલું છે. જ્યાંનું આશાપુરા માતા મંદિર જાણીતું છે. આશાપુરા માતા કચ્છના રાજવીઓના કુળદેવી છે.
.jpeg) |
સ્મૃતિવન |
કચ્છના મેળાઓ
કચ્છ જિલ્લામાં ભરાતા ત્રણ મેળાઓ મહત્ત્વપૂર્ણ છે. 1. દાદા મેકરણનો મેળો(ધ્રંગનો મેળો) 2. રવેચી માતાનો મેળો 3. રવાડીનો મેળો.
ભુજ તાલુકાના ધ્રંગ ગામ ખાતે દાદા મેકરણની સમાધિ આવેલી છે. જ્યાં દર વર્ષે મહાશિવરાત્રી (મહા વદ ચૌદશ)ના રોજ મેળો ભરાય છે. આ મેળામાં કચ્છી લોકો ભજન-કીર્તન સાથે રાસડા નૃત્ય કરે છે.
રાપર ખાતે રવેચી માતાનું મંદિર આવેલું છે. જ્યાં દર વર્ષે ભાદરવા સુદ સાતમ-આઠમના રોજ મેળો ભરાય છે. રવેચી માતાના આ મેળાને કચ્છનું તળપદી તોરણ પણ ગણવામાં આવે છે.
કચ્છના માંડવી ખાતે દર વર્ષે શ્રાવણ વદ નોમ એટલે કે જન્માષ્ટમીના બીજા દિવસે રવાડીનો મેળો ભરાય છે. જેમાં રથયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રાને રવાડી કહેવાય છે. આ સિવાય નખત્રાણા તાલુકાના કકડભીત ખાતે ભાદરવા સુદ પૂનમના રોજ યક્ષના મેળા તરીકે જાણીતો જખનો મેળો પણ ભરાય છે.
કચ્છની ખાસિયત
કચ્છમાં છેલ્લા 400-500 વર્ષથી ખારેકની ખેતી કરવામાં આવે છે. કચ્છના 19,000 હેક્ટર વિસ્તારમાં ખારેકનું ઉત્પાદન થાય છે. કચ્છમાં દેશની 85% ખારેકનું ઉત્પાદન થાય છે. તેથી કચ્છના મુન્દ્રા ખાતે ખારેક સંશોધન કેન્દ્ર પણ આવેલું છે. જેના પ્રયાસોના પરિણામે ‘કચ્છી ખારેક’ને 2024માં GI ટેગ મળ્યો છે. કેસર કેરી(2011) બાદ કચ્છી ખારેક એ GI ટેગ મેળવનારૂં બીજું ફળ છે.
.jpeg) |
કચ્છી ખારેક |
કચ્છના લખપત તાલુકાનું ગુહર મોટી ગામ ભારતની સૌથી પશ્ચિમે આવેલું માનવવસ્તી ધરાવતું સ્થળ છે. જ્યાં સૌપ્રથમ સૂર્યાસ્ત થાય છે. કચ્છ સિસ્મિક ઝોનના નક્શાના 5માં ઝોનમાં આવે છે. તેથી અહીં ભૂકંપ આવવાની શક્યતા વધારે રહે છે. કચ્છના ઇતિહાસમાં બે મોટા ભૂકંપ આવી ચૂક્યા છે. જેમાં 1819 અને 2001માં આવેલા ભૂકંપનો સમાવેશ થાય છે.
1819માં આવેલા ભૂકંપે કચ્છની ભૌગોલિક સ્થિતિ બદલી નાખી હતી. આ ભૂકંપ દરમિયાન એક ભૂ ભાગ ઉપસી આવ્યો હતો. જે ‘અલ્લાબ બંધ’ તરીકે જાણીતો છે. આ બંધના કારણે પહેલા જે સિંધુ નદી કચ્છમાં થઈને દરિયાને મળતી હતી. તેણે પોતાનું વહેણ પાકિસ્તાનમાં તરફ વાળી લીધું હતું. કચ્છ પાકિસ્તાન સાથે 512 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. જે રેડક્લિફ રેખા તરીકે ઓળખાય છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો